ભારતમાં રાજકારણ કરવાની એક રીત હોય છે અને વિદેશમાં જઈને ભારતનું રાજકારણ કરવાની બીજી. રાહુલ ગાંધીને જોકે આ બંને વચ્ચેનો ભેદ ક્યારનો ભુલાઈ ગયો છે. દેશમાં જનતા સામે જે વાતો સાબિત કરવી મુશ્કેલ પડે, જે આરોપો માટે નક્કર પુરાવા રજૂ કરવા પડે અને જે નેરેટિવ ચૂંટણીના મેદાનમાં વારંવાર સફળ થતો નથી, તેને લઈને રાહુલ ગાંધી વિદેશી ધરતી પર પહોંચી જાય છે. ત્યાં કોઈ યુનિવર્સિટીનું મંચ મળે, કોઈ વિદેશી પત્રકાર સામે બેસવાની તક મળે કે કોઈ આંતરરાષ્ટ્રીય મીડિયા માઇક્રોફોન આગળ ધરે, પછી ભારતની અર્થવ્યવસ્થા, ચૂંટણી, લોકશાહી અને સરકાર વિશે એવા દાવા શરૂ થાય છે જાણે તેઓ પોતાના દેશના વિપક્ષના નેતા નહીં, પરંતુ ભારતને બદનામ કરવાની ગેંગના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા બનીને આવ્યા હોય.
આ વખતે પણ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં તેમણે એ જ જૂની કવાયતનું નવું પ્રકરણ લખ્યું છે. ભારતને તેમણે ‘ઇકોનોમિક ડિઝાસ્ટર’ કહી દીધું. બેરોજગારી અને શિક્ષણની સમસ્યાઓનો ઉલ્લેખ કરીને તેમણે દાવો કર્યો કે ભારતનું આર્થિક મોડલ લગભગ એક દાયકાથી પરિણામ આપતું નથી. સાથે 2024ની ચૂંટણીને લઈને પોતાનો જૂનો ‘વોટ ચોરી’નો આરોપ ફરી દોહરાવ્યો અને 14 કરોડ મતદારોને મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાનો દાવો કર્યો. આટલું ઓછું હોય તેમ તેમણે એવું પણ કહ્યું કે જો અસંતોષ ચોક્કસ મર્યાદા પાર કરશે તો સરકાર હિંસા તરફ જઈ શકે છે.
વાત અહીં પૂરી થતી નથી. રાહુલ ગાંધીએ ભારતની ઘટનાઓને અમેરિકા, બ્રાઝિલ અને ફ્રાન્સમાં ચાલી રહેલી ઘટનાઓ સાથે જોડવાનો પણ પ્રયાસ કર્યો. તેમનો તર્ક એવો હતો કે દુનિયાના અલગ-અલગ દેશોમાં એક જ સમયે આવી ઘટનાઓ બની રહી છે તો તેની પાછળ કોઈને કોઈ જોડાણ હોવું જોઈએ અને ભારત કે ફ્રાન્સમાં જે થઈ રહ્યું છે તેને વૈશ્વિક આર્થિક પરિવર્તનથી અલગ કરીને જોઈ શકાય નહીં.
હવે જરા આ આખી વાતને ઊંધી રીતે સમજીએ. રાહુલ ગાંધી જે વાતને વિશ્વભરમાં ઊભા થઈ રહેલા એકસરખા અસંતોષ તરીકે જોઈ રહ્યા છે, એ અસંતોષને જન્મ આપનારા રાજકીય અને સંગઠનાત્મક નેટવર્ક વિશે તેઓ શું કહે છે? કારણ કે રસ્તા પર ઊતરેલી દરેક ભીડ માત્ર પોતાની રીતે ઊભી થઈ જાય અને પછી કોઈ એક નેરેટિવ વગર દુનિયાભરમાં એકસરખી ભાષા બોલવા લાગે, રાજકારણ એટલું નિર્દોષ નથી હોતું. આ વાત સમજવા માટે ફ્રાન્સમાં તાજેતરમાં થયેલા પ્રદર્શનો પાછળની કડીઓ જોવી પૂરતી છે.
વિદ્યાર્થી આંદોલનથી ‘વૈશ્વિક ક્રાંતિ’ સુધીની વાતો
ફ્રાન્સમાં શરૂઆત શાળાઓની સ્થિતિ, શિક્ષકોની અછત અને વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની સંખ્યા જેવા સ્થાનિક મુદ્દાઓથી થયેલા વિદ્યાર્થી આંદોલનોથી થઈ હતી. પછી તેમાં શિક્ષણ બજેટ, સરકારી નીતિઓ, મોંઘવારી અને બીજા મુદ્દાઓ જોડાતા ગયા. રસ્તા પરની ભીડ વધતી ગઈ અને થોડા જ સમયમાં મૂળ વિદ્યાર્થી પ્રશ્નો કરતાં રાજકીય અને એજન્ડા સાથેના મુદ્દાઓ વધારે મોટેથી બોલવા લાગ્યા. ત્યારબાદ ડાબેરી, સામ્યવાદી, ટ્રેડ યુનિયન, એક્ટિવિસ્ટ અને અન્ય સંગઠનો આ વિરોધની આસપાસ ભેગાં થવા લાગ્યાં. ફોક્સ ન્યૂઝની એક તપાસે ફ્રાન્સના આ પ્રદર્શનની આસપાસનું એક મોટું સંગઠનાત્મક નેટવર્ક ચિહ્નિત કર્યું હતું. તેની શરૂઆતની તપાસમાં 50 સંગઠનોની ઓળખ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થી સંગઠનોની સાથે ડાબેરી, સામ્યવાદી જૂથો, ઈસ્લામિક સંગઠનો, ટ્રેડ યુનિયનો, રાજકીય સંગઠનો અને આંતરરાષ્ટ્રીય મીડિયા-એક્ટિવિસ્ટ જૂથો સામેલ હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ આ તપાસમાં ઓળખાયેલા સંગઠનોની સંખ્યા વધીને 101 સુધી પહોંચી હોવાનું ફોક્સ ન્યૂઝે જણાવ્યું હતું.
આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે દરેક સંગઠનનું કામ એકસરખું નહોતું. કોઈ રસ્તા પર ભીડ એકઠી કરતું હતું, કોઈ લોજિસ્ટિક્સ અને સંદેશાવ્યવહાર સંભાળતું હતું, કોઈ સોશિયલ મીડિયા પર સામગ્રી ફેલાવતું હતું, કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શનની છબી બનાવતું હતું અને કોઈ રાજકીય નેરેટિવને આગળ ધપાવતું હતું. એટલે વાત એટલી સરળ નથી કે એક વ્યક્તિ બેઠી અને આખા વિશ્વમાં આંદોલન ચલાવી દીધું. વાત એક એવી ઇકોસિસ્ટમની છે જેમાં અલગ-અલગ સંગઠનો પોતપોતાની ભૂમિકા ભજવે છે અને અંતે એક જ પ્રકારના નેરેટિવને વધુ મોટો બનાવે છે. ફ્રાન્સના પ્રદર્શનો માટે એક વેબસાઇટનો ઉપયોગ લોજિસ્ટિક્સ, સંદેશાવ્યવહાર અને ભાગીદારી માટે કરવામાં આવતો હોવાનું પણ ફોક્સ ન્યૂઝની તપાસમાં સામે આવ્યું હતું. ટેલિગ્રામ ચેનલો મારફતે પણ સૂચનાઓ, સામગ્રી અને આયોજનની વિગતો પહોંચાડવામાં આવતી હતી. એટલે રસ્તા પર દેખાતી ભીડની પાછળ ડિજિટલ માળખું પણ કામ કરી રહ્યું હતું.
આ વાતનો અર્થ એવો નથી કે ફ્રાન્સમાં રસ્તા પર ઉતરેલો દરેક માણસ કોઈ આંતરરાષ્ટ્રીય કાવતરાનો ભાગ હતો. મુદ્દો બીજો છે. કોઈ પણ આંદોલનમાં મૂળ ફરિયાદ સાચી હોય કે ખોટી, તે ફરિયાદને કોણ મોટી બનાવે છે, કોણ તેની ભાષા બદલે છે, કોણ તેમાં નવા મુદ્દા ઉમેરે છે અને કોણ તેને આંતરરાષ્ટ્રીય નેરેટિવમાં ફેરવે છે, આ સવાલો રાજકારણ સમજવા માટે વધારે મહત્વના છે.
ફ્રાન્સની ગલીથી ભારત સુધી પહોંચતો નેરેટિવ
આ જ તપાસમાં ભારત સાથે જોડાતી કેટલીક કડીઓ પણ સામે આવી હતી. ફ્રાન્સમાં કાર્યરત ઈન્ડિયન એલાયન્સ પેરિસ નામના સંગઠનને ફ્રાન્સ અને ભારતના યુવા પ્રદર્શનો વચ્ચે નેરેટિવ કડી બનાવી હતી. આ સંગઠને સોશિયલ મીડિયા પર ફ્રાન્સ અને ભારતની ઘટનાઓને એક જ સંદર્ભમાં મૂકીને પોસ્ટ્સ કરી હતી. આ સંગઠન અમેરિકાના પીપલ્સ ફોરમ સાથે પણ જોડાણ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નેરેટિવ કેવી રીતે બનાવાય છે તેનું બીજું ઉદાહરણ બ્રેકથ્રુ ન્યૂઝ છે. ફોક્સ ન્યૂઝે તેને ફ્રાન્સના પ્રદર્શનને આંતરરાષ્ટ્રીય સ્તરે એમ્પ્લિફાય કરનારા સંગઠનોમાં ગણાવ્યું હતું. એ જ તપાસમાં નેવિલ રોય સિંઘમ સાથે જોડાયેલાં ટ્રાઇકોન્ટિનેન્ટલ, કોડપિંક અને બ્રેકથ્રુ ન્યૂઝ જેવાં સંગઠનોના નામ પણ આવ્યાં હતાં.
આ આખી કડીમાં સૌથી મહત્વની વાત પૈસા કરતાં પણ નેરેટિવની છે. રસ્તા પરનો માણસ કદાચ પોતાની સ્થાનિક ફરિયાદ લઈને નીકળ્યો હોય. પરંતુ તેના હાથમાં કયું પ્લેકાર્ડ પહોંચે છે, સોશિયલ મીડિયા પર કઈ તસવીર ફેલાય છે, આંતરરાષ્ટ્રીય મીડિયા કઈ હેડલાઈન પસંદ કરે છે અને બીજા દેશોમાં બેઠેલા લંપટો તે ઘટનાને કયા શબ્દોમાં રજૂ કરે છે, આ બધું મળીને એક મોટી વાર્તા બનાવે છે અને એકવાર એ વાર્તા આંતરરાષ્ટ્રીય સ્તરે ‘લોકશાહી માટેનો સંઘર્ષ’, ‘યુવાનોની ક્રાંતિ’ અથવા ‘સરકાર વિરુદ્ધ જનવિદ્રોહ’ જેવા શબ્દોમાં વેચાઈ જાય, પછી મૂળ મુદ્દો પાછળ રહી જાય છે. ફોક્સ ન્યૂઝે આ જ પ્રકારની ઇકોસિસ્ટમને રેડ-ગ્રીન નેટવર્ક તરીકે વર્ણવી હતી અને તેમાં ડાબેરી, સામ્યવાદી તથા ઇસ્લામી જૂથો સાથે જોડાયેલાં સંગઠનોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.
હવે પાછા રાહુલ ગાંધી પાસે આવીએ.
તેઓ કોલંબિયામાં બેસીને કહે છે કે અમેરિકા, બ્રાઝિલ, ફ્રાન્સ અને ભારતમાં એકસાથે આવી ઘટનાઓ કેમ બની રહી છે, એટલે કોઈ કનેક્શન હોવું જોઈએ. પરંતુ દુનિયાભરમાં ચાલતા પ્રદર્શનોની પાછળ કામ કરતી આવી નેરેટિવ ઇકોસિસ્ટમ વિશે તેઓ વાત કરતા નથી. તેઓ ભારતના યુવાનોના અસંતોષને સીધો મોદી સરકારની નિષ્ફળતા તરીકે રજૂ કરે છે અને પછી એ જ અસંતોષને ફ્રાન્સની ઘટનાઓ સાથે એક જ વૈશ્વિક ચિત્રમાં મૂકી દે છે. અહીં સમસ્યા એ છે કે તેઓ કારણ અને રાજકીય નેરેટિવ વચ્ચેનો ભેદ જ ભૂંસી નાખે છે.
‘ઇકોનોમિક ડિઝાસ્ટર’ કહેવું સરળ, આંકડા જોવા મુશ્કેલ
હવે રાહુલ ગાંધીના સૌથી મોટા બફાટ પર આવીએ. ભારત ‘ઇકોનોમિક ડિઝાસ્ટર’માં બેઠું છે. આ શબ્દો કોઈ નાના રાજકીય મંચ પર બોલાયેલા નથી. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં, વિદેશી વિદ્યાર્થીઓ અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો સામે ભારતના વિપક્ષના નેતાએ આ વાત કહી છે. પરંતુ આ દાવાની સામે ભારતના આંકડા ઊભા છે. રિઝર્વ બેન્કે ઑક્ટોબર 2026ની સમીક્ષામાં 2026-27 માટે ભારતની વાસ્તવિક GDP વૃદ્ધિનો અંદાજ 7.1 ટકા કર્યો હતો. IMFના ઑક્ટોબર 2026ના આંકડા મુજબ પણ ભારત માટે 2026ની વૃદ્ધિનો અંદાજ 7 ટકા છે, જ્યારે ચીન માટે 4.5 ટકા છે. એટલે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારત હજુ પણ સૌથી ઝડપી વૃદ્ધિ કરનારી મોટી અર્થવ્યવસ્થાઓમાં અગ્રેસર છે. એટલું જ નહીં, એ જ સમયગાળામાં એપ્રિલ-જુલાઈ 2026 દરમિયાન ભારતની નિકાસમાં 13.16 ટકાનો વધારો નોંધાયો હતો. જુલાઈમાં કેપિટલ ગુડ્સનું ઉત્પાદન એક વર્ષ અગાઉની સરખામણીએ 16.1 ટકા વધ્યું હતું અને ઉદ્યોગ ક્ષેત્રમાં બેન્ક ક્રેડિટ વૃદ્ધિ પણ મજબૂત રહી હતી.
હવે કોઈ કહી શકે કે ભારત સામે બેરોજગારી, શિક્ષણ અને રોજગાર સર્જન જેવા પ્રશ્નો નથી? છે. કોઈ ગંભીર માણસ એવું નહીં કહે કે દેશની દરેક સમસ્યા ઉકેલાઈ ગઈ છે. પરંતુ ‘સમસ્યાઓ છે’ અને ‘દેશ ઇકોનોમિક ડિઝાસ્ટરમાં બેઠો છે’ એ બે વાત વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. રાહુલ ગાંધી આ ફરક જ ઇરાદાપૂર્વક ભૂંસી નાખે છે. સમસ્યાને ઉકેલવા માટે રાજકીય ચર્ચા કરવી એક વાત છે અને આખા દેશની આર્થિક સ્થિતિને ‘ડિઝાસ્ટર’ કહીને વિદેશી મંચ પરથી રજૂ કરવી બીજી અને સૌથી મજાની વાત એ છે કે ભારતની અર્થવ્યવસ્થા માટે વિશ્વના આંકડા કંઈક બીજું કહે છે, જ્યારે રાહુલ ગાંધીનું ભાષણ કંઈક બીજું. એટલે પ્રશ્ન એ નથી કે ભારતમાં પડકારો છે કે નહીં. પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે ત્યારે તેમને ભારતની સંપૂર્ણ તસવીર દેખાય છે કે માત્ર એ જ તસવીર દેખાય છે જેને બતાવીને દેશને નિષ્ફળ સાબિત કરી શકાય?
‘વોટ ચોરી’નો કાચો માલ પણ વિદેશમાં
આ જ મુલાકાતમાં રાહુલ ગાંધી ફરી ‘વોટ ચોરી’ લઈને બેઠા. તેમણે 2024ની ચૂંટણીમાં 14 કરોડ લોકો મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાનો દાવો કર્યો અને કહ્યું કે તેમની પાસે ચૂંટણીમાં ગેરરીતિના પૂરતા પુરાવા છે. અહીં પણ પેટર્ન જૂની છે. ભારતમાં આરોપ મૂકવો, પછી વિદેશમાં એ જ આરોપને વધુ ગંભીર સ્વરમાં દોહરાવવો અને ત્યારબાદ વિદેશી મીડિયા પાસેથી તેની હેડલાઈન બનાવડાવવી. રાહુલ ગાંધી માટે આ ચક્ર જાણે રાજકીય ટેકનિક બની ગયું છે. તેઓ કહે છે ‘વોટ ચોરી’, વિદેશી મીડિયા લખે છે ‘ભારતીય વિપક્ષના નેતાએ ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો કર્યા’ અને પછી એ જ હેડલાઈન ભારતની રાજનીતિમાં પાછી ફેંકાય છે. જાણે વિદેશી મીડિયાએ લખી દીધી એટલે આરોપને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર મળી ગયું હોય. આવું જ ભારતને ‘ડિઝાસ્ટર’ કહેવામાં પણ થાય છે.
પરંતુ ચૂંટણી જેવી બાબતમાં માત્ર આરોપ બોલી દેવો પૂરતો નથી. 14 કરોડ લોકોના મતાધિકારને એકસાથે અસર થઈ હોય એવો દાવો કોઈ સામાન્ય રાજકીય આરોપ નથી. એવો દાવો હોય તો તેના પુરાવા, આંકડા અને ચકાસી શકાય તેવી વિગતો સામે મૂકવી પડે. રાહુલ ગાંધી વિદેશી મંચ પર દાવાની ગંભીરતા તો વધારી દે છે, પરંતુ દાવાની જવાબદારી સાથે આવતી વિગતોની વાત આવે એટલે પગ પહોળા કરીને દોડવા માંડે છે.
સરકાર હિંસા કરશે- આ કેવો નેરેટિવ છે?
અને પછી આવે છે સૌથી ગંભીર બફાટ. રાહુલ ગાંધી કહે છે કે સિસ્ટમની અંદરના લોકો ડરના કારણે વિપક્ષ સાથે વાત કરી રહ્યા છે અને જો દબાણ ચોક્કસ મર્યાદા પાર કરશે તો સરકાર હિંસા તરફ જઈ શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો કે પહેલાં લોકોમાં ભય હતો, પરંતુ હવે લોકો ડરવાનું બંધ કરી રહ્યા છે અને ‘વિદ્યાર્થીઓના’ આંદોલને તેમાં મોટી ભૂમિકા ભજવી છે. અહીં રાહુલ ગાંધીની ભાષા માત્ર રાજકીય ટીકા રહી જતી નથી. તેઓ વિદેશી યુનિવર્સિટીના પ્રેક્ષકો સામે ભારતની ચૂંટાયેલી સરકાર વિશે એવી તસવીર દોરી રહ્યા છે જેમાં સરકાર પોતાના જ નાગરિકોના અસંતોષનો જવાબ હિંસાથી આપી શકે છે. એટલે દેશની લોકશાહી વ્યવસ્થાની ટીકા કરવાનો અધિકાર હોવાની વાતથી આ મુદ્દો પૂરો થઈ જતો નથી. પ્રશ્ન એ છે કે વિદેશમાં જઈને ભારતની કઈ તસવીર વેચવામાં આવી રહી છે.
અને હવે ફરી ફ્રાન્સવાળો મુદ્દો યાદ કરો. એક તરફ રાહુલ ગાંધી દુનિયાના વિવિધ દેશોમાં ચાલતી ઘટનાઓને એકબીજા સાથે જોડાયેલી ગણાવે છે, બીજી તરફ ભારતમાં અસંતોષને સરકાર વિરુદ્ધના મોટા રાજકીય પરિવર્તનના સંકેત તરીકે રજૂ કરે છે. આ બંને વાતોને એકસાથે મૂકો તો નેરેટિવ સ્પષ્ટ દેખાય છે- યુવાનો અસંતુષ્ટ છે, સરકાર નિષ્ફળ છે, લોકો ડરતા નથી અને દબાણ વધશે તો સરકાર હિંસા કરી શકે છે. આ કોઈ સામાન્ય ભાષણ નથી. આ ભારતની બહાર બેસીને ભારત વિશે એક ચોક્કસ નેરેટિવ ઘડવાની તૈયારી છે.
રાહુલ ગાંધી કાચો માલ આપે છે, હેડલાઈન બીજા બનાવે છે
આખરે મૂળ મુદ્દો અહીં આવે છે. રાહુલ ગાંધીને વિદેશી મીડિયાની જરૂર છે અને વિદેશી મીડિયાને રાહુલ ગાંધીના આવા નિવેદનોની. બંને વચ્ચેનું ગણિત બહુ સરળ છે. રાહુલ ગાંધી ભારત વિશે કોઈ ભારે બફાટ કરી દે છે, કારણ કે તેઓ જાણે છે કે વિદેશી પ્રેક્ષકો સામે બોલાયેલા શબ્દો ભારતમાં બોલાયેલા શબ્દો કરતાં અલગ રીતે પેક થશે. સામે વિદેશી મીડિયા પાસે પહેલેથી તૈયાર ફ્રેમ છે- ‘India’s opposition leader says…’. બસ, બાકીનું કામ હેડલાઈન કરી દે છે. આ રીતે રાહુલ ગાંધી એક પ્રકારનો કાચો માલ પૂરો પાડે છે. ભારતની અર્થવ્યવસ્થા વિશે ‘ડિઝાસ્ટર’, ચૂંટણી વિશે ‘વોટ ચોરી’, સરકાર વિશે ‘હિંસા’, વિદ્યાર્થીઓ વિશે ‘વિદ્રોહ’ અને પછી આ બધાને ફ્રાન્સ, અમેરિકા અને બ્રાઝિલની ઘટનાઓ સાથે જોડતો વૈશ્વિક નેરેટિવ. એક જ ભાષણમાં એટલું બધું મટીરિયલ મળી જાય કે કોઈ પણ વિદેશી મીડિયા માટે ભારત પર નકારાત્મક હેડલાઈન બનાવવી મુશ્કેલ રહેતી નથી.
સામાન્ય રીતે કોઈ દેશનો વિપક્ષ સરકારની ખામીઓ બહાર લાવે છે, કારણ કે એ જ તેનું કામ છે. પરંતુ સરકાર અને દેશ વચ્ચેનો ફરક જાળવવો પણ એટલો જ જરૂરી છે. રાહુલ ગાંધીના કિસ્સામાં સમસ્યા એ છે કે આ ભેદ ગાયબ થઈ જાય છે. મોદી સરકારની ટીકા કરતા કરતા તેઓ ભારત, ભારતની અર્થવ્યવસ્થા, ચૂંટણી વ્યવસ્થા અને લોકશાહી વિશે એવી ભાષા પસંદ કરે છે જે વિદેશી પ્રેક્ષકો માટે આખા દેશની સ્થિતિનું ચિત્ર બની જાય છે. આ જ કારણ છે કે રાહુલ ગાંધીની વિદેશયાત્રાઓ હવે માત્ર વિદેશયાત્રા રહી નથી. તે ભારત વિરુદ્ધ નેરેટિવ માટેનું એક નિયમિત પ્લેટફોર્મ બની ગઈ છે.
અને સૌથી મોટો વિરોધાભાસ એ છે કે જે વ્યક્તિ ભારતમાં ચૂંટણી લડીને આ નેરેટિવ સ્થાપિત કરી શકતો નથી, તે વિદેશમાં જઈને એ જ નેરેટિવને વધુ જોરથી બોલે છે. ભારતમાં મતદારો સામે ‘વોટ ચોરી’નો આરોપ હોય, અર્થવ્યવસ્થાને ‘ડિઝાસ્ટર’ કહેવાની વાત હોય કે સરકારને લોકશાહી માટે જોખમ તરીકે રજૂ કરવાની વાત હોય, દરેક વખતે વાત પાછી ચૂંટણી અને જનતાની કસોટી પર જ આવે છે. પરંતુ વિદેશમાં જઈને રાહુલ ગાંધી જાણે એ કસોટીથી થોડા સમય માટે મુક્ત થઈ જાય છે.
ત્યાં તેમને સવાલ પૂછનારી ભારતીય જનતા સામે ઊભા રહેવાનું નથી. ત્યાં તેમને એ પૂછવાનું નથી કે 14 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો. ત્યાં કોઈ તેમને પૂછતું નથી કે 7 ટકા આસપાસ વૃદ્ધિ કરતી અર્થવ્યવસ્થા કઈ રીતે ‘ત્યાં તેમને સવાલ પૂછનારી ભારતીય જનતા સામે ઊભા રહેવાનું નથી. ત્યાં તેમને એ પૂછવાનું નથી કે 14 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો. ત્યાં કોઈ તેમને પૂછતું નથી કે 7 ટકા આસપાસ વૃદ્ધિ કરતી અર્થવ્યવસ્થા કઈ રીતે ‘ડિઝાસ્ટર’ બની ગઈ. ત્યાં તેમને એ પણ સમજાવવું પડતું નથી કે સરકાર હિંસા કરશે એવો દાવો કયા પુરાવા પર આધારિત છે. તેમને માત્ર બોલવાનું છે. પછી તેમની વાતનું પેકેજિંગ કરવાનું કામ વિદેશી મીડિયા કરી દે છે. આ જ તો આખી રમત છે. રાહુલ ગાંધી ભારતના રાજકારણમાં મોદી સરકારને ઘેરવા માટે નેરેટિવ શોધે છે, પરંતુ જ્યારે એ નેરેટિવ અહીં પૂરતો અસરકારક સાબિત થતો નથી ત્યારે તેને વિદેશી યુનિવર્સિટીઓમાં લઈ જાય છે. ત્યાંથી તે આંતરરાષ્ટ્રીય મીડિયામાં જાય છે, પછી હેડલાઈન બને છે અને ફરી ભારતની રાજનીતિમાં પાછી આવે છે. એટલે કાચો માલ રાહુલ આપે છે, પેકેજિંગ મીડિયા કરે છે અને અંતે ભારતની છબી પર તેનો ઘા પડે છે.
વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતને આજે જે સ્થાન મળ્યું છે, તેની પાછળ આંકડા છે. ભારતના વિકાસની પાછળ રસ્તાઓ, રેલવે, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્પાદન, નિકાસ, મૂડીરોકાણ અને કરોડો ભારતીયોની મહેનત છે. આ બધાની વચ્ચે કોઈ રાજકીય નેતા વિદેશ જઈને દેશને ઇકોનોમિક ડિઝાસ્ટર કહી આવે તો તે માત્ર મોદી સરકારની ટીકા નથી રહેતી. તે પોતાની જ ધરતીની એકતરફી અને નકારાત્મક તસવીર દુનિયા સામે રજૂ કરવાની કવાયત બની જાય છે. રાહુલ ગાંધીને વડા પ્રધાન મોદી સામે રાજકીય લડાઈ લડવી હોય તો ભારતની ધરતી ખુલ્લી છે. ચૂંટણી આવે ત્યારે મેદાન ખુલ્લું છે. સંસદ છે. પ્રેસ કોન્ફરન્સ છે. જનસભાઓ છે. સોશિયલ મીડિયા છે. પરંતુ દેશની રાજકીય લડાઈને વિદેશી મંચ પર લઈ જઈને ભારતની અર્થવ્યવસ્થા, ચૂંટણી અને લોકશાહી વિશે બફાટ કરવો અને પછી એ જ બફાટને વિદેશી હેડલાઈનોમાં ફેરવાતો જોવો, આ હવે સંયોગ નથી. આ એક પેટર્ન છે.
અને આ પેટર્નમાં રાહુલ ગાંધીની સૌથી મોટી ભૂમિકા કદાચ વિરોધ પક્ષના નેતાની નહીં, પરંતુ ભારત વિરુદ્ધ નેરેટિવ માટે કાચો માલ પૂરો પાડનારા માણસની બની ગઈ છે. દેશમાં ન ચાલે તે વાત વિદેશમાં જઈને બોલવી, વિદેશી મીડિયા તેને ઉઠાવે તેની રાહ જોવી અને પછી એ જ હેડલાઈનો લઈને ભારતમાં પાછા ફરવું. આ રાજકારણ હોય શકે, પરંતુ દેશ માટે જવાબદાર રાજકારણ બિલકુલ નથી.


