હવેથી વાહનો પર જાતિસૂચક શબ્દો-સંજ્ઞાઓ પર પ્રતિબંધ, ગુજરાત સરકારે બદલ્યા નિયમો

ગુજરાતમાં ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો, ચિહ્નો, આકૃતિઓ કે લખાણો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં સુધારો કરીને આ અંગે જોગવાઈ કરી છે.

રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા 17 નવેમ્બરના રોજ ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કરવામાં આવ્યા હતા. આ સુધારા મુજબ મોટર વાહન નિયમોના નિયમ 125માં જાતિસૂચક ચિહ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ આ નિયમમાં જાહેરાતનાં ઉપકરણો અને આકૃતિઓનો ઉલ્લેખ હતો, જેમાં હવે જાતિ દર્શાવતાં ચિહ્નોનો પણ સમાવેશ કરાયો છે.

આ ઉપરાંત નિયમ 138માં નવો પેટાનિયમ ઉમેરવામાં આવ્યો છે. તે અનુસાર રાજ્ય સરકારના સામાન્ય અથવા વિશેષ આદેશથી મંજૂરી આપવામાં આવી હોય તેવા કિસ્સાઓ સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનાં ઉપકરણો, જાતિસૂચક ચિહ્નો, આકૃતિઓ કે કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.

આ નિયમનો અમલ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર, બસ અને ટ્રક સહિતનાં ખાનગી વાહનો પર થશે. વાહનો પર જાતિ દર્શાવતાં નામો, શબ્દો કે ચિહ્નો લગાવવાની પ્રથા હવે નિયમન હેઠળ આવશે.

ઉલ્લેખનીય છે કે આ સુધારાના ડ્રાફ્ટ નિયમો 11 જૂન, 2026ના રોજ ગુજરાત સરકારના ગેઝેટથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને તે અંગે 30 દિવસમાં વાંધા તથા સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જોકે નિર્ધારિત સમયગાળામાં સરકારને કોઈ વાંધા કે સૂચનો પ્રાપ્ત ન થતાં હવે સુધારેલા નિયમો અંતિમ સ્વરૂપે જાહેર કરવામાં આવ્યા છે.

વાહનો પર આવાં લખાણ અને સ્ટીકર લગાવવા સામે અગાઉ પણ બીજા રાજ્યોમાં પગલાં લેવાયાં છે. વર્ષ 2023માં ઉત્તર પ્રદેશના નોઈડા અને ગાઝિયાબાદમાં પોલીસે જાતિ અને ધર્મ બતાવતા સ્ટીકરવાળાં 2,300થી વધુ વાહનો સામે કાર્યવાહી કરી હતી. તે સમયે વાહનની બોડી કે કાચ પરનાં સ્ટીકર અને નંબર પ્લેટ પરનાં ગેરકાયદે લખાણ સામે મેમો ફાડવામાં આવ્યા હતા.

આ બાબતે મોટર વ્હીકલ એક્ટ, 1988 અને સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989માં પણ નિયમો છે. ખાસ કરીને નંબર પ્લેટ પર નક્કી કરેલા નંબર સિવાય બીજું કોઈ લખાણ કે સ્ટીકર લગાવવાની છૂટ નથી. નિયમ તોડવા બદલ મોટર વ્હીકલ એક્ટની કલમ 192 હેઠળ પહેલી વાર ₹5,000 સુધીનો દંડ થઈ શકે છે. બીજી વાર નિયમનો ભંગ થાય તો ₹10,000 સુધીનો દંડ અને એક વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.