
ભારત સરકારની ગુપ્તચર અને તપાસ એજન્સી ‘ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ’એ ‘ઑપરેશન ડીપ મેનિફેસ્ટ’ હેઠળ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કામગીરી દરમિયાન પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસાડવામાં આવેલ 7,311 મેટ્રિક ટન (આશરે 73 લાખ કિલો) ઔદ્યોગિક અને હિમાલયન રોક સાલ્ટ (સિંધવ મીઠું) પકડી પાડવામાં આવ્યું છે.
DRIની તપાસમાં સામે આવ્યું કે કુલ 295 કન્ટેનરમાં આ મીઠું ભારત લાવવામાં આવ્યું હતું. માર્ચ 2026થી નવ આયાતકારોએ કંડલા અને મુંદ્રા બંદર મારફતે આ માલ મંગાવ્યો હતો. જપ્ત કરવામાં આવેલા આ મીઠાના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ₹30 કરોડ જેટલી છે.
આ ગેરકાયદે કૌભાંડમાં સામેલ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આયાતકાર કંપનીના માલિકો, કસ્ટમ બ્રોકર અને દુબઈ સ્થિત સપ્લાયરનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે માર્ચ 2026થી લઈને અત્યાર સુધીમાં કુલ 9 આયાતકારોએ 295 જેટલા મોટા કન્ટેનર્સ ગુજરાતના કંડલા અને મુંદ્રા બંદર મારફતે ભારતમાં મંગાવ્યાં હતા. કંડલા બંદરેથી પોલીસે ₹24.42 લાખની કિંમતનો 140 ટન જથ્થો સીઝ કર્યો છે અને વેપારીઓના બેન્ક એકાઉન્ટમાં પડેલા ₹20.96 લાખ પણ જપ્ત કર્યા છે.
કોલંબો થઈને ભારતમાં ઘૂસાડવામાં આવ્યો માલ
નોંધનીય છે કે ભારતમાં પાકિસ્તાની વસ્તુઓ પર પ્રતિબંધ હોવાથી આ કૌભાંડીઓએ માલ સીધા ભારત મોકલવાને બદલે પહેલા માલ શ્રીલંકાના કોલંબો બંદરે પહોંચાડ્યો હતો. ત્યાંથી બનાવટી કાગળો તૈયાર કરીને માલ પાકિસ્તાનનો નથી પરંતુ અન્ય દેશનો છે તેવું દર્શાવીને તેને ભારતના બંદરો પર મોકલવામાં આવતો હતો.
આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં પાકિસ્તાન, UAE, શ્રીલંકા અને ભારતના નાગરિકોની મિલીભગત સામે આવી છે. દુબઈની બનાવટી કંપનીઓના નામે ખોટા બિલ અને સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા હતા. જોકે, શ્રીલંકા કસ્ટમ્સના ઓરિજિનલ કાગળો તપાસતા ખબર પડી કે માલ મૂળ પાકિસ્તાનનો જ હતો.
દેશભરમાં હાથ ધરાયેલા દરોડા
ચોક્કસ બાતમીના આધારે DRIએ 26 સપ્ટેમ્બરથી 11 ઑક્ટોબર 2026 દરમિયાન સળંગ 15 દિવસ સુધી મોટું સર્ચ ઑપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન ગુજરાતના ગંધીધામ, આદિપુર અને વેરાવળ ઉપરાંત દિલ્હી, મુંબઈ, પુણે, પટિયાલા અને પાનિપત જેવાં શહેરોમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં કસ્ટમ્સ એક્ટ હેઠળ આયાતકાર કંપનીના બે માલિકો, કસ્ટમ બ્રોકર અને દુબઈના સપ્લાયર સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ગયા મહિને પણ DRIએ નાસિક ખાતેથી મુંબઈની એક પેઢીએ આ જ રીતે ગેરકાયદેસર મંગાવેલો 3.62 લાખ કિલો પાકિસ્તાની ખજૂરનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઘટનાઓ દર્શાવે છે કે કેટલાક તત્વો અન્ય દેશો મારફતે ખોટા કાગળો બનાવી પાકિસ્તાની સામાન ભારતમાં ઘૂસાડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. DRI એ સ્પષ્ટ કર્યું છે કે દેશની આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરતા આવા નેટવર્ક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

