મસ્જિદમાં છુપાઈને ‘અલ્લાહ પર ભરોસા’ની વાત કરતો હતો આતંકી લતીફ ભટ, સરેન્ડર ન કરતાં સુરક્ષાદળોએ ઘોબો ઉપાડી લીધો

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. લશ્કર-એ-તૈયબાનો કુખ્યાત કમાન્ડર અને સુરક્ષાદળો માટે માથાનો દુખાવો બનેલો આતંકવાદી મોહમ્મદ લતીફ ભટ 18 નવેમ્બર 2026ના રોજ એક અથડામણમાં ઠાર થયો છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, લતીફ ભટ દક્ષિણ કાશ્મીરમાં સક્રિય છેલ્લો સ્થાનિક આતંકવાદી કમાન્ડર હતો. સુરક્ષાદળો છેલ્લા લાંબા સમયથી તેની પાછળ હતા. સુરક્ષાદળોના ઑપરેશન સામે તે મસ્જિદમાં જઈને છુપાઈ ગયો હતો.

આ ઑપરેશન દરમિયાન સેનાના અધિકારીઓએ લતીફને વિડીયો કોલ કરીને આત્મસમર્પણ કરવાની તક આપી હતી. સુરક્ષાદળોએ તેને હથિયાર નીચે મૂકી દેવા સમજાવ્યું હતું. પરંતુ, આતંકવાદીએ સરેન્ડર કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

‘અલ્લાહ પર ભરોસો’ હોવાનો દાવો

આ ઑપરેશન દરમિયાન લતીફ ઝાંગલગામ ગામની એક મસ્જિદમાં છુપાઈ ગયો હતો. સુરક્ષાદળોએ ખૂબ જ સાવચેતી રાખીને સમગ્ર વિસ્તારને ચારેય બાજુથી ઘેરી લીધો હતો. સેનાના અધિકારીઓએ તેને વિડીયો કોલ પર કહ્યું હતું કે, ‘અમે તારી સાથે છીએ, તું ગભરાઈશ નહીં અને આત્મસમર્પણ કરી દે.’ પરંતુ લતીફે આ ઓફર ઠુકરાવી દીધી હતી.

સરેન્ડર કરવાનો ઇનકાર કરતા લતીફ ભટે મજહબી વાતો અને કુરાનની આયાતો વાંચવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું કે, ‘હું અલ્લાહને મળવા માગું છું અને હું ખૂબ ખુશ છું.’ આ દરમિયાન તેણે ‘અલ્લાહુ અકબર’ના નારા પણ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, ‘અલ્લાહ મારા માટે પૂરતા છે.’ સુરક્ષાદળોએ તેને સમજાવવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ તે ન માન્યો.

જમ્મુ-કાશ્મીર પોલીસના કુલગામના SSP અનાયત અલી ચૌધરી અને 9 રાષ્ટ્રીય રાઇફલ્સના અધિકારીઓએ પણ તેને સમજાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા. તેને વાતચીત માટે ફોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. છતાં લતીફ મસ્જિદની અંદર જ રહ્યો અને સુરક્ષાદળોને પડકાર ફેંકતો રહ્યો.

CRPFની ચોંકી પર હુમલા બાદ શરૂ થયું સર્ચ ઑપરેશન

આ ઑપરેશન પાછળનું મુખ્ય કારણ 11 નવેમ્બર 2026ના રોજ કુલગામના અખરાન વિસ્તારમાં થયેલો હુમલો હતો. આતંકવાદીઓએ CRPFની ચોકી પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. તપાસ દરમિયાન મળેલા CCTV ફૂટેજમાં લતીફ અને તેનો સાથી ઉમર નિસાર ડાર હુમલા પહેલાં રેકી કરતા સ્પષ્ટ નજરે પડ્યા હતા.

ત્યારબાદ 16 નવેમ્બરે સુરક્ષાદળોએ લારૂ બાયપાસ પર ઑપરેશન કર્યું હતું, જેમાં લતીફનો સાથી ઉમર નિસાર માર્યો ગયો હતો. જોકે, લતીફ તે વખતે ભાગવામાં સફળ રહ્યો હતો. આખરે 18 નવેમ્બરની વહેલી સવારે ઝાંગલગામમાં સુરક્ષાદળોએ તેને ઘેરી લીધો. અંદાજે પોણા ત્રણ વાગ્યે તેણે સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યો, અને જવાબી કાર્યવાહીમાં તે ઠાર થયો.

મોહમ્મદ લતીફ ભટ મૂળ ખ્રેવન ગામનો રહેવાસી હતો અને તેની ઉંમર 22થી 23 વર્ષની હતી. અગાઉ તે સામાન્ય સુથારીકામ કરતો હતો, પરંતુ બાદમાં ઇસ્લામી આતંકવાદના રવાડે ચઢીને લશ્કર-એ-તૈયબામાં જોડાયો હતો. તેના પર અનંતનાગમાં પોલીસકર્મીની હત્યા અને કુલગામમાં બે પરપ્રાંતીય મજૂરોની નિર્મમ હત્યાનો આરોપ હતો.