બે દાયકા બાદ જામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીની જાહેરાત: વામપંથી ટોળાંએ મચાવ્યો હતો ઉત્પાત, દીવાલો પર ચિતર્યા હતા હિંદુવિરોધી, પ્રો-ઇસ્લામિસ્ટ નારા

હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટી પ્રશાસને વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો છે. પાછલા 20 વર્ષથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ થતી નહોતી. સોમવાર, 26 ઑક્ટોબરે યુનિવર્સિટી પ્રશાસને આ અંગે આદેશ જાહેર કર્યો હતો. આદેશ મુજબ વિદ્યાર્થી સંઘના બંધારણને મંજૂરી મળ્યાના 15 દિવસ બાદ ચૂંટણી યોજાશે. જોકે હજી બંધારણને મંજૂરી મળી નથી, તેથી ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે જામિયા મિલિયા ઇસ્લામિયામાં છેલ્લે 2005માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ 2006માં યુનિવર્સિટી પ્રશાસને વિદ્યાર્થી સંઘને ભંગ કરી દીધો હતો. પ્રશાસનના જણાવ્યા પ્રમાણે, તે સમયે કેમ્પસમાં વારંવાર હિંસક ઘર્ષણ થતું હતું, શિક્ષકો પર હુમલાની ઘટનાઓ બની હતી અને શૈક્ષણિક કામગીરીમાં પણ અડચણો આવતી હતી. આ ઘટનાઓ બાદ વિદ્યાર્થી સંઘને ભંગ કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી ચૂંટણી યોજાઇ નથી. હવે લગભગ બે દાયકા બાદ ફરી ચૂંટણી યોજવાની જાહેરાત થઈ છે.

યુનિવર્સિટીએ કેમ લીધો આ નિણર્ય

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી સંઘની ચૂંટણીની માંગ સાથે 12 ઑક્ટોબરથી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન શરૂ થયાં હતાં. કેટલાક ‘વિદ્યાર્થીઓ’એ ભૂખ હડતાળ સાથે ભારે ઉત્પાત મચાવ્યો હતો. આ લોકોની માંગ હતી કે યુનિવર્સિટી ચૂંટણીની તારીખ જાહેર કરે અને વિદ્યાર્થી સંઘ ફરી શરૂ કરે. બીજી તરફ, પ્રશાસને વિદ્યાર્થી સંઘનું નવું બંધારણ તૈયાર કરવા માટે સમિતિ બનાવી હતી. જોકે, પ્રદર્શનકારીઓ બંધારણ તૈયાર કરવાની જગ્યાએ ચૂંટણીનું ટાઈમટેબલ જાહેર કરવાની જિદ્દ કરી રહ્યા હતા.

દેશવિરોધી અને પ્રો-ઇસ્લામિસ્ટ નારા

આ પ્રદર્શન દરમિયાન 22 અને 23 ઑક્ટોબરની આસપાસ યુનિવર્સિટીની દીવાલો પર પ્રો-ઇસ્લામિસ્ટ ને RSS-ABVP તથા દેશવિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર દીવાલો પર ‘ફ્રી કાશ્મીર’, ‘ફ્રી શરજીલ ઈમામ’, ‘ફ્રી પેલેસ્ટાઇન’, ‘RSS ગો બેક’, ‘ડેથ ટુ RSS’, ‘ડેથ ટુ ABVP’ અને ‘VC ગો બેક’ જેવા નારાઓ ચિતરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આ સૂત્રો જ્યાં લખાયેલ હતા ત્યાં કેટલાક CCTV કેમેરા તૂટેલા હોવાનું સામે આવ્યું હતું.

જોકે આ નારાઓ ચીતરાયાના અહેવાલો સામે આવતા પ્રશાસને દીવાલો સાફ કરાવી દીધી હતી. આ સાથે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ સૂત્રો લખનારા લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે, તેમની ઓળખ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

પ્રદર્શન દરમિયાન ઘર્ષણ

ઉલ્લેખનીય છે કે 17 ઑક્ટોબરે વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ ફરી શરૂ કરવાની માંગના નામે ગાલિબ લૉન પર પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. આ દરમિયાન વિરોધના નામે યુનિવર્સિટીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને વહીવટીતંત્ર દ્વારા સ્થિતિ સુધારવાના સતત પ્રયાસો છતાં પ્રદર્શનકારીઓ પોતાની હઠ પર અડેલા રહ્યા હતા, જેના કારણે કેમ્પસમાં તણાવ સતત વધતો રહ્યો હતો.

ત્યારબાદ 24 ઑક્ટોબરે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, વરિષ્ઠ અધિકારીઓ અને શિક્ષકો પ્રદર્શનકારીઓને સમજાવવા માટે પહોંચ્યા ત્યારે સ્થિતિ વધુ વણસી. વહીવટીતંત્રના અધિકારીઓએ લગભગ બે કલાક સુધી પ્રદર્શનકારીઓને શાંતિપૂર્વક સ્થળ ખાલી કરવા માટે સમજાવ્યા હતા, પરંતુ વાટાઘાટોનો કોઈ ઉકેલ આવ્યો નહોતો. યુનિવર્સિટી પ્રશાસનના જણાવ્યા અનુસાર આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ સુરક્ષાકર્મીઓ, શિક્ષકો અને કર્મચારીઓ સાથે ધક્કામુક્કી અને અસભ્ય વર્તન કર્યું હતું.

બીજી તરફ, લેફ્ટ વિદ્યાર્થી સંગઠન ‘સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા’ની (SFI) જામિયા શાખાએ વિક્ટિમ કાર્ડ રમવાનું શરૂ કર્યું હતું. SFIએ આરોપ લગાવ્યો કે અધિકારીઓએ ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને બળજબરીથી હટાવવાનો પ્રયાસ કર્યો, તંબુઓ તોડી પાડ્યા અને મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી.

બીજી તરફ કેમ્પસમાં સામાન્ય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી પ્રશાસને 24 ઑક્ટોબરે, તમામ અભ્યાસક્રમોના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઇન મોડમાં ચલાવવાનો નિર્ણય લીધો છે. વહીવટીતંત્રએ વિદ્યાર્થીઓને કેમ્પસમાં ન આવવાની સલાહ આપી છે અને ગેટ તથા લાઇબ્રેરીઓ બંધ કરી દીધી છે, જેથી ઉપદ્રવીઓ સ્થિતિનો વધુ ગેરલાભ ન ઉઠાવી શકે.

કોંગી નેતાઓની પણ એન્ટ્રી

આ સમગ્ર વિવાદમાં રાજકીય રોટલા શેકવા માટે વિપક્ષી નેતાઓ પણ કૂદી પડ્યા હતા. 23 ઑક્ટોબરની સાંજે કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદ, ઈમરાન પ્રતાપગઢી અને સમાજવાદી પાર્ટીના સાંસદ મૌલાના મોહિબુલ્લાહ નદવી પ્રદર્શનકારીઓને ભડકાવવા પહોંચ્યા હતા. જોકે દિલ્હી પોલીસે સાંસદોની યુનિવર્સિટીની બહારથી જ અટકાયત કરી લીધી હતી. અટકાયત બાદ SP સાંસદે પોલીસ પર ધક્કામુક્કીનો આરોપ લગાવ્યો હતો, જ્યારે કોંગ્રેસ સાંસદે પ્રદર્શનકારીઓનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ કેસમાં યુનિવર્સિટી પ્રશાસને રાજકીય નેતાઓ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. 25 ઑક્ટોબરે જામિયા પ્રશાસને દિલ્હી પોલીસ પાસે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેમાં કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદ, ઇમરાન પ્રતાપગઢી અને અન્ય લોકો પર યુનિવર્સિટી કેમ્પસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો અને અશાંતિ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.