હોમપેજગુજરાતભાગળમાં 1 મહિનામાં હિંદુઓ પર 3 હુમલા, મુસ્લિમ સરપંચે હિંદુ મહોલ્લાનું પાણી...

ભાગળમાં 1 મહિનામાં હિંદુઓ પર 3 હુમલા, મુસ્લિમ સરપંચે હિંદુ મહોલ્લાનું પાણી બંધ કર્યું, ગામ છોડવાનું દબાણ: સ્થાનિક કોંગ્રેસી ધારાસભ્ય અને સાંસદ ગાયબ– Ground Report

અમારી ટીમે ભાગળ ગામ અને પાલનપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં પીડિત પરિવારોએ ચોંકાવનારી આપવીતી જણાવી હતી.

- Advertisement -

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલું ભાગળ ગામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. થોડા મહિનાઓ પહેલાં જ્યાંથી ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, તે જ ભાગળ ગામમાં છેલ્લા એક-બે મહિનાથી હિંદુ પરિવારો પર સતત હુમલાઓ થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. તાજેતરમાં 25થી 30 લોકોના ટોળાએ હિંદુઓના ઘરોમાં ઘૂસીને પથ્થરમારો અને હથિયારો વડે હુમલો કર્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અમારી ટીમે ભાગળ ગામ અને પાલનપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં પીડિત પરિવારોએ ચોંકાવનારી આપવીતી જણાવી છે.

15 દિવસના નવજાત બાળકની ખાટલી પર પડ્યા પથ્થરો, મહિલાઓને જમીન પર પાડીને મરાયો માર

ઘટનાસ્થળે પહોંચતાં જ હુમલાની ભયાનકતા જોવા મળી હતી. ત્રણ જેટલા હિંદુ પરિવારોના ઘરોમાં ઘરવખરી વેરવિખેર પડેલી હતી અને ઘરની અંદર સુધી મોટા-મોટા પથ્થરો પડેલા જોવા મળ્યા હતા.

- Advertisement -

પીડિત પરિવારની એક મહિલાએ રડમસ અવાજે જણાવ્યું હતું કે,

“બપોરના સમયે અમારા ઘરમાં માત્ર ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષો જ હાજર હતા. આંગણામાં મારું માત્ર 15 દિવસનું નવજાત બાળક ખાટલી પર ઊંઘી રહ્યું હતું અને 12 મહિનાનું બીજું એક બાળક રમી રહ્યું હતું. અચાનક 25 થી 30 મુસ્લિમ લોકોનું ટોળું હથિયારો અને પથ્થરો લઈને ધસી આવ્યું અને અંધાધૂંધ પથ્થરમારો શરૂ કરી દીધો.”

મહિલાએ વધુમાં ઉમેર્યું કે,

“મેં બંને નાનાં બાળકોને જેમ-તેમ કરીને ઘરની અંદર સંતાડીને દરવાજો બંધ કરી દીધો, પરંતુ હુમલાખોરોએ ઘરની અંદર સુધી પથ્થરો ફેંક્યા. ખાટલીની નીચે આજે પણ એ પથ્થરો પડ્યા છે. ટોળાએ ઘરની મહિલાઓને જમીન પર પાડીને માર માર્યો અને ધમકી આપી કે જો ગામ છોડીને નહીં જાઓ તો કાપી નાખીશું.”

વાયરલ વિડીયોમાં જે મહિલાને જમીન પર પાડીને ત્રણ-ચાર શખ્સો દ્વારા ગળું દબાવવામાં આવી રહ્યું હતું તે પીડિત મહિલા હાલ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગળામાં ગંભીર ઈજા પહોંચી હોવાથી તેઓ બરાબર બોલી પણ શકતાં નથી.

FIR નોંધાવ્યા બાદ મુસ્લિમ સરપંચે હિંદુ વિસ્તારનું પાણી બંધ કર્યાનો આક્ષેપ

ગામની મહિલાઓ અને રહીશોએ આક્ષેપ કર્યો છે કે આ વિવાદની શરૂઆત દિવાળીની રાત્રે થઈ હતી, જ્યારે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે દલિત સમાજના યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ (FIR) નોંધાવવામાં આવતા ગામના મુસ્લિમ સરપંચ દ્વારા હિંદુઓની વસ્તીનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.

પીડિત મહિલાઓના જણાવ્યા મુજબ,

“દિવાળી જેવા મોટા તહેવારમાં પણ અમને પાણી વગર તરસ્યા રાખવામાં આવ્યા. નાના બાળકો અને પરિવાર માટે અમારે બહારથી પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા પડ્યા છે. મુસ્લિમ સરપંચ અને તેમના લોકો ધમકી આપે છે કે જો અમારી સામે ફરિયાદ કરશો કે અવાજ ઉઠાવશો તો પાણી નહીં મળે અને ગામમાં રહેવા નહીં દઈએ.”

ખુલ્લામાં પશુ કાપવા બાબતે મારપીટ અને મહોલ્લામાં આવીને કાપવાની ધમકી

ગામની અન્ય એક હિંદુ મહિલાએ દિવાળીના થોડા દિવસ પહેલાં બનેલી વધુ એક ઘટનાનો ઘટસ્ફોટ કરતાં જણાવ્યું કે,

“અમારા ખેતર પાસે અમારા પશુઓ ચરી રહ્યા હતા. અમને જાણ થઈ કે ત્યાં કેટલાક મુસ્લિમ શખ્સો ખુલ્લામાં ભેંસ કાપી રહ્યા છે. અમારી ભેંસ તો નથી ને તે જોવા માટે હું ત્યાં ગઈ, તો મને જોવા દેવાને બદલે ત્રણ-ચાર થપ્પડ મારી દેવામાં આવી.”

મહિલાના આક્ષેપ મુજબ, જ્યારે આ કૃત્યનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે હુમલાખોરોએ એવી ધમકી આપી હતી કે,

“અહીં તો કાપીશું જ, પણ જો વધારે બોલશો તો તમારા મહોલ્લામાં આવીને પશુ કાપીશું.”

સાક્ષી બનેલા દલિત યુવાન પર જીવલેણ હુમલો, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ એક દલિત યુવાને પોતાની આપવીતી જણાવતાં કહ્યું કે, અગાઉ દિવાળી સમયે દલિત સમાજ પર થયેલા હુમલાના કેસમાં તે સાક્ષી હતો અને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું, જેની અદાવત રાખવામાં આવી હતી.

યુવાનના જણાવ્યા મુજબ,

“હું બપોરે અઢી વાગ્યે દુકાને સામાન લેવા જઈ રહ્યો હતો, ત્યારે ઠાકોર સમાજના મહોલ્લામાં મુસ્લિમોનું ટોળું મહિલાઓ અને બાળકો પર હુમલો કરી રહ્યું હતું. હું તેમને બચાવવા ગયો તો ટોળાએ મને પકડી લીધો અને કહ્યું કે ‘તું બહુ ઉછળે છે, તેં જ મીડિયામાં રિપોર્ટિંગ કરાવ્યું હતું ને?’ ત્યારબાદ મને જાતિવાચક અપશબ્દો બોલી, ઈંટો વડે છાતી અને પેટમાં માર મારવામાં આવ્યો અને મારું ગળું દબાવવાનો પ્રયાસ થયો.”

પોલીસની હાજરી છતાં હુમલો; ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને સાંસદ ગેનીબેન ઠાકોરની ગેરહાજરી સામે રોષ

સ્થાનિક રહીશોમાં પોલીસ તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યારે તાજેતરનો હુમલો થયો ત્યારે ગામમાં પોલીસ કાફલો હાજર હતો, તેમ છતાં હુમલાખોરો બેખૌફ બનીને પથ્થરમારો કરતા રહ્યા.

ઉલ્લેખનીય છે કે ભાગળ ગામ વડગામ વિધાનસભા મતવિસ્તારમાં આવે છે, જ્યાંથી કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણી ધારાસભ્ય છે, જ્યારે લોકસભા બેઠક બનાસકાંઠા હેઠળ આવે છે, જ્યાંથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સાંસદ છે. પીડિત પરિવારોનું કહેવું છે કે છેલ્લા ત્રણ મહિનાથી ગામમાં એક પછી એક હુમલા થઈ રહ્યા છે, દલિત અને ઓબીસી પરિવારોને ગામ છોડવાની ધમકીઓ મળી રહી છે અને પાણી બંધ કરી દેવાયું છે, છતાં ન તો ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ફોન ઉપાડ્યો કે મુલાકાત લીધી, ન તો સાંસદ ગેનીબેન ઠાકોરે કોઈ ખબરઅંતર પૂછ્યા.

દલિત, રાજપૂત અને ઠાકોર—ત્રણેય સમાજના પરિવારો નિશાના પર

ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન એ હકીકત પણ સામે આવી કે છેલ્લા 15-20 દિવસમાં આ વિસ્તારમાં હિંદુ સમાજના અલગ-અલગ વર્ગો પર ઉપરાછાપરી હુમલા થયા છે:

  • દિવાળીની રાત્રે: દલિત (SC) સમાજના યુવાનો પર હુમલો કરવામાં આવ્યો.
  • ચોથા દિવસે: બાજુના વિસ્તારમાં રાજપૂત (General) સમાજના ઘરમાં ઘૂસીને મહિલાઓ પર હુમલો થયો અને ગામ છોડવાની ધમકી અપાઈ.
  • તાજેતરનો હુમલો: ઠાકોર (OBC) સમાજના પરિવારો પર હુમલો કરવામાં આવ્યો, જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

હાલ સમગ્ર ગામમાં ભયનો માહોલ છે અને હિંદુ પરિવારો પોલીસ તંત્ર તથા સરકાર પાસે કડક કાર્યવાહી અને કાયમી સુરક્ષાની માંગ કરી રહ્યા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં