
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને હિંદુવિરોધી પ્રોપેગેન્ડા ફેલાવવા કુખ્યાત ‘અલ જઝીરા’એ ફરી એકવાર આસામને લઈને વિવાદિત રિપોર્ટિંગ કર્યું છે. તાજેતરમાં આસામના ધુબરી જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીના વિડીયો અને ફોટો લઈને અલ જઝીરાએ ’મુસ્લિમ વિકટીમકાર્ડ’ રમ્યું છે. આ કાર્યવાહીને અલ જઝીરાએ ‘બંગાળી બોલતા મુસ્લિમો પર ટાર્ગેટેડ હુમલો’ ગણાવ્યો હતો.
હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અલ જઝીરાને જડબાતોડ જવાબ આપ્યો છે. 3 નવેમ્બરના રોજ અલ જઝીરાના અહેવાલ બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “હજુ આવી વધુ કાર્યવાહી કરવામાં આવશે અને રાજ્યની એક-એક ઇંચ જમીન પાછી નહીં મેળવી લેવાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે.”
More to come. We will not stop till every inch of our land is reclaimed.
— Himanta Biswa Sarma (@himantabiswa) November 3, 2026
શું છે આખો મામલો?
ઉલ્લેખનીય છે કે અલ જઝીરાએ આદત અનુસાર તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે ધુબરી જિલ્લામાં 4,000 જેટલા ‘બંગાળી મુસ્લિમો’ને ‘વિસ્થાપિત’ કરી દેવામાં આવ્યા છે. કવરેજમાં એવો પણ દાવો કર્યો છે કે ભાજપની ‘હિંદુ રાષ્ટ્રવાદી’ સરકારે આ કાર્યવાહી મુસ્લિમોને ટાર્ગેટ કરવા કરી છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે વહીવટીતંત્રે કોઈપણ જાતિ કે મજહબને જોયા વિના માત્ર અને માત્ર સરકારી જમીન મુક્ત કરાવી છે.

અહેવાલ અનુસાર આસામના ધુબરી જિલ્લાના ગૌરીપુર મહેસૂલ વર્તુળ હેઠળના આલમગંજમાં આશરે 650 વીઘા (આશરે 215 એકર) સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદે દબાણ હતું. આ જમીન પર બાંધવામાં આવેલા આશરે 550થી 750 જેટલા ગેરકાયદે ઘરો અને બાંધકામોને દૂર કરવા માટે 1 નવેમ્બરના રોજ સવારે 7:30 વાગ્યાથી તંત્રે કાર્યવાહી શરૂ કરી હતી.
તંત્રએ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી હોવાની કમિશનરની સ્પષ્ટતા
જોકે આ કાર્યવાહી મનસ્વી રીતે કરવામાં નહોતી આવી. ધુબરી કમિશનર દિબાકર નાથે સ્પષ્ટ કર્યું હતું કે વહીવટીતંત્ર છેલ્લા ત્રણ મહિનાથી કાયદાકીય પ્રક્રિયા કરી રહ્યું હતું. કબજો કરનારાઓને શો કોઝ નોટિસ આપવી, સુનાવણી કરવી અને દસ્તાવેજોની ચકાસણી કરવા સહિતની તમામ કાનૂની પ્રક્રિયાનું પાલન થયું હતું. તંત્રે સ્થાનિકોને જગ્યા ખાલી કરવા માટે પૂરતો એક મહિનાનો સમય પણ આપ્યો હતો. જોકે અલ જઝીરાએ ‘મુસ્લિમ વિકટીમ’ કાર્ડ રમવામાં આ વાસ્તવિકતા છુપાવી દીધી.

ઉલ્લેખનીય છે કે તંત્રની નોટિસ બાદ 80% જેટલા સ્થાનિક રહીશોએ સરકારી કાર્યવાહી પહેલાં જ જમીન ખાલી કરી દીધી હતી. ધુબરી ડેપ્યુટી કમિશનરે એ પણ સ્પષ્ટ કર્યું કે જે 150 વીઘા જમીનનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તે જમીન પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. આ નિવેદનો સ્પષ્ટ કરે છે કે તંત્રે નિયમાનુસાર જ કામ કર્યું છે.
અલ જઝીરા જેવા ઈસ્લામો-લેફ્ટિસ્ટ મીડિયા આઉટલેટ્સ હંમેશાં ભારતમાં કાયદાના શાસનને ‘મુસ્લિમો પર અત્યાચાર’ તરીકે દર્શાવવા ટેવાયેલા છે. ગેરકાયદે જમીન પચાવી પાડનારાઓ મુસ્લિમ હોવાના કારણે સરકાર કે તંત્ર ગુનેગારો સામે કાર્યવાહી ન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ જ્યારે પણ સરકારી મિલકતો મુક્ત કરાવવામાં આવે છે ત્યારે અલ જઝીરા જેવી વિદેશી સંસ્થાઓ ‘ઈસ્લામોફોબિયા’ અને ‘અલ્પસંખ્યકો પર હુમલા’ની રાડારાડ મચાવી દેય છે.
ઉલ્લેખનીય છે કે આસામમાં છેલ્લા એક દાયકામાં સરકારી જમીન પર કરવામાં આવેલા 19,000થી વધુ અતિક્રમણો દૂર કરવામાં આવ્યા છે. ઑક્ટોબર માસમાં જ નાગાંવ, હોજાઈ અને ગોલાઘાટના જંગલ વિસ્તારમાંથી 1,100થી વધુ ગેરકાયદે દબાણો હટાવાયાં હતાં. રાજ્યમાં કોઈપણ ભેદભાવ વિના આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ અલ જઝીરા માત્ર મુસ્લિમનો ઉલ્લેખ કરીને વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

