ઘણા સમયથી જેની ચર્ચા હતી એ સંયુક્ત રાજ્ય અમેરિકાની મિડટર્મ ચૂંટણી યોજાઈ ગઈ અને પરિણામો પણ સ્પષ્ટ થઈ ગયાં. ચાર વર્ષના રાષ્ટ્રપતિ કાર્યકાળમાં બે વર્ષે આ ચૂંટણીઓ થાય છે, જેમાં લોકો અમેરિકન કોંગ્રેસનાં બે ગૃહ સેનેટ અને હાઉઝ ઑફ રિપ્રેઝન્ટેટિવના સભ્યોને ચૂંટે છે. રાજ્યોના ગવર્નરોની ચૂંટણી પણ થાય છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી માટે આ ચૂંટણી પરીક્ષા સમાન હતી. બંને સફળતાપૂર્વક નાપાસ થયાં છે.
આ લખાઈ રહ્યું છે ત્યારે સેનેટમાં ડેમોક્રેટ્સ 54 બેઠકો સાથે બહુમત પાર કરી ગયા છે. સો સભ્યોની સેનેટમાં દરેક રાજ્યમાંથી બે-બે સભ્યો ચૂંટાઈને આવે છે. રિપબ્લિકન 44 બેઠકો પર છે. હાઉઝ ઑફ રિપ્રેઝન્ટેટિવ આપણી લોકસભા સમાન છે, જેમાં કુલ 435 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. ડેમોક્રેટ્સે 228 બેઠકો સાથે આ ગૃહ પર પણ કબજો મેળવી લીધો છે. રિપબ્લિકન 139 બેઠકો સાથે પાછળ છે. ગવર્નર ચૂંટણીમાં ડેમોક્રેટ્સ 28 બેઠકો સાથે આગળ છે, રિપબ્લિકન 20 પર છે.

હજુ પરિણામો જાહેર થઈ રહ્યાં છે, સ્પષ્ટ પરિણામો આવતાં એક-બે દિવસ લાગશે પણ હવે આમાં વધારે વધઘટ થાય એમ નથી. એટલે ટ્રમ્પે પણ આ વખતે કોઈ વધારે માથાકૂટ કર્યા વગર સહજતાથી પરિણામો સ્વીકારી લીધાં છે અને ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું છે. અમેરિકાની આ ચૂંટણી પર દુનિયા ચર્ચા કરી રહી છે, કારણ કે અમેરિકા જે કંઈ કરે એમાંથી મોટાભાગની બાબતો દુનિયાને અસર કરે છે, જેમાંથી ભારત પણ બાકાત નથી.
ચૂંટણીનાં પરિણામો જોતાં જણાય છે કે આ માત્ર સત્તાધારી પક્ષ સામેનો ચૂંટણીલક્ષી અસંતોષ નથી. એવું પણ નથી કે અમેરિકામાં હવે ડાબેરી ડેમોક્રેટ્સ પક્ષની વિચારધારા હાવી થઈ રહી છે. પરંતુ એ પણ હકીકત છે કે ટ્રમ્પના બીજા કાર્યકાળનાં પ્રથમ બે વર્ષના શાસન સામે મતદારોએ સ્પષ્ટ રાજકીય સંદેશ આપી દીધો છે. 2024માં ટ્રમ્પે જે મુદ્દાઓના આધારે સત્તા મેળવી હતી એ જ મુદ્દાઓ હવે તેમની સામે ચૂંટણીમાં હાવી થઈ ગયા એ એક મોટું કારણ છે. મોંઘવારી, ટેરિફ, ઇમિગ્રેશન નીતિ, ઈરાન યુદ્ધ અને ટ્રમ્પની ઘટતી લોકપ્રિયતા– આ પરિબળો સામાં થઈ ગયાં એમાં આવું પરિણામ આવ્યું.
ટ્રમ્પ આર્થિક સ્થિતિ સુધારવા માટે આવ્યા હતા, એ જ મુદ્દો તેમની સામે થયો
આ મુદ્દા કોઈ પણ દેશની ચૂંટણીમાં અગત્યના હોય છે. દેશનું અર્થતંત્ર આગળ વધે એ એક વાત છે અને લોકોના સામાન્ય જીવન પર તેની સારી-નરસી શું અસર થાય એ બીજી. ટ્રમ્પ 2024માં પ્રમુખપદની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે મહામારી સમયે બાયડન પ્રશાસને આર્થિક રીતે દેશને પાછળ ધકેલ્યો હોવાના મુદ્દા પર લડ્યા અને મોંઘવારીમાંથી દેશને રાહત અપાવવાનું, અર્થતંત્રને ફરી વેગવાન બનાવવાનું વચન આપ્યું હતું. મુદ્દા સાચા પણ હતા એટલે લોકોએ મતદાન પણ કર્યું. પણ સત્તામાં આવ્યા પછી ટ્રમ્પ પ્રશાસન ધારેલાં કામો ન કરી શક્યું.
ખાદ્યપદાર્થો, વીજળી, રહેઠાણ અને રોજિંદા જીવનની આવશ્યક ચીજવસ્તુઓના ભાવ કાયમ ચિંતાનો વિષય રહ્યા. ચૂંટણીના એક્ઝિટ પોલ્સમાં પણ આ વાત ઉડીને આંખે વળગે છે. પોલમાં લગભગ 90 ટકા મતદારોએ જીવનનિર્વાહ ખર્ચને મતદાન માટે મહત્ત્વનો મુદ્દો ગણાવ્યો હતો. બે તૃતીયાંશ મતદારોએ વધતા ભાવ માટે સીધી રીતે ટ્રમ્પને જવાબદાર ગણાવ્યા હતા.
ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ: આખરે અમેરિકનોએ જ વધારે કિંમત ચૂકવી
ટેરિફ આમ તો આ દુનિયાના દેશો વચ્ચે વ્યાપાર શરૂ થયો ત્યારથી વસૂલવામાં આવે છે. દરેક દેશો એકબીજા પર ટેરિફ નાખે છે. પણ ટ્રમ્પે સત્તામાં આવીને આ શબ્દને દુનિયાના ખૂણેખૂણે પહોંચાડી દીધો. અર્થતંત્રને વેગ આપવા માટે ટ્રમ્પે આ ટેરિફવાળું તૂત ચાલુ કર્યું અને દુનિયાભરના દેશો પર કર નાખ્યા. તેમની દલીલ એ હતી કે આમ કરવાથી સ્થાનિક ચીજવસ્તુઓને પ્રોત્સાહન મળશે, અમેરિકાના અર્થતંત્રને ફાયદો મળશે અને વિદેશી કંપનીઓ પણ અમેરિકામાં ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહિત થશે.
આ બધી વાત સાચી પણ સિક્કાની બીજી બાજુ પણ છે. અમેરિકા ભારત કે બીજા કોઈ પણ દેશ પર ટેરિફ લાગુ કરે તો તેનો વધારાનો ખર્ચ આખરે અમેરિકાની પ્રજાએ જ ચૂકવવાનો રહે છે. એવું થયું પણ ખરું. જાન્યુઆરી 2026માં એક રિપોર્ટ આવ્યો હતો, એ કહે છે કે ટ્રમ્પની ટેરિફ નીતિનો સૌથી મોટો બોજ વિદેશી કંપનીઓએ નહીં પણ અમેરિકનો અને અમેરિકાના આયાતકારોએ જ ઉઠાવવો પડ્યો હતો.
ટ્રમ્પ પ્રશાસનનો દાવો એવો હતો કે ટેરિફના કારણે અન્ય દેશોના નિકાસકારો દબાણમાં આવીને કિંમતો ઘટાડી દેશે, પણ એવું વાસ્તવમાં થયું નહીં. વિદેશી કંપનીઓએ બોજ ઉપાડવાના સ્થાને અમેરિકાનાં બજારોમાં વેચાણ ઘટાડીને અન્યત્ર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આખરે અમેરિકન આયાતકારો અને ગ્રાહકો પર જ અસર પડી.
બીજું, તાત્કાલિક દરેક ઉત્પાદન માટે સ્થાનિક સ્તરે વિકલ્પો ઉપલબ્ધ જ હોય એ વ્યવહારિક રીતે પણ શક્ય નથી. સાથે ગુણવત્તા પણ જોવાની રહે છે. ઉદાહરણ તરીકે ભારતમાંથી જતાં હીરા ઉત્પાદનો પર અમેરિકા ટેરિફ લાગુ કરે તેના કારણે અમેરિકી આયાતકારે વધુ કર ચૂકવવો પડે છે. તે કાં ભારતીય હીરા નિકાસકારોને વિનંતી કરે કે તેઓ ભાવ ઘટાડે અથવા પોતે બોજનું વહન કરે છે, પણ ક્યાં સુધી. જો ભારતીય નિકાસકારોએ ભાવ ન ઘટાડ્યા તો આખરે અમેરિકાના આયાતકારે બોજ ગ્રાહક પર નાખવો પડે છે.
આ સંજોગોમાં ભારતીય નિકાસકાર પાસે વ્યાપાર કરવા માટે ગ્લોબલ માર્કેટ છે, પણ અમેરિકા આ ઉત્પાદનોનો વિકલ્પ તાત્કાલિક ક્યાંથી લાવશે? પરિણામે ઊંચા ભાવે ચીજો ખરીદવી પડે છે. આવાં ઉદાહરણો અનેક ઉત્પાદનો માટે આપી શકાય એમ છે.
ઈરાન સામે યુદ્ધે ચડ્યા ટ્રમ્પ, ન દુનિયાને ઉદ્દેશી સમજાવી શક્યા ન અમેરિકનોને
ડોનાલ્ડ ટ્રમ્પ આર્થિક મોરચે અનેક પડકારોનો સામનો કરી રહ્યા હતા ત્યાં ફેબ્રુઆરી 2026માં ઇઝરાયેલ સાથે મળીને અમેરિકાએ ઈરાન પર હુમલો કરી દીધો. ઈરાન સામેની અમેરિકાની આ લશ્કરી કાર્યવાહીની અસર માત્ર મધ્યપૂર્વ પૂરતી મર્યાદિત ન રહી કારણ કે મધ્યપૂર્વથી આખી દુનિયાને ઓઇલ-ગેસ પહોંચે છે અને અમેરિકા અને ઇઝરાયેલ આ જ રણમેદાનમાં ઈરાન સાથે બાખડી રહ્યાં હતાં. પરિણામે વૈશ્વિક ઊર્જા બજાર અને તેલ પુરવઠા બાબતે અનિશ્ચિતતાઓ સર્જાઈ. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ ગયું એટલે ગેસ-ઓઇલની અછત દુનિયાભરમાં સર્જાઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ પર અસર થઈ. અમેરિકા પણ બાકાત ન હતું. પેટ્રોલ અને એનર્જીના ભાવ વધ્યા.
અમેરિકાએ યુદ્ધમાં ઈરાનનું ભરપૂર નુકસાન કર્યું છે, પણ ઘરમાં અને દુનિયાને પણ ટ્રમ્પ એ સમજાવી શક્યા નથી કે આ યુદ્ધનો મૂળ ઉદ્દેશ્ય શું હતો અને તેની સફળતા-નિષ્ફળતા શું છે. સફળતાનાં માપદંડો અમેરિકા સ્વયં સમયાંતરે બદલતું રહ્યું. પહેલાં કહ્યું હતું કે તેઓ ઈરાનમાં સત્તાપલટો કરવા માગે છે. તેના માટે સુપ્રીમ લીડર ખામેનેઈની હત્યા કરી નાખી, અનેક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને મારી નાખ્યા પણ સત્તાપલટો ન થયો. લોકો રસ્તા પર ન આવ્યા. તે પહેલાં લોકોને રસ્તા પર લાવવાનો એક પ્રયાસ નિષ્ફળ જઈ ચૂક્યો હતો. ઈરાનની IRGC સતત અમેરિકા સામે લડતી રહી. તેઓ અમેરિકા જઈને નુકસાન કરી શકે તેમ નથી પણ પાડોશી આરબ દેશોમાં અમેરિકાનાં સૈન્ય ઠેકાણાંને નાનું-મોટું નુકસાન કરવાનું ચાલુ રાખ્યું એટલે આ દેશોનું દબાણ પણ વધ્યું. જે દેશોને સીધી રીતે લાગતું-વળગતું ન હતું તેઓ તેલના વધતા ભાવના કારણે દબાણ કરી રહ્યા હતા.
અમેરિકા હુમલા વધારતું રહ્યું અને ઈરાન લડત આપતું રહ્યું. હોર્મુઝ સ્ટ્રેટ અને અન્ય અમુક મુદ્દાઓ પર ઈરાનનો હાથ ઉપર રહ્યો. શાંતિ કરાર થયા તેનું પાલન ન થયું. ટ્રમ્પની લોકપ્રિયતાને આ યુદ્ધથી ઘણીખરી અસર થઈ.
સીબીએસે ચૂંટણી ટાણે એક્ઝિટ પોલ કર્યો હતો એમાં પણ લોકોનું માનવું હતું કે ઈરાન સામે સૈન્ય લઈને કૂદી પડવાની ટ્રમ્પે જરૂર ન હતી કે યુદ્ધ આટલું લાંબું ચલાવવાની જરૂર ન હતી. યુદ્ધો લાંબાં ચાલે ત્યારે ઘરમાં સમસ્યાઓ પેદા કરે છે. મોદીને આ વાતની ખબર હતી એટલે પાકિસ્તાનીઓ ઘૂંટણિયે પડ્યા તો યુદ્ધ અટકાવી દીધું. ટ્રમ્પને હવે સમજાશે. ઈરાન યુદ્ધ ટ્રમ્પ માટે ઘરઆંગણે રાજકીય પડકાર બની ગયું છે એ હકીકત છે.
ટ્રમ્પ જ ઉમેદવાર, ટ્રમ્પ જ પાર્ટી
મધ્યસત્ર ચૂંટણીમાં આમ તો રાષ્ટ્રપતિનું નામ ક્યાંય હોતું નથી. પણ એ પણ વાત સાચી કે અમેરિકામાં સત્તાધારી રાષ્ટ્રપતિનું કામ અને તેના કારણે તેમની લોકપ્રિયતાની અસર મિડટર્મ ચૂંટણીનાં પરિણામો પર થાય છે. ટ્રમ્પે આ વખતે પોતે જ પ્રચાર દરમ્યાન કહ્યું હતું કે પોતે ચૂંટણી લડી રહ્યા છે એમ માનીને જ મતદારોએ મત આપવો જોઈએ. એક રીતે તેમણે આ ચૂંટણીને પોતાના શાસન વિશેના જનમતમાં ફેરવી નાખી અને આ જ આખરે અવળું પડ્યું.
ઉપર જણાવ્યાં એ કારણોસર ટ્રમ્પની ઘટતી લોકપ્રિયતાની અસર મતદાન પર થઈ. ડેમોક્રેટિક ઉમેદવારોને મત આપનારાઓમાંથી મોટાભાગના મતદારોમાં ટ્રમ્પનો વિરોધ એક અગત્યનું પરિબળ હતો પણ રિપબ્લિકન મતદારોમાં પણ ટ્રમ્પના સમર્થનમાં મતદાન કરનારાઓનો હિસ્સો અગાઉની સરખામણીએ ઓછો જોવા મળ્યો.
પરિણામ પછી ટ્રમ્પ કહે છે કે જો બેલેટ પર તેમનું નામ હોત તો પરિણામ અલગ હોત. પણ તેમણે જ આખી ચૂંટણીમાં પોતે ચૂંટણી લડતા હોય તેમ મતદાન કરવાની અપીલ કરી હતી અને લોકોએ તેમ કર્યું પણ ખરું અને પરિણામ આવ્યું એ સામે છે.
ઇમિગ્રેશન, વિઝા અને ભારતીય મતદારોની નિરાશા
આ સાથે અન્ય અમુક મુદ્દાઓ પણ કારણભૂત ખરા. ટ્રમ્પની રાજકીય સફળતા પાછળ ઇમિગ્રેશનનો મુદ્દો કાયમ ફરતો રહ્યો છે. ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવાના તેઓ હિમાયતી રહ્યા છે. સરહદી સુરક્ષા અને અમેરિકન નાગરિકોને રોજગારમાં પ્રાથમિકતા જેવા રિપબ્લિકન પાર્ટીના પરંપરાગત મુદ્દાઓ પર ટ્રમ્પ રાજકારણ કરતા રહ્યા. તેની અસર સ્થાનિક સ્તરે કેટલી થઈ એ તો અલગ સંશોધનનો વિષય છે પણ તેનાથી અમેરિકામાં રહેતા અને કામ કરતા વિદેશી નાગરિકોમાં અસલામતીની ભાવના સર્જાઈ.
ખાસ કરીને ભારતીય મૂળના અમેરિકનો માટે H-1B વિઝા અને ગ્રીનકાર્ડ પ્રક્રિયા મહત્ત્વની હોય છે. ટ્રમ્પ શાસને નવા વિઝા અરજદારો માટે 1 લાખ ડૉલરની ફીનો નિર્ણય લાગુ કર્યો જેનાથી ભારતીય આઈટી પ્રોફેશનલોને મોટી ચિંતા સર્જાઈ હતી.
2026માં એક ઇન્ડિયન અમેરિકન એટિટ્યુડ સરવે થયો એ જણાવે છે કે લગભગ બે તૃતીયાંશ ભારતીય અમેરિકનો આ નિર્ણયની વિરુદ્ધમાં હતા. આ સિવાય અન્ય અમુક નિર્ણયો સામે પણ રોષ જોવા મળ્યો.
ઑક્ટોબર 2026ના કાર્નેગી એન્ડોન્મેન્ટના સરવે પ્રમાણે 62 ટકા ભારતીય અમેરિકન મતદારોએ ડેમોક્રેટિક ઉમેદવારોને મત આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે રિપબ્લિકન ઉમેદવારો માટે આ આંકડો 19 ટકાનો જ હતો. આ જોકે મતદાન પહેલાંનો સરવે છે, પણ એ પરિસ્થિતિ શું છે એ દર્શાવે છે. 2024માં ટ્રમ્પને મોટાપાયે આ વર્ગ તરફથી સમર્થન મળ્યું હતું.
હવે આગળ શું?
ચૂંટણીનાં પરિણામોનું સૌથી મોટું પાસું એ છે કે હવે ટ્રમ્પે કોંગ્રેસમાં ડેમોક્રેટ્સ સાથે કામ કરવું પડશે. બંને ગૃહમાં ડેમોક્રેટ્સ બહુમતીમાં છે. આ પરિસ્થિતિમાં ટ્રમ્પ પાસે રાષ્ટ્રપતિની સત્તા તો રહેવાની પણ નીતિઓ અમલમાં મૂકવા માટે જે રાજકીય સ્વતંત્રતા હતી એ મર્યાદિત બની જશે.
અમેરિકાની બંધારણીય વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ અને કોંગ્રેસ વચ્ચે સત્તાનું વિભાજન થયું છે. રાષ્ટ્રપતિ સરકાર ચલાવે છે, કોંગ્રેસ કાયદાઓ ઘડે છે, સરકારી ખર્ચ મંજૂર કરે છે અને વહીવટી તંત્ર માટે ચેક એન્ડ બેલેન્સનું કામ કરે છે. કોંગ્રેસનાં બંને ગૃહમાં ડેમોક્રેટ હોય તો ટ્રમ્પની નીતિઓ સામે સંસદીય અવરોધો ઊભા થશે એ સ્વાભાવિક છે.
ડેમોક્રેટ્સનું નિયંત્રણ સંસદીય સમિતિઓ પર પણ હશે. આ સમિતિઓ ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયો, નાણાકીય વ્યવહારો અને નીતિઓની તપાસ કરી શકે છે. સરકારી અધિકારીઓને સમન્સ પાઠવીને હાજર રહેવા માટે, અમુક બાબતે જવાબ આપવા અને દસ્તાવેજો રજૂ કરવા માટેની સત્તા કોંગ્રેસ પાસે હોય છે. ઉપરાંત તેઓ અમુક મુખ્ય વહીવટી અધિકારીઓ અને તેમની નીતિઓને સતત રાજકીય દબાણ હેઠળ રાખી શકે છે.
કોંગ્રેસ પાસે સરકારી ખર્ચ અને બજેટ મંજૂર કરવાની સત્તા પણ હોય છે. પ્રશાસન કોઈ નવી યોજના અમલમાં મૂકવા માગે તેના માટે નાણાંની જરૂર પડે છે. કોંગ્રેસ જો ભંડોળ મંજૂર કરવામાં વિલંબ કરે તો તેની અસર સરકાર અને દેશ પર થઈ શકે. ભૂતકાળમાં બજેટ મંજૂર નહતું થયું તો અમેરિકામાં શટડાઉન કરવું પડ્યું હતું.
ટ્રમ્પ સામે મહાભિયોગ લવાશે? તકનીકી રીતે શક્ય છે, પણ શક્યતાઓ ઓછી
ડેમોક્રેટ્સ પાસે આમ તો ટ્રમ્પના મહાભિયોગની પણ સત્તા છે. અમેરિકામાં ઈમ્પિચમેન્ટની પ્રક્રિયા હાઉઝ ઑફ રિપ્રેઝન્ટેટિવથી શરૂ થાય છે. ગૃહમાં સાદી બહુમતીએ રાષ્ટ્રપતિ સામે મહાભિયોગના આરોપો મંજૂર કરાવવા પડે છે. ત્યારબાદ કેસ સેનેટમાં જતો રહે છે, જ્યાં ટ્રાયલ યોજાય છે. રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટે સેનેટમાં હાજર સભ્યોના બે તૃતીયાંશ સમર્થનની જરૂર પડે છે. સેનેટ 100 સભ્યોનું ગૃહ છે.
તકનીકી રીતે આ બધું શક્ય છે, પણ રાજકીય ઉપયોગિતા પણ જોવાની રહે છે. ડેમોક્રેટ્સ પાસે બંને ગૃહમાં બહુમતી છે, પણ સેનેટમાં બે તૃતીયાંશ સમર્થન સરળતાથી મળતું નથી. મોટી સંખ્યામાં રિપબ્લિકન સેનેટરો ટ્રમ્પની વિરુદ્ધ જાય તો જ આ શક્ય છે.
માની લઈએ કે આ પણ થઈ ગયું, તોપણ મહાભિયોગની કાર્યવાહી ડેમોક્રેટ માટે કેટલી ફાયદાકારક નીવડે એ પણ પ્રશ્ન છે. ડેમોક્રેટ્સ જો આગામી બે વર્ષમાં શાસનની નિષ્ફળતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને સ્થાને માત્ર ટ્રમ્પને પદ પરથી હટાવવામાં સમય ખર્ચી નાખે તો તેનું પરિણામ શું આવે એ અનિશ્ચિતતા કાયમ રહે છે અને બીજી તરફ ટ્રમ્પ તેને રાજકીય બદલો ગણાવીને પાર્ટી એકજૂથ કરવા માટે ઉપયોગમાં લઈ શકે. એટલે ડેમોક્રેટ્સ ટ્રમ્પ સામે ઈમ્પિચમેન્ટ લાવે એની શક્યતાઓ નહિવત છે. તેઓ બે વર્ષ બીજી બાબતોમાં જ કાઢશે.
ટ્રમ્પ પાસે હજુ ઘણી સત્તા
જોકે આ પરિણામોનો અર્થ એ નથી કે ટ્રમ્પની તમામ સત્તા પર કાતર ફેરવાઈ ગઈ છે. અમેરિકાનું બંધારણ રાષ્ટ્રપતિને ભરપૂર સત્તા આપે છે. કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવેલું કોઈ પણ બિલને ટ્રમ્પ વીટો કરીને વીંટો વાળી શકે છે. રાષ્ટ્રપતિનો આ નિર્ણય રદ કરવા માટે હાઉસ અને સેનેટમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે, જે અગેઇન, સરળ વાત નથી.
રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ પાસે વિદેશનીતિ, લશ્કરી દળોના કમાન્ડર ઇન ચીફ તરીકેની જવાબદારી અને કાર્યકારી આદેશો જાહેર કરવાની સત્તા યથાવત રહેશે. ઇમિગ્રેશન, વ્યાપાર, વિદેશ નીતિ વગેરે મુદ્દાઓ પર વહીવટી સત્તાઓનો ઉપયોગ કરી શકે છે. જોકે સત્તા અમર્યાદિત નથી હોતી અને નિર્ણયો કાયદાકીય અને ન્યાયિક સમીક્ષાને આધીન રહે છે.
પણ કહેવાની વાત એટલી છે કે ટ્રમ્પ પાસે ઘણીખરી સત્તા તો હાથમાં રહેશે પણ કાયદાકીય અને નાણાકીય નિર્ણયો પર એકહથ્થુ શાસન નહીં રહે.
આવતાં બે વર્ષ અમેરિકાના રાજકારણમાં જોવા જેવાં રહેશે. અનેક મુદ્દાઓ પર બે પક્ષોએ સંઘર્ષ અને ખેંચતાણ વધશે. ડેમોક્રેટ્સ માટે આ એક તક છે આગામી ચૂંટણી માટે રાજકીય જમીન તૈયાર કરવાની, રિપબ્લિકન માટે તક છે નેતૃત્વ અને ભવિષ્યની દિશા નક્કી કરવાની. કારણ કે ટ્રમ્પ આગામી ચૂંટણી લડી શકે તેમ નથી. બશર્તે તેઓ કશુંક નવું ગતકડું ન લઈ આવે, જેની શક્યતાઓ બહુ ઓછી છે, કારણ કે આ એક બહુ મોટો બંધારણીય સુધારો છે.
એક વાત એ પણ છે કે આ પરિણામોનો અર્થ એ નથી કે મતદારો કન્ઝર્વેટિવ વિચારધારાને સંપૂર્ણ નકારી ચૂક્યા છે. ડેમોક્રેટ્સની સફળતા પાછળ ટ્રમ્પ વિરોધી મતદાનનો ફાળો મોટો છે. એટલે ડેમોક્રેટ્સ સામે એક પડકાર એ સાબિત કરવાનો પણ છે કે તેઓ માત્ર ટ્રમ્પનો વિરોધ નહીં પણ દેશના અન્ય પ્રશ્નોનો વ્યવહારુ ઉકેલ પણ આપી શકે છે.
ટ્રમ્પ પાસે બે વર્ષ શેષ છે. આ બે વર્ષ તેમના રાજકીય વારસા સાથે અમેરિકાના રાજકારણ માટે પણ નિર્ણાયક બનશે.


