
ગુજરાત હાઇકોર્ટે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારોમાં નોનવેજ ખાદ્યપદાર્થોના વેચાણ, સંગ્રહ અને તૈયારી પર પ્રતિબંધ મૂકતા રાજ્ય સરકારના જાહેરનામાને રદ કરી દીધું છે. શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026ના રોજ જસ્ટિસ નિશા એમ. ઠાકોરે છ રેસ્ટોરન્ટ માલિકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ નિર્ણય આપ્યો હતો. ચુકાદા બાદ રાજ્ય સરકારે આદેશના અમલ પર સાત દિવસનો સ્ટે માગ્યો હતો, જેથી તે ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી શકે. જોકે, હાઇકોર્ટે સરકારની આ માગ પણ ફગાવી દીધી હતી.
આ નિર્ણય સાથે સોમનાથ મંદિરની આસપાસ નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના પ્રયાસને હાઇકોર્ટે નિષ્ફળ બનાવ્યો છે. જોકે, હાઇકોર્ટના વિગતવાર ચુકાદાની નકલ હજુ ઉપલબ્ધ થઈ નથી. પરિણામે કોર્ટે કયા ચોક્કસ કાનૂની આધારો પર સરકારનું જાહેરનામું રદ કર્યું છે તે અંગે અત્યારે સ્પષ્ટ વિગતો સામે આવી નથી.
રાજ્ય સરકારે સોમનાથની ધાર્મિક પવિત્રતાનો આપ્યો હતો હવાલો
ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યા ઉપરાંત આસપાસનાં કેટલાંક ધાર્મિક સ્થળો અને મુખ્ય માર્ગો પર નોનવેજના વેચાણ તથા સંગ્રહ પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના નિર્ણયને છ રેસ્ટોરન્ટ માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે 21 ઑક્ટોબરે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે પોતાના નિર્ણયનો મજબૂત બચાવ કર્યો હતો.
રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સરકારી વકીલ જી.એચ. વિર્કે કોર્ટમાં દલીલ કરી હતી કે સોમનાથને માત્ર એક વ્યાપારી કેન્દ્ર તરીકે જોઈ શકાય નહીં. પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સોમનાથનું ધાર્મિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ છે. દેશભરમાંથી કરોડો હિંદુ શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. આવા પવિત્ર યાત્રાધામના ધાર્મિક સ્વરૂપ અને તીર્થયાત્રાના માર્ગોની પવિત્રતા જાળવવી જરૂરી છે.
રાજ્ય સરકારે કોર્ટમાં આંકડા રજૂ કરીને જણાવ્યું હતું કે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન જ 1.16 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સરકારે દલીલ કરી હતી કે શ્રદ્ધાળુઓ જ્યારે આ માર્ગો પરથી પદયાત્રા કે તીર્થયાત્રા કરતા પસાર થાય છે ત્યારે તેમને કોઈ અડચણ ન પડે તે માટે નોનવેજના વેચાણ પર પ્રતિબંધ જરૂરી છે.
સરકારે એમ પણ જણાવ્યું હતું કે આ નિર્ણયથી રેસ્ટોરન્ટ માલિકોનો સમગ્ર વ્યવસાય બંધ થતો નથી. તેઓ સંબંધિત સ્થળોએ શાકાહારી ભોજન વેચી શકે છે અને પ્રતિબંધિત વિસ્તારની બહાર કાયદાને આધીન રહીને નોનવેજનો વ્યવસાય પણ કરી શકે છે.
ઋષિકેશ, અયોધ્યા અને તિરુપતિનાં ઉદાહરણો પણ રજૂ કરાયાં
રાજ્ય સરકારે પોતાની દલીલના સમર્થનમાં દેશનાં અન્ય ધાર્મિક સ્થળોએ લાગુ કરવામાં આવેલી સમાન વ્યવસ્થાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમાં ઋષિકેશ, હરિદ્વાર, અમૃતસર, મથુરા-વૃંદાવન, અયોધ્યા, તિરુપતિ-તિરુમાલા, વૈષ્ણોદેવી અને સમ્મેદ શિખરજીનો સમાવેશ થાય છે.
સરકારની દલીલ હતી કે દેશનાં અન્ય પવિત્ર યાત્રાધામોમાં પણ ધાર્મિક મહત્વ અને શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખીને આવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સોમનાથમાં પણ આ જ દૃષ્ટિકોણથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
રેસ્ટોરન્ટ માલિકોએ વ્યવસાયના અધિકારનો આપ્યો હતો હવાલો
બીજી તરફ, અરજી દાખલ કરનારા રેસ્ટોરન્ટ માલિકોએ બંધારણના અનુચ્છેદ 19(1)(g) હેઠળ મળતા વ્યવસાય અને રોજગારના અધિકારનો હવાલો આપ્યો હતો. તેમની દલીલ હતી કે તેઓ બે દાયકાથી વધુ સમયથી કાયદેસર લાઇસન્સ સાથે રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે અને શાકાહારી તથા માંસાહારી બંને પ્રકારનું ભોજન પીરસે છે.
અરજી દાખલ કરનારા રેસ્ટોરન્ટ સંચાલકોમાં ‘તાજ રેસ્ટોરન્ટ્સ’નો પણ સમાવેશ થાય છે. અરજદારો તરફથી એડવોકેટ એ. એલ. મન્સૂરીએ હાઇકોર્ટમાં દલીલો કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે રેસ્ટોરન્ટ સંચાલકો બે દાયકાથી વધુ સમયથી કાયદેસર રીતે વ્યવસાય કરી રહ્યા છે અને સરકાર આ રીતે તેમના વ્યવસાય પર પ્રતિબંધ મૂકી શકે નહીં. તેમના મતે, કોઈ પણ બાબત કાયદાથી ઉપર ન હોય શકે. બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલ જી. એચ. વિર્ક હાજર રહ્યા હતા.
અરજદારો તરફથી દલીલ કરવામાં આવી હતી કે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1)(w) હેઠળ જિલ્લા વહીવટીતંત્રને આ રીતે કાયમી પ્રતિબંધ મૂકવાની સત્તા નથી. તેમના મતે, સરકારે પોતાના અધિકારક્ષેત્રની બહાર જઈને કાયદેસર વ્યવસાય પર રોક લગાવી છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે નોટિફિકેશનમાં નવા વિસ્તારો ઉમેરવા પાછળ પૂરતો આધાર રજૂ કરવામાં આવ્યો નથી.
રેસ્ટોરન્ટ માલિકોએ એવો પણ દાવો કર્યો હતો કે પ્રતિબંધને કારણે તેમના વ્યવસાય ઉપરાંત ત્યાં કામ કરતા કર્મચારીઓની રોજગારી પર પણ અસર થઈ રહી છે.
ઑગસ્ટમાં અમલમાં આવ્યો હતો નવો પ્રતિબંધ
સોમનાથમાં માંસાહારી ખાદ્યપદાર્થોના વેચાણ અને સંગ્રહને નિયંત્રિત કરવા માટે અગાઉ પણ જાહેરનામાં બહાર પાડવામાં આવ્યાં હતાં. વર્ષ 2006માં સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યામાં ઈંડાં, માંસ અને માછલીના વેચાણ તથા સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2018માં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાએ કેટલાક મુખ્ય માર્ગો પર શાકાહારી ઝોન બનાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ 2019માં પ્રતિબંધિત માર્ગોનો વ્યાપ વધારવામાં આવ્યો હતો.
જુલાઈ 2026માં રાજ્ય સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું હતું, જેને ઑગસ્ટમાં અમલમાં મૂકવામાં આવ્યું હતું. તેમાં ભાલકા મંદિર, ભીડિયા સર્કલ, શંખ સર્કલ, સફારી સર્કલ, ગીતા મંદિર અને હમીરજી સર્કલ સહિતના વિસ્તારો તથા સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યામાં માંસાહારી ખાદ્યપદાર્થોની તૈયારી, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે ગુજરાત હાઇકોર્ટે આ પ્રતિબંધ રદ કરી દીધો છે અને રાજ્ય સરકારને તાત્કાલિક રાહત આપવાનો પણ ઇનકાર કર્યો છે.

