હોમપેજગુજરાતસોમનાથ મંદિર નજીક નોનવેજ પરનો પ્રતિબંધ ગુજરાત હાઇકોર્ટે ગણતરીના કલાકોમાં ફરી લાગુ...

સોમનાથ મંદિર નજીક નોનવેજ પરનો પ્રતિબંધ ગુજરાત હાઇકોર્ટે ગણતરીના કલાકોમાં ફરી લાગુ કર્યો, સિંગલ જજના આદેશ પર રોક: વાંચો કોર્ટે શું કહ્યું?

કેસના શીર્ષકમાં મુખ્ય અરજદાર તરીકે ‘એમ/એસ તાજ રેસ્ટોરન્ટના માલિક આકિબ અમીનભાઈ ખાન’નું નામ આપવામાં આવ્યું છે. જોકે ચુકાદામાં અન્ય નામો નથી, પરંતુ અહેવાલોમાં તે સિવાય જે. એમ. રેસ્ટોરન્ટ, ખ્વાજા હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, ન્યૂ ગુલાબ અને કિસ્મત રેસ્ટોરન્ટનાં નામો આપવામાં આવ્યાં છે.

- Advertisement -

સોમનાથ મંદિરના આસપાસના વિસ્તારમાં નોનવેજના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવાના ગુજરાત સરકારના નિર્ણય સામે હાઇકોર્ટમાં ચાલી રહેલી કાનૂની લડત 30 ઑક્ટોબર 2026ના રોજ નાટકીય વળાંક પર પહોંચી હતી. ગુજરાત હાઇકોર્ટનાં સિંગલ જજ જસ્ટિસ નિશા એમ. ઠાકોરે રેસ્ટોરન્ટ સંચાલકોની અરજી મંજૂર કરીને રાજ્ય સરકારના પ્રતિબંધને રદ કર્યો હતો. જોકે, રાજ્ય સરકારે આ આદેશ સામે ગણતરીના કલાકોમાં જ ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. કાર્યવાહીની તાકીદ અને સોમનાથ મંદિરનું ધાર્મિક મહત્વ ધ્યાનમાં રાખીને ડિવિઝન બેન્ચે એ જ દિવસે સાંજે સુનાવણી હાથ ધરી અને સિંગલ જજના ચુકાદા પર રોક લગાવી દીધી હતી. પરિણામે, સોમનાથ મંદિર નજીક નોનવેજ પરનો પ્રતિબંધ ફરી અમલમાં આવ્યો છે. આ મામલે ડિવિઝન બેન્ચે આગામી સુનાવણી માટે 25 નવેમ્બર 2026ની તારીખ નક્કી કરી છે. બંને સુનાવણીના કોર્ટ ઓર્ડર ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

આ સમગ્ર મામલો માત્ર રેસ્ટોરન્ટ સંચાલકો અને રાજ્ય સરકાર વચ્ચેના વેપારના અધિકારનો વિવાદ નથી. તેમાં સોમનાથ મંદિરનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ, દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓની આસ્થા, જાહેર માર્ગો પરની વ્યવસ્થા, ધાર્મિક સ્થળોની આસપાસની સ્વચ્છતા અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટને મળેલી સત્તાઓ જેવા અનેક મુદ્દાઓ સામેલ છે. બંને પક્ષોએ હાઇકોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી હતી અને બંને તબક્કે કોર્ટ સમક્ષ અલગ-અલગ કાનૂની પ્રશ્નો આવ્યા હતા.

શું હતો ગુજરાત સરકારનો નિર્ણય?

10 જુલાઈ 2026ના રોજ ગીર સોમનાથના જિલ્લા મેજિસ્ટ્રેટે ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 33(1)(w) હેઠળ પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં સોમનાથ મંદિર અને આસપાસના ધાર્મિક સ્થળો તરફ જતા નિર્દિષ્ટ જાહેર માર્ગો પર લારી, દુકાન, રેસ્ટોરન્ટ અને હોટેલોમાં માંસ, મટન, માછલી તથા નોનવેજ વાનગીઓની તૈયારી, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જાહેરનામા અંગે વાંધા અને સૂચનો રજૂ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 10 ઑગસ્ટ 2026ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટે અંતિમ જાહેરનામું બહાર પાડ્યું હતું અને પ્રતિબંધ લાગુ કર્યો હતો.

- Advertisement -

આ પ્રતિબંધ સોમનાથ મંદિરની આસપાસના 500 મીટરના વિસ્તાર ઉપરાંત સાત નિર્દિષ્ટ માર્ગો પર લાગુ કરવામાં આવ્યો હતો. તેમાં ભાલકા મંદિરથી ભીડિયા સર્કલ, ભીડિયા સર્કલથી શંખ સર્કલ, શંખ સર્કલથી સફારી સર્કલ, સફારી સર્કલથી પ્રજાપતિ ધર્મશાળાના ત્રણ રસ્તા, ગીતા મંદિરથી હમીરજી સર્કલ અને હમીરજી સર્કલથી શંખ સર્કલ સુધીના માર્ગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સોમનાથ મંદિરથી 500 મીટરની ત્રિજ્યામાં આવતા તમામ વિસ્તારોને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા હતા.

આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો નહોતો. સોમનાથ મંદિરની આસપાસ નોનવેજના વેચાણને લઈને અગાઉ પણ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં હતાં. સિંગલ જજના ચુકાદામાં નોંધ્યા પ્રમાણે, 7 માર્ચ 2006ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટે સોમનાથ મંદિરથી 500 મીટરના વિસ્તારમાં અને સોમનાથ બસ સ્ટેન્ડ ચોકથી મંદિર સુધીના માર્ગ પર ઈંડાં, માછલી અને માંસના વેચાણ તથા સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ 13 એપ્રિલ 2018ના રોજ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની એક્ઝિક્યુટિવ કમિટીએ ધાર્મિક લાગણીઓ અને સોમનાથ સેવા સંઘની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટ. મેરી સ્કૂલથી કાટલી માર્કેટ યાર્ડ સુધીના માર્ગને વેજ ઝોન જાહેર કર્યો હતો. 26 જાન્યુઆરી 2019ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટે પણ અગાઉના નિયંત્રણોને આગળ વધારતું જાહેરનામું બહાર પાડ્યું હતું.

2026ના નવા જાહેરનામા પહેલાં ધાર્મિક અને સામાજિક સંગઠનોએ મે 2026થી ઑગસ્ટ 2026 દરમિયાન જિલ્લા વહીવટ તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી. તેમાં સોમનાથ મંદિર અને આસપાસનાં પવિત્ર સ્થળો તરફ જતા માર્ગો પર નોનવેજ ખોરાકની તૈયારી અને વેચાણ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જાહેર માર્ગો પર નોનવેજ ખોરાક ખુલ્લેઆમ તૈયાર થતો હોવાની, માંસ પ્રદર્શિત થતું હોવાની અને ખોરાકનો કચરો જાહેરમાં ફેંકવામાં આવતો હોવાની ફરિયાદો પણ રજૂઆતોમાં કરવામાં આવી હતી.

સાત રેસ્ટોરન્ટ સંચાલકો હાઇકોર્ટ પહોંચ્યા

રાજ્ય સરકારના જાહેરનામાને પડકારવા માટે સાત રેસ્ટોરન્ટ સંચાલકોએ ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 13977/2026 દાખલ કરી હતી. આ અરજી 3 સપ્ટેમ્બર 2026ના રોજ દાખલ કરવામાં આવી હતી અને 24 સપ્ટેમ્બરના રોજ નોંધવામાં આવી હતી. અરજીમાં મુખ્ય અરજદાર તરીકે ‘એમ/એસ તાજ રેસ્ટોરન્ટના માલિક આકિબ અમીનભાઈ ખાન’નું નામ છે. તેની સાથે અન્ય છ અરજદારો પણ સામેલ હતા. અરજદારો તરફથી એડવોકેટ અસરાર એલ. મન્સૂરી અને એડવોકેટ ફરહાના વાય. મન્સૂરીએ દલીલો રજૂ કરી હતી. રાજ્ય સરકાર તરફથી ગવર્નમેન્ટ પ્લીડર જી. એચ. વિર્ક સાથે એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર ધરિત્રી પંચોળી, બ્રીજેન્સિંહ ઠાકુર અને શૌનક વ્યાસ હાજર રહ્યા હતા. જ્યારે પ્રતિવાદી નંબર 2 તરફથી એડવોકેટ દીપક પી. સાંચેલાએ રજૂઆત કરી હતી.

અરજદારોનું કહેવું હતું કે તેઓ છેલ્લાં 35થી 40 વર્ષથી પ્રભાસ પાટણમાં શાકાહારી અને નોનવેજ રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમની પાસે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના માન્ય ટ્રેડ લાઇસન્સ છે અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ જરૂરી નોંધણી તથા લાઇસન્સ પણ છે. તેમના મકાનોને મંજૂરી મળેલી છે અને પાર્કિંગની વ્યવસ્થા પણ છે. આથી, તેમના રેસ્ટોરન્ટના કારણે જાહેર માર્ગ પર અવરોધ કે અસુવિધા ઊભી થતી નથી.

અરજદારોના વકીલની દલીલ હતી કે તેમની હોટેલો સોમનાથ મંદિરથી અંદાજે 1.5થી 2 કિલોમીટર દૂર છે અને મુખ્ય માર્ગથી આશરે 30થી 40 મીટરના અંતરે આવેલી છે. જે માર્ગ પર આ રેસ્ટોરન્ટ્સ છે તેનો ઉપયોગ સામાન્ય રીતે સોમનાથ મંદિર જતા શ્રદ્ધાળુઓ કરતા નથી. રેસ્ટોરન્ટનાં રસોડાં અંદર આવેલાં છે અને જાહેર માર્ગ પરથી દેખાતાં નથી. માંસ કે નોનવેજ વાનગીઓ પણ રસ્તા પર પ્રદર્શિત કરવામાં આવતી નથી. આવી સ્થિતિમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવાની કે શ્રદ્ધાળુઓને અસુવિધા થવાની શક્યતા ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં દલીલ કરી હતી કે પ્રભાસ પાટણમાં નોનવેજ રેસ્ટોરન્ટના વ્યવસાય પર અનેક શ્રમિકો નિર્ભર છે. આસપાસના GIDC વિસ્તારમાં કામ કરતા લોકો, સ્થાનિક રહેવાસીઓ, પ્રવાસીઓ અને વિવિધ સમુદાયોના શ્રદ્ધાળુઓ પણ આ રેસ્ટોરન્ટ્સમાં ભોજન લેતા હોય છે. પ્રતિબંધને કારણે માત્ર રેસ્ટોરન્ટ સંચાલકો જ નહીં, પરંતુ તેમની સાથે જોડાયેલા લોકોની આજીવિકા પણ પ્રભાવિત થશે. અરજદારોની મુખ્ય દલીલ એ હતી કે રાજ્ય સરકારનું જાહેરનામું બંધારણના અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 19(1)(g) હેઠળ મળતા અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અનુચ્છેદ 19(1)(g) નાગરિકોને વ્યવસાય, વેપાર કે રોજગાર કરવાનો અધિકાર આપે છે. આ અધિકાર પર અનુચ્છેદ 19(6) હેઠળ જાહેરહિતમાં વાજબી નિયંત્રણો લાદી શકાય છે, પરંતુ અરજદારોના મતે આ કિસ્સામાં લાદવામાં આવેલો પ્રતિબંધ અતિશય અને ગેરવાજબી હતો.

તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે વર્ષ 2006થી સોમનાથ મંદિરની આસપાસ 500 મીટરનો પ્રતિબંધ અમલમાં હતો ત્યારે તેના કરતાં વધુ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવાની જરૂર શા માટે ઊભી થઈ? અરજદારોના મતે રાજ્ય સરકાર ઓછા પ્રતિબંધાત્મક વિકલ્પો અપનાવી શકતી હતી. તેમણે એવી પણ દલીલ કરી હતી કે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટને રેસ્ટોરન્ટમાં કયો ખોરાક પીરસવો તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સત્તા મળતી નથી. અરજદારોના વકીલે સુપ્રીમ કોર્ટના ચિંતામન રાવ વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય અને સ્ટેટ ઑફ મદ્રાસ વિરુદ્ધ વી. જી. રો જેવા ચુકાદાઓનો આધાર લીધો હતો. તેમના મતે કોઈપણ પ્રતિબંધની કસોટી તેની અવધિ, વ્યાપ, જરૂરિયાત અને તેને લાગુ કરવાની કાનૂની પ્રક્રિયાના આધારે થવી જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સ્થાનિક વ્યક્તિઓ તરફથી અરજદારોના રેસ્ટોરન્ટ સામે કોઈ ફરિયાદ આવી નહોતી અને વિવિધ સંગઠનોની રજૂઆતોના આધારે જ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે સોમનાથની ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાળુઓની સંખ્યા રજૂ કરી

રાજ્ય સરકાર તરફથી ગવર્નમેન્ટ પ્લીડર જી. એચ. વિર્કે જાહેરનામાનો બચાવ કરતા જણાવ્યું હતું કે સોમનાથ મંદિરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ અસાધારણ છે. આ પ્રથમ જ્યોતિર્લિંગનું સ્થાન છે અને દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. સરકાર તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન સોમનાથ મંદિરમાં અંદાજે 1.16 કરોડ શ્રદ્ધાળુઓની અવરજવર નોંધાઈ હતી. મંદિર નગરની અર્થવ્યવસ્થા પણ મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ સાથે જોડાયેલી છે.

સરકારની દલીલ હતી કે સોમનાથ માત્ર એક વ્યાપારી કેન્દ્ર નથી, પરંતુ કરોડો હિંદુઓની આસ્થાનું પવિત્ર સ્થાન છે. મંદિર તરફ જતા માર્ગો અને આસપાસનાં ધાર્મિક સ્થળો પર નોનવેજ ખોરાકની ખુલ્લી તૈયારી, વેચાણ અને પ્રદર્શનથી શ્રદ્ધાળુઓની લાગણીઓ પ્રભાવિત થઈ શકે છે. જાહેર માર્ગો પર માંસની તૈયારી, ખોરાકનો કચરો અને અન્ય વ્યવસ્થાકીય સમસ્યાઓ અંગે વિવિધ ધાર્મિક તથા સામાજિક સંગઠનોએ રજૂઆતો કરી હતી. જિલ્લા વહીવટીતંત્રે આ રજૂઆતો અને સ્થળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રતિબંધનો નિર્ણય લીધો હતો. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે પ્રતિબંધથી રેસ્ટોરન્ટ્સનો સમગ્ર વ્યવસાય બંધ થતો નથી. પ્રતિબંધિત વિસ્તારમાં રેસ્ટોરન્ટ સંચાલકો શાકાહારી ભોજન પીરસી શકે છે અને નોનવેજનો વ્યવસાય પ્રતિબંધિત વિસ્તારની બહાર ચાલુ રાખી શકે છે. સરકારના મતે આ નિયંત્રણો ચોક્કસ માર્ગો અને વિસ્તાર પૂરતાં મર્યાદિત હોવાથી તેને સંપૂર્ણ વ્યવસાય પ્રતિબંધ ગણાવી શકાય નહીં.

આ દલીલોના સમર્થનમાં સરકારે સુપ્રીમ કોર્ટના ‘ઓમ પ્રકાશ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય’ના 2004ના ચુકાદાનો આધાર લીધો હતો. આ કેસમાં ઋષિકેશ નગરપાલિકાના નિયમો હેઠળ માંસ, માછલી અને ઈંડાંના વેચાણ પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો મુદ્દો હતો. સુપ્રીમ કોર્ટે સંબંધિત નિયમોને માન્ય રાખ્યા હતા. રાજ્ય સરકારે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના 2026ના ‘રાજિન્દર કુમાર વિરુદ્ધ પંજાબ રાજ્ય’ના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમાં અમૃતસરના ચોક્કસ વિસ્તારમાં માંસ સહિતની કેટલીક વસ્તુઓના વેચાણ પરના નિયંત્રણોનો મુદ્દો હતો. આ ઉપરાંત અલ્હાબાદ હાઇકોર્ટના ‘શાહિદા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય’ના 2022ના ચુકાદાનો પણ આધાર લેવામાં આવ્યો હતો.

સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ‘સ્ટેટ ઑફ ગુજરાત વિરુદ્ધ મિર્ઝાપુર મોતી કુરેશી કસાબ જમાત’ના સાત જજોની બેન્ચના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સરકારના મતે આ ચુકાદામાં જાહેરહિત અને મૂળભૂત અધિકારો વચ્ચે સંતુલન સાધીને અમુક વેપાર પર પ્રતિબંધને વાજબી ગણવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે બંધારણના અનુચ્છેદ 51A હેઠળ નાગરિકોની મૂળભૂત ફરજોને પણ આ પ્રકારના મુદ્દાઓમાં ધ્યાનમાં લેવી જોઈએ.

સિંગલ જજે કયા આધારે પ્રતિબંધ રદ કર્યો?

સિંગલ જજ જસ્ટિસ નિશા એમ. ઠાકોરે 30 ઑક્ટોબર 2026ના રોજ ચુકાદો આપતા મુખ્યત્વે બે કાનૂની મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પહેલો મુદ્દો એ હતો કે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટને રેસ્ટોરન્ટમાં નોનવેજ ખોરાક પીરસવા પર પ્રતિબંધ મૂકવાની સત્તા છે કે નહીં. બીજો મુદ્દો એ હતો કે આ પ્રતિબંધ બંધારણના અનુચ્છેદ 19(1)(g) હેઠળ મળતા વ્યવસાયના અધિકાર પર વાજબી નિયંત્રણ છે કે નહીં. ચુકાદામાં જસ્ટિસ ઠાકોરે સોમનાથ મંદિરના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વનો સ્વીકાર કર્યો હતો. તેમણે સોમનાથને બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાવ્યું હતું અને તેને હિંદુઓની અખંડ ભક્તિનું પ્રતીક ગણાવ્યું હતું. ચુકાદામાં ભાલકા તીર્થ અને ત્રિવેણી સંગમ સહિત આસપાસનાં અન્ય પવિત્ર સ્થળોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ કોર્ટે વેપારના અધિકાર અને ધાર્મિક લાગણીઓ વચ્ચે સંતુલન સાધવાના બંધારણીય સિદ્ધાંતોના આધારે પ્રતિબંધની કાનૂની માન્યતા તપાસી હતી.

જસ્ટિસ ઠાકોરે નોંધ્યું હતું કે જાહેરનામાથી રેસ્ટોરન્ટમાં નોનવેજ ખોરાકની તૈયારી, વેચાણ અને સંગ્રહ પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવા કિસ્સામાં રાજ્ય સરકારે સાબિત કરવું જરૂરી છે કે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો અનિવાર્ય હતો અને તેના કરતાં ઓછા પ્રતિબંધાત્મક કોઈ વિકલ્પ ઉપલબ્ધ નહોતો. કોર્ટે જણાવ્યું હતું કે અનુચ્છેદ 25 હેઠળ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર પણ બંધારણના અન્ય મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખીને લાગુ પડે છે. એક અધિકારના અમલમાં બીજા મૂળભૂત અધિકારોને અવગણી શકાય નહીં. ચુકાદામાં કોર્ટે ‘મોહમ્મદ હનીફ કુરેશી વિરુદ્ધ બિહાર રાજ્ય’ના ચુકાદાની ચર્ચા કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ધાર્મિક લાગણીઓના આધારે વેપાર પર લાદવામાં આવતા પ્રતિબંધોની વાજબીપણાની કસોટી કરી હતી. સિંગલ જજે નોંધ્યું હતું કે કોઈ ચોક્કસ ધાર્મિક પ્રથા અનુચ્છેદ 25 હેઠળ આવશ્યક ધાર્મિક પ્રથા છે કે નહીં તે પણ સંબંધિત કાનૂની પ્રશ્ન બની શકે છે.

જસ્ટિસ ઠાકોરે ભગવદ્ ગીતાના સત્તરમા અધ્યાય ‘શ્રદ્ધાત્રય વિભાગ યોગ’નો ઉલ્લેખ કરીને ખોરાકના સાત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ ગુણોનું વર્ગીકરણ નોંધ્યું હતું. ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે સાત્વિક આહારને આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે, પરંતુ અન્ય પ્રકારના આહાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. કોર્ટે એવું પણ નોંધ્યું હતું કે હિંદુ ધર્મમાં અલગ-અલગ પ્રદેશો પ્રમાણે ખોરાકની પસંદગી અને પરંપરાઓમાં વિવિધતા જોવા મળે છે. આ આધારે સિંગલ જજે નોનવેજ ખોરાકના જાહેર પ્રદર્શનને આવશ્યક ધાર્મિક પ્રથા ગણવાનો ઇનકાર કર્યો હતો.

કોર્ટે પ્રતિબંધની વાજબીપણાની તપાસ માટે ‘પ્રોપોર્શનાલિટી’ એટલે કે પ્રમાણસરતાના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો. આ કસોટી હેઠળ ચાર બાબતો જોવાની હોય છે. પ્રતિબંધ પાછળનો હેતુ કાયદેસર છે કે નહીં, તે હેતુ પ્રાપ્ત કરવા માટે પ્રતિબંધ યોગ્ય છે કે નહીં, તેના કરતાં ઓછો પ્રતિબંધાત્મક પરંતુ અસરકારક વિકલ્પ ઉપલબ્ધ છે કે નહીં અને પ્રતિબંધથી સંબંધિત વ્યક્તિના અધિકાર પર અપ્રમાણસર અસર તો થતી નથી ને. સિંગલ જજના મતે રાજ્ય સરકાર આ કસોટી પર કાયમી પ્રતિબંધને યોગ્ય ઠેરવી શકી નહોતી.

ચુકાદામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સના નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ નિયમો અનુસાર લાઇસન્સ ધરાવતી માંસની દુકાન અને ધાર્મિક સ્થળ વચ્ચે ઓછામાં ઓછું 50 મીટરનું અંતર હોવું જોઈએ. જો દુકાન ધાર્મિક સ્થળના પ્રવેશદ્વારની સામે હોય તો આ અંતર ઓછામાં ઓછું 100 મીટર હોવું જોઈએ. સિંગલ જજે નોંધ્યું હતું કે અરજદારોનાં લાઇસન્સમાં આવી કોઈ ચોક્કસ શરત મૂકવામાં આવી નહોતી. તેમના મતે સ્વચ્છતા, માંસના પ્રદર્શન અને પરિવહન અંગે નિયંત્રણો લાદીને પણ ધાર્મિક લાગણીઓ અને વેપારના અધિકાર વચ્ચે સંતુલન સાધી શકાય તેમ હતું.

સૌથી મહત્વનો કાનૂની મુદ્દો ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33નો હતો. સિંગલ જજે જણાવ્યું હતું કે આ કલમ જાહેર મનોરંજન અને મનોવિનોદનાં સ્થળોનું નિયંત્રણ, જાહેર સલામતી, ટ્રાફિક અને વ્યવસ્થા જાળવવા માટે સત્તા આપે છે. પરંતુ તે રેસ્ટોરન્ટમાં કયો ખોરાક પીરસવો તેના પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપતી નથી. ચુકાદામાં નોંધવામાં આવ્યું હતું કે ગુજરાત અધિનિયમ નંબર 8, 2018 દ્વારા કલમ 33 હેઠળ ‘ઈટિંગ હાઉસ’ની નોંધણી સંબંધિત જોગવાઈ દૂર કરવામાં આવી હતી. આથી, જિલ્લા મેજિસ્ટ્રેટને આ કાયદા હેઠળ કોઈ કાયદેસર વ્યવસાય પર કાયમી પ્રતિબંધ મૂકવાની સત્તા નથી.

જસ્ટિસ ઠાકોરે અંતે 10 ઑગસ્ટ 2026નું જાહેરનામું ગુજરાત પોલીસ અધિનિયમની જોગવાઈઓ અને બંધારણના અનુચ્છેદ 19(1)(g)ની વિરુદ્ધ ગણાવીને રદ કર્યું હતું. ચુકાદા બાદ રાજ્ય સરકાર તરફથી ગવર્નમેન્ટ પ્લીડર જી. એચ. વિર્કે આદેશ પર સાત દિવસની રોક મૂકવાની માગ કરી હતી, જેથી રાજ્ય સરકાર ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી શકે. જોકે, સિંગલ જજે આ માગ ફગાવી દીધી હતી. ચુકાદામાં અરજદારોની આજીવિકાને થયેલી અસરનો ઉલ્લેખ કરીને રોક આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

જોકે, સિંગલ જજે રેસ્ટોરન્ટ સંચાલકોને કેટલીક શરતોનું પાલન કરવાનો આદેશ પણ આપ્યો હતો. રેસ્ટોરન્ટના દરવાજા બંધ રાખવા અને ઘેરા કાચ લગાવવા, પશુઓનાં મૃતદેહ જાહેર માર્ગ પરથી દેખાય એ રીતે ન રાખવા, રસોડા અને સમગ્ર પરિસરમાં સ્વચ્છતા જાળવવી, કચરો ખુલ્લામાં ન ફેંકવા અને ખુલ્લી જગ્યામાં કામગીરી ન કરવા જણાવાયું હતું. માંસના મૃતદેહોના પરિવહન માટે ઇન્સ્યુલેટેડ રેફ્રિજરેટેડ વાનનો ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.

રાજ્ય સરકારની ગણતરીના કલાકોમાં અપીલ, સાંજે 5:30 વાગ્યે ફરી સુનાવણી

સિંગલ જજનો ચુકાદો 30 ઑક્ટોબરના રોજ બપોરે આશરે 3 વાગ્યે જાહેર થયો હતો. ચુકાદો આવ્યા બાદ રાજ્ય સરકારે તરત જ તેની સામે લેટર્સ પેટન્ટ અપીલ નંબર 886/2026 દાખલ કરી હતી. રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, ગવર્નમેન્ટ પ્લીડર જી. એચ. વિર્ક અને એજીપી ધરિત્રી પંચોળી તથા બ્રીજેન્સિંહ ઠાકુર ડિવિઝન બેન્ચ સમક્ષ હાજર રહ્યા હતા. બીજી તરફ રેસ્ટોરન્ટ સંચાલકો તરફથી એડવોકેટ અસરાર એલ. મન્સૂરીએ દલીલો રજૂ કરી હતી. આ કેસની સંવેદનશીલતા અને સિંગલ જજનો ચુકાદો એ જ દિવસે આવ્યો હોવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગવર્નમેન્ટ પ્લીડર વિર્કે તાત્કાલિક સુનાવણી માટે વિશેષ રજૂઆત કરી હતી. ડિવિઝન બેન્ચે મંજૂરી આપતા સાંજે આશરે 5:30 વાગ્યે કોર્ટ ફરી બેઠી હતી અને અપીલ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તે સમયે સિંગલ જજનો વિગતવાર ચુકાદો અપલોડ થયો નહોતો. આમ, એક જ દિવસમાં બપોરે પ્રતિબંધ રદ થયો અને સાંજે રાજ્ય સરકારની અપીલ પર ડિવિઝન બેન્ચે તેના અમલ પર રોક લગાવી દીધી.

ડિવિઝન બેન્ચમાં ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મનાશ રંજન પાઠક અને જસ્ટિસ નિર્જર એસ. દેસાઈ સામેલ હતા. રાજ્ય સરકારે આ અપીલમાં પણ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1)(w) હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટને મળતી સત્તાનો આધાર લીધો હતો. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સુપ્રીમ કોર્ટના ‘ઓમ પ્રકાશ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય’ના ચુકાદા ઉપરાંત પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ‘રાજિન્દર કુમાર વિરુદ્ધ પંજાબ રાજ્ય’ અને અલ્હાબાદ હાઇકોર્ટના ‘શાહિદા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય’ના ચુકાદાઓ રજૂ કર્યા હતા.

સરકારની દલીલ હતી કે આ ચુકાદાઓમાં ધાર્મિક મહત્વ ધરાવતા વિસ્તારોમાં જાહેરહિત અને વ્યવસ્થા જાળવવા માટે આવા વાજબી નિયંત્રણો મૂકવાની કાનૂની જોગવાઈને માન્યતા આપવામાં આવી છે. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હજુ પણ અમલમાં છે અને પંજાબ તથા હરિયાણા તેમજ અલ્હાબાદ હાઇકોર્ટના તાજેતરના ચુકાદાઓમાં પણ આ પ્રકારનાં નિયંત્રણોને માન્ય ગણવામાં આવ્યાં છે. રાજ્ય સરકારના મતે સિંગલ જજે આ ન્યાયિક ચુકાદાઓને ધ્યાનમાં રાખીને જાહેરનામાની કાનૂની માન્યતા તપાસવી જોઈતી હતી.

દિવાળી અને નવા વર્ષમાં લાખો શ્રદ્ધાળુઓ આવશે- રાજ્ય સરકાર

ડિવિઝન બેન્ચ સમક્ષ રાજ્ય સરકારે દિવાળી અને ગુજરાતી નવા વર્ષના તહેવારોનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે તહેવારોની રજાઓ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિર અને તેની આસપાસનાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાના છે. આવા સમયે નિર્દિષ્ટ વિસ્તારોમાં માંસ, માછલી અને નોનવેજ વાનગીઓ લઈ જવાની કે તેની અવરજવર થવાની મંજૂરી આપવામાં આવે તો મંદિરના શ્રદ્ધાળુઓ અને ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. આ ઉપરાંત સંબંધિત સ્થળો અને આસપાસના વિસ્તારોમાં અવરોધ, અસુવિધા, જોખમ કે નુકસાન થવાની શક્યતા પણ રાજ્ય સરકારે વ્યક્ત કરી હતી.

બીજી તરફ અરજદારોના વકીલ મન્સૂરીએ ફરી દલીલ કરી હતી કે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1)(w) હેઠળની જોગવાઈ જાહેર મનોરંજન કે મનોવિનોદનાં સ્થળો માટે છે. રેસ્ટોરન્ટ્સને આ જોગવાઈ હેઠળ આવરી લઈને તેમાં પીરસાતા ખોરાક પર પ્રતિબંધ મૂકવો કાયદેસર નથી. આ દલીલના સમર્થનમાં તેમણે કલમ 33(1)(w)ની જોગવાઈ કોર્ટ સમક્ષ મૂકી હતી.

ડિવિઝન બેન્ચે શું કહ્યું અને શું આદેશ આપ્યો?

ડિવિઝન બેન્ચે બંને પક્ષોની દલીલો સાંભળી, રેકોર્ડ પરની સામગ્રી અને એડવોકેટ જનરલ દ્વારા રજૂ કરવામાં આવેલા કાનૂની ચુકાદાઓની નોંધ લીધી હતી. આ દરમિયાન બેન્ચે નોંધ્યું હતું કે અરજદારો તરફથી હાજર વકીલ મન્સૂરી સુપ્રીમ કોર્ટ અથવા અન્ય કોઈ હાઇકોર્ટનો એવો એક પણ ચુકાદો રજૂ કરી શક્યા નહોતા, જેમાં આ મુદ્દે વિરોધાભાસી અભિગમ અપનાવવામાં આવ્યો હોય. ડિવિઝન બેન્ચે દિવાળી અને ગુજરાતી નવા વર્ષ દરમિયાન સોમનાથ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની સંભાવનાને પણ ધ્યાનમાં લીધી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બેન્ચે જિલ્લા મેજિસ્ટ્રેટનું 10 ઑગસ્ટ 2026નું જાહેરનામું આગામી સુનાવણીની તારીખ સુધી અમલમાં રાખવાનો આદેશ આપ્યો હતો. સાથે જ સિંગલ જજ જસ્ટિસ નિશા એમ. ઠાકોરે 30 ઑક્ટોબરના રોજ આપેલા ચુકાદાના અમલ પર આગળના આદેશ સુધી રોક લગાવી દીધી હતી.

કોર્ટે રાજ્ય સરકારની અપીલમાં નોટિસ જારી કરીને 25 નવેમ્બર 2026ના રોજ જવાબ માટેની તારીખ નક્કી કરી હતી. ડિવિઝન બેન્ચે એ પણ આદેશ આપ્યો હતો કે આ કેસની સાથે વર્ષ 2018માં દાખલ થયેલી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 14356/2018ની પણ સુનાવણી કરવામાં આવે. આ જૂની અરજીમાં 2018માં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાએ જાહેર કરેલા વેજ ઝોનને પડકારવામાં આવ્યો હતો. તે અરજી જોકે હજુ પેન્ડિંગ છે અને તેમાં અરજદારોને કોઈ વચગાળાની રાહત આપવામાં આવી નથી, એવી રજૂઆત પણ રાજ્ય સરકારે ડિવિઝન બેન્ચ સમક્ષ કરી હતી.

હોટેલોનાં નામ

આ કેસમાં સાત અરજદારો હોવાની વાત સિંગલ જજના ચુકાદામાં સ્પષ્ટ છે. કેસના શીર્ષકમાં મુખ્ય અરજદાર તરીકે ‘એમ/એસ તાજ રેસ્ટોરન્ટના માલિક આકિબ અમીનભાઈ ખાન’નું નામ આપવામાં આવ્યું છે. જોકે ચુકાદામાં અન્ય નામો નથી, પરંતુ અહેવાલોમાં તે સિવાય જે. એમ. રેસ્ટોરન્ટ, ખ્વાજા હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, ન્યૂ ગુલાબ અને કિસ્મત રેસ્ટોરન્ટનાં નામો આપવામાં આવ્યાં છે.

એટલે કે સોમનાથ મંદિર આસપાસ નોનવેજ પ્રતિબંધનો મુદ્દો હવે ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ છે. એક તરફ રાજ્ય સરકાર સોમનાથની ધાર્મિક ઓળખ, શ્રદ્ધાળુઓની લાગણીઓ અને જાહેર વ્યવસ્થાના આધારે પ્રતિબંધને યોગ્ય ઠેરવી રહી છે તો બીજી તરફ આવા રેસ્ટોરન્ટ સંચાલકો વેપારના બંધારણીય અધિકાર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કાનૂની સત્તાના વ્યાપનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. 25 નવેમ્બરે થનારી સુનાવણીમાં આ બંને પક્ષોની દલીલો અને 2018થી પેન્ડિંગ રહેલો સંબંધિત કેસ પણ કોર્ટ સમક્ષ આવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં