
બિલકિસ બાનો ગેંગરેપ કેસના બે ગુનેગારોને ફટકારવામાં આવેલી સજા પર રોક લગાવીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે નોંધ્યું કે ગુનેગારો 17 વર્ષ જેલમાં કાપી ચૂક્યા છે અને બેમાંથી એક દિવ્યાંગ છે.
જસ્ટિસ એમએમ સુંદરેશ અને પીબી વરાલેની બેન્ચે 28 ઑક્ટોબરના રોજ આ આદેશ પસાર કર્યો હતો. બે ગુનેગારો બિપિનચંદ્ર જોશી અને પ્રદીપ મોઢિયાએ મે 2017ના બૉમ્બે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેની ઉપર કોર્ટે આદેશ આપ્યો છે. હાઇકોર્ટે બંનેની દોષસિદ્ધિ અને સજા યથાવત રાખ્યાં હતાં.
દલીલોમાં ગુનેગારોએ જણાવ્યું હતું કે તેઓ 17 વર્ષથી જેલમાં બંધ છે અને એકનું તો નામ પણ FIRમાં ન હતું અને ઘટનાના ત્રણ વર્ષ બાદ નામ ઉમેરીને ધરપકડ કરવામાં આવી હતી. જોકે સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલે અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટે યોગ્ય ચકાસણી અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જ ચુકાદો આપ્યો હતો.
કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને 17 વર્ષથી જેલમાં હોવાની હકીકત નોંધીને સજા પર રોક લગાવીને બંનેને જામીન આપ્યા હતા. હાઇકોર્ટના ચુકાદાની અપીલ પર કાયદા અને તથ્યોના આધારે આગળની સુનાવણી દરમ્યાન નિર્ણય કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલ સજા પર રોક લગાવીને જામીન આપવામાં આવ્યા છે. હાઇકોર્ટનો નિર્ણય યથાવત રાખવો કે રદ કરીને ગુનેગારોને મુક્ત કરવા એ બાબતે સુપ્રીમ કોર્ટ સુનાવણીને અંતે નિર્ણય આપશે.
ઘટનામાં કુલ 11 દોષીઓ છે, જેમને ટ્રાયલ કોર્ટે રેપ અને હત્યાની કલમો હેઠળ દોષી ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેને પછીથી બૉમ્બે હાઇકોર્ટે પણ યથાવત રાખી હતી.
શું છે આખો કેસ?
ઘટના માર્ચ 2002ની હોવાનું કહેવાય છે. ગોધરાના હિંદુ હત્યાકાંડ દરમ્યાન રાજ્યમાં ફાટી નીકળેલાં રમખાણો દરમ્યાન એક જૂથ પર ટોળાએ હુમલો કર્યો હતો. જેમાંથી બિલ્કિસ નામની મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ટોળાએ તેના અમુક સંબંધીઓની હત્યા કરીને તેની ઉપર સામૂહિક બળાત્કાર કર્યો હતો.
શરૂઆતની તપાસમાં સ્થાનિક પોલીસે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને તપાસ સોંપીને મામલો મહારાષ્ટ્ર ટ્રાન્સફર કરી દીધો હતો. એજન્સી ડિસેમ્બર 2003માં તપાસ હાથ પર લઈને એપ્રિલ 2004માં ચાર્જશીટ દાખલ કરી હતી. આખરે ટ્રાયલ કોર્ટે 11ને ડોશી ઠેરવ્યા હતા. પછીથી હાઇકોર્ટે આ નિર્ણય યથાવત રાખ્યો.
ઑગસ્ટ 2022માં ગુજરાત સરકારની રિમિસન પોલિસી હેઠળ 11 દોષીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં કારણ આપવામાં આવ્યું હતું કે તેઓ 14 વર્ષથી વધુ સજા કાપી ચૂક્યા છે અને સરકારની પોલિસી હેઠળ તેમને મુક્ત કરી શકાય એમ છે. પરંતુ ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ થઈ ગઈ.
8 જાન્યુઆરી 2024ના રોજ આખરે સુપ્રીમ કોર્ટે રિમિસન આદેશ રદ કરી દીધો હતો અને કારણ આપ્યું હતું કે ટ્રાયલ મહારાષ્ટ્રમાં થઈ હોવાના કારણે ગુજરાત સરકાર આ નિર્ણય ન લઈ શકે. ત્યારબાદ કોર્ટે તમામને ફરી સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.

