હોમપેજદેશભવિષ્યની ટેક્નોલોજી જે મિનરલ્સ પર ટકેલી છે, તેના પ્રોસેસિંગમાં ચીનનું વર્ચસ્વ: હવે...

ભવિષ્યની ટેક્નોલોજી જે મિનરલ્સ પર ટકેલી છે, તેના પ્રોસેસિંગમાં ચીનનું વર્ચસ્વ: હવે ભારતની આત્મનિર્ભરતાની તૈયારી

દેશ હવે માત્ર પોતાના માટે ખનિજ શોધવા કે ખાણ ખોલવા સુધી અટકવા માંગતો નથી. લક્ષ્ય એ છે કે ખનિજની શોધથી લઈને માઇનિંગ, પ્રોસેસિંગ, રિફાઇનિંગ, રિકવરી અને અંતે ઉચ્ચ મૂલ્યના ઔદ્યોગિક ઉત્પાદનો સુધીની ચેઇન શક્ય તેટલી વધારે ભારતમાં જ ઊભી થાય.

- Advertisement -

આજની દુનિયામાં કોઈ દેશની શક્તિ માત્ર તેની પાસે કેટલું તેલ છે, કેટલો કોલસો છે કે કેટલી ખનિજ સંપત્તિ છે તેના પરથી નક્કી થતી નથી. એક એવી બીજી દુનિયા પણ છે, જે આંખે દેખાતી નથી પરંતુ આધુનિક અર્થતંત્ર, ટેક્નોલોજી અને રાષ્ટ્રીય સુરક્ષાની આખી વ્યવસ્થાને અંદરથી ચલાવે છે. ઇલેક્ટ્રિક વાહનના બેટરી પેકથી લઈને પવનચક્કીના મેગ્નેટ સુધી, સ્માર્ટફોનથી લઈને અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ સુધી અને આધુનિક ડિફેન્સ સિસ્ટમથી લઈને સ્પેશિયાલિટી સ્ટીલ સુધી અનેક ઉદ્યોગો એવા ખનિજો પર આધાર રાખે છે જેની ઉપલબ્ધતા મર્યાદિત છે અને જેનું પ્રોસેસિંગ દુનિયાના થોડા જ દેશોમાં કેન્દ્રિત છે. આ જ છે ‘ક્રિટિકલ મિનરલ્સ’ની દુનિયા.

ભારત માટે આ મુદ્દો હવે માત્ર ખનિજ સંપત્તિનો નથી રહ્યો. તે આર્થિક સુરક્ષા, ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની ગયો છે. કારણ કે કોઈ દેશ પાસે ખનિજનો ભંડાર હોય પરંતુ તેને જરૂરી શુદ્ધતા સુધી પ્રોસેસ કરવાની ક્ષમતા ન હોય તો વાસ્તવિક વેલ્યુ ચેઇન તેના હાથમાં રહેતી નથી. કાચો માલ એક જગ્યાએથી નીકળે, બીજી જગ્યાએ જાય, ત્યાં તેનું શુદ્ધિકરણ અને પ્રોસેસિંગ થાય અને પછી તૈયાર મટિરિયલ દુનિયાભરના ઉદ્યોગોને મળે, ત્યારે સૌથી મહત્વની કડી ખાણ નહીં પરંતુ તે કાચા માલને ઉપયોગી અને ઉચ્ચ-શુદ્ધતાવાળા મટિરિયલમાં ફેરવવાની ક્ષમતા બની જાય છે.

આ જ પૃષ્ઠભૂમિમાં 4 નવેમ્બર 2026ના રોજ કેન્દ્રીય કેબિનેટે ₹2,814 કરોડની ‘કેપેક્સ સપોર્ટ સ્કીમ ટુ પ્રમોટ ક્રિટિકલ મિનરલ પ્રોસેસિંગ’ને મંજૂરી આપી છે. પાંચ વર્ષ માટેની આ યોજના લિથિયમ અને નિકલના સ્થાનિક પ્રોસેસિંગ માટે ચાર પ્લાન્ટ ઊભા કરવામાં મદદ કરશે. તેમાં બે લિથિયમ પ્રોસેસિંગ પ્લાન્ટ અને બે નિકલ પ્રોસેસિંગ પ્લાન્ટ હશે. લિથિયમ પ્લાન્ટની ઓછામાં ઓછી ક્ષમતા 30 કિલોટન અને નિકલ પ્લાન્ટની ઓછામાં ઓછી ક્ષમતા 50 કિલોટન રાખવામાં આવી છે. એટલે કે વાત માત્ર ખનિજ કાઢવાની નથી, પરંતુ તેને દેશમાં જ ઉચ્ચ શુદ્ધતાવાળા ઉપયોગી મટિરિયલમાં ફેરવવાની ક્ષમતા ઊભી કરવાની છે.

- Advertisement -

ક્રિટિકલ મિનરલ્સ એટલે શું અને ભારત માટે કેમ મહત્વના છે?

આ નિર્ણયને સમજવા માટે પહેલા એ સમજવું જરૂરી છે કે ‘ક્રિટિકલ મિનરલ’ આખરે છે શું. સરળ ભાષામાં કહીએ તો એવા મિનરલ્સ કે જે આધુનિક ઉદ્યોગો અને વ્યૂહાત્મક ક્ષેત્રો માટે ઘણા જરૂરી છે, પરંતુ જેમની સપ્લાયમાં ભૌગોલિક અથવા આર્થિક જોખમ ઊભું થઈ શકે છે, તેમને ક્રિટિકલ મિનરલ્સ તરીકે જોવામાં આવે છે. ભારતે 2022માં નિષ્ણાત સમિતિ મારફતે 30 ક્રિટિકલ મિનરલ્સની ઓળખ કરી હતી અને તેમાંથી 24ને MMDR એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ક્રિટિકલ અને સ્ટ્રેટેજિક મિનરલ્સ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. લિથિયમ, નિકલ, કોબાલ્ટ, ગ્રેફાઇટ, રેર-અર્થ એલિમેન્ટ્સ, ટંગસ્ટન, વેનેડિયમ અને અન્ય મિનરલ્સ હવે ભારતની લાંબાગાળાની મિનરલ સુરક્ષાની ચર્ચાના કેન્દ્રમાં છે.

પરંતુ આ મિનરલ્સનું મહત્વ માત્ર એટલા માટે નથી કે તે દુર્લભ છે. તેમનું મહત્વ એ છે કે આધુનિક અર્થતંત્ર જે દિશામાં આગળ વધી રહ્યું છે તેમાં તેમની જરૂરિયાત સતત વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલ આધારિત વાહનોની જગ્યાએ ઇલેક્ટ્રિક મોબિલિટીનો વિસ્તાર વધે છે તો બેટરી માટે જરૂરી મટિરિયલ્સનું મહત્વ પણ વધે છે. વધુ પ્રમાણમાં રિન્યુએબલ એનર્જી સિસ્ટમ ઊભી થાય તો એનર્જી સ્ટોરેજની જરૂરિયાત વધે છે. ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગ આગળ વધે તો વિશિષ્ટ મિનરલ્સની જરૂર પડે છે. ડિફેન્સ ક્ષેત્રમાં ઉપયોગમાં આવતી અદ્યતન ટેક્નોલોજી અને મટિરિયલ્સ માટે પણ કેટલાક ક્રિટિકલ મિનરલ્સ અનિવાર્ય બની જાય છે. એટલે આજના યુગમાં મિનરલ સુરક્ષા ધીમે-ધીમે ટેક્નોલોજી સુરક્ષાનું બીજું નામ બની રહી છે.

ચીનનું વર્ચસ્વ અને ભારત સામેનો મોટો પડકાર

અહીંથી ચીનનો મુદ્દો આવે છે. દુનિયામાં ક્રિટિકલ મિનરલ્સની સપ્લાય ચેઇન થોડા દેશોમાં ભારે પ્રમાણમાં કેન્દ્રિત છે અને તેમાં ચીનનું સ્થાન મહત્વનું છે. ખાસ કરીને ખનિજને કાઢ્યા પછી તેને પ્રોસેસ અને રિફાઇન કરવાની ક્ષમતામાં ચીનનું વર્ચસ્વ જોવા મળે છે. IEAના 2026ના વિશ્લેષણ મુજબ 2025માં ચીન સિવાયના મોટાભાગના મુખ્ય એનર્જી મિનરલ્સ માટે ટોચના રિફાઇનિંગ દેશનો હિસ્સો સરેરાશ 72 ટકા સુધી પહોંચ્યો હતો, જ્યારે નિકલમાં ઇન્ડોનેશિયા મુખ્ય રિફાઇનિંગ દેશ છે. લિથિયમ અને કોબાલ્ટ જેવા બેટરી મિનરલ્સમાં ચીનની પ્રોસેસિંગ ઇકોસિસ્ટમ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વન છે.

આનો અર્થ એ છે કે માત્ર ખાણનો માલિક બનવાથી ભારત આત્મનિર્ભર બની જતું નથી. જો કાચો લિથિયમ કે નિકલ ભારતમાં કે અન્ય કોઈ દેશમાં ઉપલબ્ધ હોય, પરંતુ તેની આગળની પ્રોસેસિંગ ક્ષમતા મર્યાદિત હોય તો ઉચ્ચ મૂલ્યવાળો હિસ્સો સપ્લાય ચેઇનના બીજા છેડે સર્જાય છે. ભારત માટે પડકાર પણ અહીં જ છે. દેશમાં લિથિયમ, નિકલ અને કોબાલ્ટ સહિતના ક્રિટિકલ મિનરલ્સ માટે રિફાઇન્ડ ઇન્ટરમિડિયેટ્સ અને હાઇ-પ્યુરિટી મટિરિયલ્સ માટે આયાત પર નોંધપાત્ર નિર્ભરતા છે. સ્થાનિક પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ શરૂઆતના તબક્કામાં છે અને મોટાપાયાના કોમર્શિયલ પ્રોજેક્ટ્સને ઊંચા મૂડી ખર્ચ, યોગ્ય ટેક્નોલોજીની મર્યાદિત ઉપલબ્ધતા અને કાચા માલ સુધી પહોંચ જેવા પડકારોનો સામનો કરવો પડે છે.

એટલે મોદી સરકારની નવી ₹2,814 કરોડની યોજના માત્ર સબસિડીની જાહેરાત નથી. તેની પાછળની મૂળ વિચારસરણી એ છે કે ભારતે ક્રિટિકલ મિનરલ્સની વેલ્યુ ચેઇનમાં મધ્યની સૌથી મહત્વની કડી પોતાની પાસે ઊભી કરવી પડશે. યોજના હેઠળ પાત્ર રોકાણના 30 ટકા સુધી કેપિટલ સબસિડી આપવામાં આવશે. બે લિથિયમ લાભાર્થીઓ માટે પ્રતિ લાભાર્થી મહત્તમ ₹500 કરોડ અને બે નિકલ લાભાર્થીઓ માટે પ્રતિ લાભાર્થી મહત્તમ ₹900 કરોડની કેપિટલ સપોર્ટની મર્યાદા રાખવામાં આવી છે. એટલે સરકાર સીધું બજાર ચલાવવાની જગ્યાએ ખાનગી અને અન્ય યોગ્ય ઉદ્યોગોને પ્રોસેસિંગ ક્ષમતા ઊભી કરવા માટે મૂડી ખર્ચના જોખમમાં ભાગીદાર બનવાની ભૂમિકા ભજવશે.

₹2,814 કરોડની યોજના શું બદલશે?

આ યોજનાની બીજી મહત્વની બાબત એ છે કે સરકાર માત્ર ચાર પ્લાન્ટ ઊભા કરવા માટે પૈસા આપી રહી નથી, પરંતુ પસંદગીની પ્રક્રિયાને પણ સ્પર્ધાત્મક રાખી છે. પહેલા ટેક્નિકલ ક્વોલિફિકેશન થશે અને ત્યારબાદ યોગ્ય અરજદારો વચ્ચે નાણાકીય બિડિંગ થશે. દરેક મિનરલ માટે બે લાભાર્થીઓની પસંદગી સૌથી ઓછા CAPEX સપોર્ટની માગ કરનારા બિડરના આધારે થશે. પ્રોત્સાહનની રકમ પણ એકસાથે નહીં પરંતુ નિર્ધારિત માઇલસ્ટોન પૂર્ણ થયા પછી ત્રણ હપ્તામાં આપવામાં આવશે. એટલે સરકારનો પ્રયાસ માત્ર જાહેરાત સુધી મર્યાદિત ન રહે પરંતુ વાસ્તવિક પ્રોસેસિંગ ક્ષમતા ઊભી થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

હવે અહીં એક રસપ્રદ બાબત છે. યોજનાનું નામ લિથિયમ અને નિકલ પ્રોસેસિંગ પર કેન્દ્રિત છે, પરંતુ તેની અસર માત્ર આ બે મિનરલ્સ સુધી મર્યાદિત રહેવાની નથી. નિકલ પ્રોસેસિંગ દરમિયાન કોબાલ્ટ બાય-પ્રોડક્ટ તરીકે રિકવર થઈ શકે છે. એટલે એક જ ઔદ્યોગિક પ્રક્રિયા ભારતને એકથી વધુ મહત્વના બેટરી મિનરલ્સની વેલ્યુ ચેઇન સાથે જોડે છે. આ મટિરિયલ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ માટે મહત્વપૂર્ણ છે, પરંતુ તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ અને સ્પેશિયાલિટી સ્ટીલ જેવા ક્ષેત્રોમાં પણ થાય છે.

આ આખી પ્રક્રિયાને ભારતની મિનરલ વ્યૂહરચનાથી અલગ કરીને પણ જોઈ શકાય નહીં. જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકારે ₹16,300 કરોડના કુલ આઉટલે સાથે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનને મંજૂરી આપી હતી, જેમાં ₹2,600 કરોડનો બજેટરી સપોર્ટ સામેલ છે. આ મિશનનો હેતુ માત્ર ખનિજ શોધવાનો નથી, પરંતુ એક્સપ્લોરેશન, માઇનિંગ, બેનેફિશિએશન, પ્રોસેસિંગ અને વપરાયેલા ઉત્પાદનોમાંથી રિકવરી સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેઇન મજબૂત કરવાનો છે. વિદેશમાં મિનરલ એસેટ્સ મેળવવા માટે KABIL મારફતે આર્જેન્ટિનામાં લિથિયમ બ્લોક્સની શોધ અને ઓસ્ટ્રેલિયામાં લિથિયમ તથા કોબાલ્ટ એસેટ્સ માટે સહકારની દિશામાં પણ ભારત આગળ વધ્યું છે.

દેશની અંદર પણ આ દિશામાં કામ માત્ર કાગળ પર નથી. 2026 સુધીમાં મોદી સરકારે ક્રિટિકલ અને સ્ટ્રેટેજિક મિનરલ્સના અનેક બ્લોક્સની હરાજી કરી છે. જૂન 2026 સુધીમાં સફળતાપૂર્વક હરાજી થયેલા ક્રિટિકલ અને સ્ટ્રેટેજિક મિનરલ બ્લોક્સની સંખ્યા 56 સુધી પહોંચી હતી. ખાસ વાત એ હતી કે ગુજરાતમાં પણ પ્રથમ વખત કેન્દ્ર સરકાર દ્વારા ક્રિટિકલ મિનરલ બ્લોક્સની હરાજી કરવામાં આવી હતી, જેમાં રેર-અર્થ એલિમેન્ટ્સ, વેનેડિયમ, ટાઇટેનિયમ અને અન્ય મિનરલ્સ સામેલ હતા.

ગુજરાત કેમ બનશે આ નવી મિનરલ વેલ્યુ ચેઇનનો મહત્વનો હિસ્સો?

અને અહીંથી ગુજરાતનો પ્રવેશ વધુ રસપ્રદ બની જાય છે. ગુજરાત માત્ર ભારતના મોટા ઔદ્યોગિક રાજ્યોમાંથી એક નથી, પરંતુ ક્રિટિકલ મિનરલ્સની આગામી વેલ્યુ ચેઇનમાં પણ તેની ભૂમિકા ઊભી થઈ રહી છે. ગુજરાતમાં ક્રિટિકલ મિનરલ પ્રોસેસિંગ પાર્કને પણ સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ગુજરાત અને રાજસ્થાનના હાર્ડ-રોક વિસ્તારમાં અંદાજે 1.29 મિલિયન ટન ઇન-સિટુ રેર-અર્થ ઓક્સાઇડ રિસોર્સની ઓળખ થઈ છે. ભારત પાસે રેર-અર્થ મિનરલ રિસોર્સ છે, પરંતુ રેર-અર્થ પરમેનન્ટ મેગ્નેટ્સની બાબતમાં આયાત પર નિર્ભરતા હજુ નોંધપાત્ર છે.

આ વાત એટલા માટે મહત્વની છે કે ક્રિટિકલ મિનરલ્સની વાત માત્ર ખાણ અને પ્રોસેસિંગ સુધી અટકતી નથી. મિનરલમાંથી ઓક્સાઇડ, ઓક્સાઇડમાંથી શુદ્ધ મટિરિયલ, તેમાંથી એલોય અથવા અન્ય ઔદ્યોગિક ઇનપુટ અને અંતે તૈયાર ઉત્પાદન સુધીની દરેક કડીમાં અલગ ટેક્નોલોજી અને ઔદ્યોગિક ક્ષમતા જોઈએ. ઉદાહરણ તરીકે રેર-અર્થ પરમેનન્ટ મેગ્નેટ્સ ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઇન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ડિફેન્સ માટે મહત્વપૂર્ણ છે. ભારતે 2025માં ₹7,280 કરોડની અલગ યોજના મારફતે 6,000 મેટ્રિક ટન પ્રતિ વર્ષ સંકલિત રેર-અર્થ પરમેનન્ટ મેગ્નેટ ઉત્પાદન ક્ષમતા ઊભી કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

અહીં ભારતની વ્યૂહરચનાનો એક મોટો ભાગ દેખાય છે. પહેલાં મિનરલ સુરક્ષાનો અર્થ મુખ્યત્વે ‘આ મિનરલ ક્યાંથી મળશે?’ એવો હતો. હવે પ્રશ્ન બદલાઈને ‘આ મિનરલથી લઈને તૈયાર ઔદ્યોગિક મટિરિયલ સુધીની આખી ચેઇન આપણે ક્યાં ઊભી કરી શકીએ?’ એવો બની રહ્યો છે. આ ફેરફાર ખૂબ મહત્વનો છે. કારણ કે કાચા માલની ઉપલબ્ધતા અને ઔદ્યોગિક આત્મનિર્ભરતા બે અલગ બાબતો છે. ભારત પાસે સંસાધન હોય અને તેમાંથી ઉચ્ચ મૂલ્યનું મટિરિયલ દેશમાં જ બનાવવામાં આવે તો જ તે સંસાધન ખરેખર ઔદ્યોગિક શક્તિમાં ફેરવાય છે.

આ જ કારણસર ₹2,814 કરોડની નવી યોજના કદમાં કદાચ ભારતના સમગ્ર ખનિજ ક્ષેત્રની સરખામણીમાં બહુ મોટી ન લાગે, પરંતુ તેની દિશા મહત્વપૂર્ણ છે. ચાર પ્લાન્ટથી ભારતની આખી ક્રિટિકલ મિનરલ સમસ્યા ઉકેલાઈ જવાની નથી. પરંતુ આ યોજના એક એવી ખાલી જગ્યા પર સીધો પ્રહાર કરે છે જ્યાં ઊંચી મૂડી, ટેક્નોલોજી અને જોખમને કારણે ખાનગી ક્ષેત્ર માટે એકલા હાથે આગળ વધવું મુશ્કેલ છે. સરકાર આ ગેપમાં મૂડી સહાય આપી રહી છે, જ્યારે ઉદ્યોગોને ટેક્નિકલ અને ખર્ચની સ્પર્ધા દ્વારા પસંદ કરવામાં આવશે.

આને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો પડકાર વધુ સ્પષ્ટ થાય છે. IEA મુજબ 2025માં ક્રિટિકલ મિનરલ્સની રિફાઇનિંગ સપ્લાયમાં એક અથવા થોડા પ્રબળ દેશોનો હિસ્સો ખૂબ ઊંચો રહ્યો અને છેલ્લા કેટલાક વર્ષોમાં સપ્લાય કન્સન્ટ્રેશન વધુ ગંભીર બન્યું છે. 2025 અને 2026માં અનેક દેશોએ એક્સપોર્ટ કંટ્રોલ્સ અને અન્ય વેપાર નિયંત્રણોનો ઉપયોગ કર્યો છે. ચીને પણ રેર-અર્થ્સ અને બેટરી સપ્લાય ચેઇન સાથે જોડાયેલા કેટલાક મહત્વના મટિરિયલ્સ અને ટેક્નોલોજી પર નિયંત્રણો વધાર્યા હતા. એટલે જે જોખમ થોડાં વર્ષ પહેલાં માત્ર ‘સપ્લાય ડાયવર્સિફિકેશન’નો મુદ્દો લાગતો હતો, તે હવે આર્થિક સુરક્ષા અને ઔદ્યોગિક સ્થિરતાનો મુદ્દો બની ગયો છે.

ભારત માટે આ આખી પ્રક્રિયાનું સૌથી મોટું પરિણામ એ હોય શકે છે કે દેશ પોતાની આગામી ઔદ્યોગિક ક્રાંતિ માટે જરૂરી કાચા માલથી આગળ વધીને તેની વેલ્યુ ચેઇનનો માલિક બનવાનું શરૂ કરે. EV બનાવવાની ફેક્ટરી દેશમાં હોય પરંતુ બેટરીના મહત્વના મટિરિયલ્સ માટે બહાર જોવું પડે, ડિફેન્સ સિસ્ટમ ભારતમાં બને પરંતુ તેના જરૂરી મટિરિયલ્સ માટે આયાત પર આધાર રાખવો પડે અથવા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ વધે પરંતુ હાઇ-પ્યુરિટી ઇનપુટ્સ માટે વિદેશી સપ્લાય ચેઇન પર આધાર રહે તો આત્મનિર્ભરતા અધૂરી રહે છે. ક્રિટિકલ મિનરલ્સની પ્રોસેસિંગ ક્ષમતા આ ખાલી જગ્યા ભરવાની દિશામાં એક જરૂરી કડી છે.

એટલે કે ₹2,814 કરોડની આ યોજના માત્ર ચાર પ્લાન્ટની વાત નથી. આ ભારતના મિનરલ ક્ષેત્રમાં એક વિચારધારાત્મક પરિવર્તનની નિશાની છે. દેશ હવે માત્ર પોતાના માટે ખનિજ શોધવા કે ખાણ ખોલવા સુધી અટકવા માંગતો નથી. લક્ષ્ય એ છે કે ખનિજની શોધથી લઈને માઇનિંગ, પ્રોસેસિંગ, રિફાઇનિંગ, રિકવરી અને અંતે ઉચ્ચ મૂલ્યના ઔદ્યોગિક ઉત્પાદનો સુધીની ચેઇન શક્ય તેટલી વધારે ભારતમાં જ ઊભી થાય. નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનથી શરૂ થયેલી આ દિશામાં હવે લિથિયમ અને નિકલના પ્રોસેસિંગ માટેનું આ નવું પગલું વધુ એક મહત્વપૂર્ણ કડી ઉમેરે છે.

આગામી વર્ષોમાં આ ક્ષેત્રનું મહત્વ ઘણું વધવાનું છે. EV, બેટરી સ્ટોરેજ, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, એરોસ્પેસ અને ડિફેન્સ જેવા ક્ષેત્રો જેટલા વિસ્તરશે, ક્રિટિકલ મિનરલ્સની માંગ અને તેની સાથે જોડાયેલી વ્યૂહાત્મક સ્પર્ધા એટલી જ વધશે. એટલે આજની તારીખે ભારત માટે પ્રશ્ન માત્ર એટલો નથી કે દુનિયામાં ક્રિટિકલ મિનરલ્સ ક્યાં છે. સાચો પ્રશ્ન એ છે કે તે મિનરલ્સમાંથી આવતી આગામી ઔદ્યોગિક શક્તિ ક્યાં ઊભી થશે. ₹2,814 કરોડની આ યોજના એ પ્રશ્નનો ભારત તરફથી આપવામાં આવેલો એક સ્પષ્ટ જવાબ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં