‘પ્રદર્શનના નામે અનિશ્ચિતકાળ સુધી કબજો ન કરી શકાય’: CJP સહિતનાં સંગઠનોને સુપ્રીમની ટકોર, કહ્યું- વેપારીઓ, શ્રમિકોના અધિકારો પણ મહત્વના

સુપ્રીમ કોર્ટમાં CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં થયેલ પ્રદર્શનો વિરુદ્ધ જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પ્રદર્શનકારીઓ અંગે મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની કોઈ એક જ જગ્યાએ કોઈ એક સંગઠન અનિશ્ચિત સમય સુધી કબજો જમાવીને ન બેસી શકે. કોર્ટે જણાવ્યું કે દરેક નાગરિક કે સંગઠનને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ તેના કારણે બીજાના અધિકારો ન છીનવાવા જોઈએ.

આ મામલે 3 નવેમ્બરે CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે સુનાવણી કરી હતી. CJIએ કહ્યું કે જો એક જૂથ લાંબા સમય સુધી એક જ સ્થળ પર બેસી રહે તો ખેડૂતો, કામદારો, પત્રકારો, ટ્રેડ યુનિયનો અને અન્ય સંગઠનો વિરોધ કરવા ક્યાં જશે? દરેકને પોતાની વાત રજૂ કરવાનો સમાન અધિકાર છે. તેથી વિરોધ પ્રદર્શન માટે સ્થળની સાથે સમયમર્યાદા પણ નક્કી થવી જોઈએ.

CJPના પ્રદર્શન સાથે જોડાયેલ મામલો

આ સમગ્ર મામલો દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે થયેલા વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલો છે. આ પ્રદર્શનોમાં CJP સહિતનાં કેટલાક જૂથો સામેલ હતાં. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે પ્રશાસને આ પ્રદર્શન માટે માત્ર એક જ દિવસની મંજૂરી આપી હતી, છતાં પ્રદર્શનકારીઓ 17 દિવસ સુધી ત્યાંથી હટ્યા નહોતા.

આ મામલે વેપારીઓએ પણ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે લાંબા સમય સુધી ચાલતાં વિરોધ પ્રદર્શનોને કારણે દિલ્હીના કનોટ પ્લેસ અને આસપાસના બજારોમાં વેપારને મોટું નુકસાન થયું છે. તહેવારોની સિઝન હોવા છતાં ગ્રાહકો દુકાનો સુધી નથી પહોંચી શકતા. આ દરમિયાન વેપારીઓના વકીલે અંદાજ રજૂ કર્યો છે કે આનાથી આશરે ₹2,000 કરોડનું નુકસાન થયું છે.

રોજીરોટી ગુમાવતા સામાન્ય મજૂરો અને શ્રમિકો

સુપ્રીમ કોર્ટે માત્ર વેપારીઓ જ નહીં, પણ રોજનું કમાઈને ખાતા શ્રમિકોની મુશ્કેલીઓ પર પણ ધ્યાન દોર્યું છે. કોર્ટે કહ્યું કે બંધારણે લોકોને વિરોધ કરવાનો અધિકાર આપ્યો છે, પરંતુ વેપાર કરવાનો અને રોજગાર મેળવીને જીવન જીવવાનો અધિકાર પણ એટલો જ જરૂરી છે. દુકાનોમાં કામ કરતા કર્મચારીઓ, લારી-ગલ્લાવાળા, માલસામાન પહોંચાડતા ટેમ્પો ચાલકો, મજૂરો અને લોડિંગ-અનલોડિંગનું કામ કરતા લોકોની રોજીરોટી પણ આ પરિસ્થિતિથી પ્રભાવિત થાય છે. એટલે કે વિરોધ પ્રદર્શનના અધિકારનો ઉપયોગ એવી રીતે ન થવો જોઈએ કે અન્ય લોકોના પેટ પર લાત પડે.

કોર્ટે આ કેસમાં વેપારીઓની અરજી સાથે વિરોધ પ્રદર્શન કરનાર આયોજકોને પણ પક્ષકાર બનવા આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર એક જ તરફની વાત સાંભળીને નિર્ણય ન લઈ શકાય, તેથી પ્રદર્શન કરનારાઓ પણ પોતાનો પક્ષ રજૂ કરી શકશે અને વેપારીઓએ પોતાના નુકસાનના પુરાવા આપવાના રહેશે.

સુનાવણી દરમિયાન માત્ર વેપાર જ નહીં, પણ પોલીસ કરેલી અટકાયતો, બળપ્રયોગ, ઇન્ટરનેટ બંધ કરવાની બાબતો અને મેટ્રો સ્ટેશનો બંધ કરવાના નિર્ણયો પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વધુમાં, પ્રદર્શનકારીઓ પર નજર રાખવા માટે ‘ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી’ના વપરાશ સામે પણ પ્રશ્નો ઉઠયા છે.