10 નવેમ્બર 2026ના રોજ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની આત્મકથા ‘બિલોંગિંગ: અ જર્ની ઑફ લવ’ પ્રકાશિત થઈ અને તેના થોડા જ સમયમાં પુસ્તકનો એક ફકરો ચર્ચામાં આવ્યો. ચર્ચાનું કારણ કોઈ સાહિત્યિક પ્રસંગ કે અંગત સંસ્મરણ નહોતું, પરંતુ 27 ફેબ્રુઆરી 2002ના ગોધરા કાંડ અંગે સોનિયા ગાંધીએ લખેલું એક વાક્ય હતું. સોનિયા ગાંધી લખે છે કે અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના કોચ સળગાવવામાં આવ્યા, 59 યાત્રાળુઓનાં મોત થયાં અને ‘આગનું કારણ હજુ પણ વિવાદિત છે’.
એટલે કે જે ઘટનામાં 59 હિંદુ કારસેવકો જીવતા સળગી ગયા, જેના સંદર્ભમાં તપાસ થઈ, પુરાવા એકત્રિત થયા, જેહાદીઓ સામે કેસ ચાલ્યો અને અનેક જેહાદીઓને દોષિત ઠેરવવામાં આવ્યા, તેના મૂળ કારણને પુસ્તકમાં જાણે હજુ કોઈ ઉકેલ ન આવ્યો હોય એવી રીતે રજૂ કરવામાં આવ્યું છે. અહીંથી સવાલ ઊભો થાય છે કે ગોધરામાં ખરેખર શું થયું હતું અને શું આ ઘટના આજે પણ કોઈ ‘વિવાદિત કારણ’ ધરાવે છે? તપાસના દસ્તાવેજો, કોર્ટના ચુકાદાઓ અને સૌથી મહત્વનું એટલે કે ઘટનાના પ્રત્યક્ષદર્શીઓની આંખે જોયેલી હકીકત સામે રાખીએ તો જવાબ સ્પષ્ટ છે.
ગોધરામાં માત્ર આગ લાગી નહોતી, S-6ને નિશાન બનાવવામાં આવ્યો હતો
27 ફેબ્રુઆરી 2002ની સવારે સાબરમતી એક્સપ્રેસ ગોધરા પહોંચી ત્યારે તેમાં અયોધ્યાથી પરત ફરી રહેલા મોટી સંખ્યામાં હિંદુ કારસેવકો હતા. ટ્રેન ગોધરા સ્ટેશનના યાર્ડ વિસ્તારમાં પહોંચી અને ત્યારબાદ જે બન્યું તે સામાન્ય આગની ઘટના નહોતી. ગોધરા અને ત્યારબાદની હિંસા અંગેના નાણાવટી-મહેતા કમિશનના દસ્તાવેજમાં કહેવાયું છે કે S-6 કોચમાં મુસાફરી કરી રહેલા 59 હિંદુઓ જીવતા બળી ગયા અને 48 અન્ય મુસાફરોને ઈજા થઈ. કમિશનના રેકોર્ડ મુજબ ટ્રેન પર નજીકના વિસ્તારમાંથી આવેલા મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હતો અને ટોળામાંથી કેટલાક લોકોએ S-6 કોચને આગ લગાવી હતી.
ગોધરા કાંડને સમજવા માટે એક વાત સતત યાદ રાખવી જરૂરી છે. સોનિયા ગાંધીના પુસ્તકમાં ઘટના જાણે ‘કોચ સળગ્યો અને તેનું કારણ વિવાદિત રહ્યું’ એટલી જ છે, જ્યારે જમીન પરની હકીકત એવી હતી કે S-6માં રહેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી. બહારથી પથ્થરમારો થઈ રહ્યો હતો, જેહાદી ટોળું ટ્રેનને ઘેરી રહ્યું હતું અને આગ ફેલાઈ રહી હતી. ગુજરાત હાઇકોર્ટના 2017ના ચુકાદામાં પણ ટ્રાયલ કોર્ટના પુરાવાઓની ચર્ચા કરતાં S-6 સળગાવવાનું કાવતરું, પેટ્રોલની વ્યવસ્થા, કોચમાં પેટ્રોલ રેડવાની અને આગ લગાડવાની પ્રક્રિયા તથા જેહાદીઓ પાસે રહેલાં હથિયારો અંગેના પુરાવાઓ નોંધવામાં આવ્યા છે.
એટલે કે ‘આગ લાગી હતી’ અને ‘આગ લગાવવામાં આવી હતી’ એ બે વાક્યો વચ્ચેનો તફાવત માત્ર શબ્દોનો નથી. પહેલું વાક્ય આખી ઘટનાને એક દુર્ઘટના બનાવી દે છે, જ્યારે બીજું વાક્ય તેના પાછળ રહેલી ઇસ્લામી હિંસા, હુમલો અને માનવ હત્યાની હકીકત સામે મૂકે છે. ગોધરામાં જે બન્યું તે આ જ તફાવતને સમજવાની ઘટના છે.
જે લોકો અંદર હતા તેમણે પોતાની આંખે શું જોયું?
આ આખી ચર્ચામાં સૌથી વધુ મહત્વની વાત કદાચ કોર્ટરૂમમાં વર્ષો સુધી ચાલેલી કાર્યવાહી કરતાં પણ એ લોકોના શબ્દોમાં છે, જેઓ તે દિવસે S-6માં જીવતા હતા. 24 વર્ષ પછી પણ જ્યારે ગોધરાની વાત થાય છે ત્યારે એ લોકો માટે તે કોઈ રાજકીય ચર્ચાનો વિષય નથી. એ તેમના જીવનની એવી સવાર છે જેમાં થોડી જ મિનિટોમાં ભજન ગાતી ટ્રેન ચીસો, ધુમાડો અને આગમાં ફેરવાઈ ગઈ હતી.
દિવ્ય ભાસ્કરે તાજેતરમાં ગોધરા ટ્રેનકાંડમાંથી બચી ગયેલા અને ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી છે. તેમાં સામે આવેલી વિગતો સોનિયા ગાંધીના ‘કારણ વિવાદિત’ વાક્યને વધુ ગંભીર પ્રશ્નો સામે ઊભું કરે છે. અશ્વિન પટેલ, જેઓ તે સમયે સાબરમતી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા અને આજે વિશ્વ હિંદુ પરિષદ ગુજરાતના પ્રદેશ મંત્રી છે, તેમણે ઘટનાને માત્ર આગની ઘટના ગણાવવાનો સીધો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે ટ્રેન પર પથ્થરો અને એસિડ બૉમ્બથી હુમલો થયો હતો અને જે બન્યું તે પૂર્વયોજિત કાવતરું હતું. સૌથી સીધો સવાલ તેમણે સોનિયા ગાંધીના પુસ્તકને લઈને કર્યો છે કે જો પુસ્તક પોતે સ્વીકારે છે કે ટ્રેન સળગાવવામાં આવી હતી તો તેને સળગાવનાર કોણ હતું તે લખવામાં કેમ આવ્યું નથી?
અશ્વિન પટેલનો આ સવાલ જ આખા વિવાદના કેન્દ્રમાં છે. કારણ કે ‘આગનું કારણ વિવાદિત છે’ લખવું એક વાત છે અને ‘કોણે આગ લગાવી’ એ સવાલનો જવાબ શોધવો બીજી વાત. ગોધરામાં આ સવાલનો જવાબ શોધવા માટે તપાસ થઈ હતી. જેહાદીઓ સામે કેસ ચાલ્યો હતો. પુરાવાઓ કોર્ટમાં રજૂ થયા હતા. આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
S-6ની નીચે ઘાસ સળગ્યું અને કોચ ધુમાડાથી ભરાઈ ગયો
કલ્પેશ ઝા એ દિવસે માત્ર મુસાફર નહોતા. તેઓ સાબરમતી એક્સપ્રેસના VHP ઇન્ચાર્જ હતા અને તેમની આંખો સામે ગોધરાની સવાર ભયાનક દૃશ્યમાં ફેરવાઈ હતી. તેમના જણાવ્યા મુજબ ટ્રેનમાં કારસેવકો ભજન ગાઈ રહ્યા હતા. ગોધરા સ્ટેશન પર શરૂઆતમાં બધું સામાન્ય દેખાતું હતું. પ્લેટફોર્મ પર ચા-નાસ્તો વેચનારા ફેરિયા હતા અને યાત્રિકો આગળની મુસાફરી માટે તૈયાર થઈ રહ્યા હતા. પછી અચાનક બહાર મુસ્લિમ ટોળું એકઠું થયું અને હુમલો શરૂ થયો. થોડા જ સમયમાં ટ્રેન પ્લેટફોર્મથી આગળ સરકી ગઈ. યાત્રિકોએ ભયના કારણે દરવાજા અને બારીઓ બંધ કરી દીધી. ત્યારબાદ જે બન્યું તે કલ્પના કરતાં પણ વધુ ભયાનક હતું.
કલ્પેશ ઝાએ આગળ કહ્યું કે S-6ની નીચેના ઘાસમાં આગ લગાવવામાં આવી અને ત્યારબાદ ધુમાડો કોચમાં ભરાવા લાગ્યો. અંદર બેઠેલા લોકો માટે સૌથી મોટી મુશ્કેલી આગ કરતાં પણ ધુમાડો બની ગયો. લોકો ગૂંગળાવા લાગ્યા. બહાર નીકળવા માટે જ્યારે દરવાજા અને બારીઓ ખોલવાનો પ્રયાસ થયો ત્યારે બહારથી હુમલો કરવામાં આવ્યો. એટલે અંદર આગ અને ધુમાડો હતો અને બહાર જેહાદી ટોળું. બચવા માટે ખોલેલી બારી કે દરવાજો ફરી બંધ કરવો પડતો હતો. ધુમાડો વધતો ગયો અને લોકો એક પછી એક ગૂંગળાઈને મૃત્યુ પામતા ગયા. પાછળના દરવાજેથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ થયો અને મહિલાઓને જેહાદીઓથી બચાવવા નજીકની ખીણ તરફ લઈ જવામાં આવી. પોલીસ પહોંચે ત્યાં સુધીમાં અનેક લોકોનાં જીવન ખતમ થઈ ચૂક્યાં હતાં.
કલ્પેશ ઝા આજે પણ જ્યારે એ સવારને યાદ કરે છે ત્યારે તેમના શબ્દોમાં એક જીવતા બચેલા માણસની આંખે જોયેલી હિંસા છે. ધુમાડો, આગ, લોકોની ચીસો અને પોતાના જીવ બચાવવા માટે દોડતા લોકોની વચ્ચે તેમણે જે જોયું હતું તે 24 વર્ષ પછી પણ તેમની યાદમાં જીવંત છે. ગોધરાની ઘટનાને કોઈ પુસ્તકમાં એક વાક્યથી ‘વિવાદિત’ બનાવી શકાય, પરંતુ જે વ્યક્તિ તે કોચની અંદર હતી તેના માટે એ કોઈ વિવાદ નહોતો. એ આગ હતી, જેહાદી હુમલો હતો અને મૃત્યુ સામેની દોડ હતી.
તપાસમાં શું સામે આવ્યું હતું?
હવે આ બધું માત્ર પ્રત્યક્ષદર્શીઓની યાદો પર છોડી દેવું પણ યોગ્ય નથી. કારણ કે ગોધરા કાંડમાં તપાસ અને ન્યાયિક પ્રક્રિયા થઈ છે. 2011માં વિશેષ અદાલતે 31 જેહાદીઓને દોષિત ઠેરવ્યા હતા. 11ને મૃત્યુદંડ અને 20ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 2017માં ગુજરાત હાઇકોર્ટે દોષિત ઠરાવેલા 31 આરોપીઓ અંગેનો ચુકાદો જાળવી રાખ્યો અને 11ની મૃત્યુદંડની સજા આજીવન કેદમાં ફેરવી. હાઇકોર્ટના ચુકાદામાં S-6 કોચ સળગાવવાનું કાવતરું અને પેટ્રોલ સહિત જ્વલનશીલ પદાર્થની વ્યવસ્થા તથા આગ લગાડવાના પુરાવાઓની ચર્ચા કરવામાં આવી હતી.
આ તપાસનું મહત્વ એટલા માટે છે કે ગોધરાની ઘટના વિશે વર્ષોથી અનેક પ્રકારના નેરેટિવ ફેરવવામાં આવ્યા છે. કોઈએ તેને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કર્યો, કોઈએ આગના કારણ પર સવાલ ઊભા કર્યા અને કોઈએ સમગ્ર ઘટનાની જવાબદારી જ અલગ દિશામાં ધકેલવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોર્ટની કાર્યવાહીમાં સાક્ષીઓ, દસ્તાવેજો, ફોરેન્સિક પુરાવા અને અન્ય સામગ્રીની તપાસ થઈ હતી. તાજેતરમાં આ કેસની તપાસ સાથે જોડાયેલા ભૂતપૂર્વ CBI સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ પણ સોનિયા ગાંધીના ‘કારણ વિવાદિત’ દાવાને ખોટો ગણાવ્યો અને કહ્યું કે તપાસ પૂર્ણ થઈ હતી તથા ફોરેન્સિક પુરાવાઓએ આગનું કારણ સ્થાપિત કર્યું હતું.
અને અહીં એક વધુ આઘાતજનક બાબત છે. ગોધરા કાંડમાં મૃત્યુ પામેલા 59 હિંદુઓ કોઈ અજાણ્યા યાત્રિકો નહોતા. તેઓ અયોધ્યાથી પરત ફરી રહેલા હિંદુ કારસેવકો અને રામભક્તો હતા. નાણાવટી-મહેતા કમિશનના રેકોર્ડમાં પણ આ વાત સ્પષ્ટ રીતે નોંધાયેલી છે કે S-6માં રહેલા 59 હિંદુઓ જીવતા બળી ગયા હતા અને 48 અન્ય યાત્રિકોને ઈજા થઈ હતી.
24 વર્ષ પછી પણ પ્રશ્ન એ જ છે
ગોધરા કાંડના 24 વર્ષ બાદ પણ ઘટનાને લઈને ઉભા કરવામાં આવેલા નેરેટિવની આગ 24 વર્ષ પછી પણ બુઝાઈ નથી. ફરક એટલો છે કે હવે ફરી એક પુસ્તકના પાનાંમાંથી એ જૂનો સવાલ બહાર આવ્યો છે. સોનિયા ગાંધી કહે છે કે આગનું કારણ ‘વિવાદિત’ છે. સામે ઘટનાના પ્રત્યક્ષદર્શી અશ્વિન પટેલ છે, જે કહે છે કે આ પૂર્વયોજિત કાવતરું હતું. સામે કલ્પેશ ઝા છે, જે S-6ની નીચે સળગેલી આગ, કોચમાં ભરાયેલા ધુમાડા અને બહારથી થતા હુમલાની પોતાની આંખે જોયેલી હકીકત વર્ણવે છે. સામે તપાસના દસ્તાવેજો છે, સામે કોર્ટના ચુકાદા છે અને સામે એ 59 હિંદુ પરિવારોની વેદના છે જેમના સ્વજનો તે દિવસે જીવતા સળગી ગયા હતા.
એટલે સવાલ સોનિયા ગાંધીના પુસ્તકમાં એક વાક્ય કેમ લખાયું તેનો નથી. સવાલ એ છે કે 59 હિંદુ કારસેવકોને જીવતા સળગાવનારી જેહાદી હિંસાને આજે પણ ‘વિવાદિત’ ગણાવીને વ્હાઇટવૉશ કરવાનો પ્રયાસ કેમ કરવામાં આવી રહ્યો છે. ગોધરામાં શું થયું હતું એ અંગે તપાસ થઈ, મુસ્લિમ જેહાદીઓ સામે કેસ ચાલ્યો અને અદાલતે સજા સંભળાવી, છતાં સોનિયા ગાંધીના પુસ્તકમાં આગ લગાવનારાઓની ભૂમિકા પર પડદો નાખીને માત્ર ‘કારણ વિવાદિત’ લખવામાં આવે છે. S-6માં આગ લાગી હતી એવું લખવું પૂરતું નથી, કારણ કે એ આગ કોઈ દુર્ઘટના નહોતી, તેને જેહાદીઓએ લગાવી હતી અને એ હિંસામાં 59 હિંદુ કારસેવકો જીવતા સળગી ગયા હતા. હકીકત સામે હોવા છતાં જેહાદી હિંસાને ઢાંકવી અને તેના જવાબદારોની ભૂમિકા ધૂંધળી કરવી એ માત્ર તથ્યની ભૂલ નથી, પરંતુ ગોધરાના મૃતકો સાથે કરવામાં આવતો ઐતિહાસિક અન્યાય છે.
ગોધરાની હકીકત કોઈ એક પક્ષની મિલકત નથી. તે 27 ફેબ્રુઆરી 2002ની સવારના મૃતકોની યાદમાં છે, S-6ના બળેલા કોચમાં છે, ધુમાડામાંથી બહાર નીકળવા મથતા યાત્રિકોની ચીસોમાં છે, અશ્વિન પટેલ અને કલ્પેશ ઝા જેવા પ્રત્યક્ષદર્શીઓની યાદમાં છે અને તપાસ તથા અદાલતી કાર્યવાહીમાંથી પસાર થયેલા પુરાવાઓમાં છે. સોનિયા ગાંધીના પુસ્તકમાં કારણને ‘વિવાદિત’ કહી શકાય, પરંતુ 59 હિંદુઓની ચિતામાંથી નીકળેલો સવાલ આજે પણ એટલો જ સીધો છે કે જો આગ લાગી નહોતી પરંતુ લગાવવામાં આવી હતી તો તેને લગાવનારાઓને ઇતિહાસમાંથી ગાયબ કરવાનો પ્રયાસ વારંવાર કેમ થઈ રહ્યો છે?


