
અમદાવાદમાં 13 ઑક્ટોબર, 2026ના રોજ પાડોશી દેશોમાંથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ સોલા સ્થિત SAL ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં કુલ 158 શરણાર્થીઓને સત્તાવાર રીતે ભારતીય નાગરિકતાનાં પ્રમાણપત્રો એનાયત કર્યાં છે.
આ ખાસ કાર્યક્રમમાં એનાયત કરાયેલાં 158 પ્રમાણપત્રોમાંથી 126 લાભાર્થીઓને સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) હેઠળ અને અન્ય 32 લોકોને કલેક્ટર કચેરી દ્વારા હાથ ધરાયેલી કાયદાકીય પ્રક્રિયા મારફતે ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને હજુ વાર છે, પરંતુ ભારતીય નાગરિકતા મળવાની સાથે જ આ શરણાર્થી પરિવારોમાં આજે જ દિવાળી જેવો ઉત્સવનો માહોલ સર્જાયો છે.
પીએમ મોદી અને ગૃહમંત્રી શાહનો માન્યો આભાર
તેમણે પાકિસ્તાન સહિતના દેશોમાં મજહબી ઉત્પીડનનો ભોગ બનીને ભારતમાં આશરો લેનારા લોકોને નાગરિકતા અપાવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો. CAAના મહત્વ પર ભાર મૂકતા હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે જે લોકો રાજકીય કારણોસર આ કાયદાનો વિરોધ કરે છે, તેઓ આ પીડિત પરિવારોએ સહન કરેલી યાતનાઓને સમજી શકતા નથી.
ભારતીય નાગરિકતા મળવાથી આ શરણાર્થી પરિવારોને સમાજમાં સ્વમાનભેર જીવવાનો અધિકાર મળ્યો છે અને ખાસ કરીને તેમનાં બાળકો માટે તબીબી, એન્જિનિયરિંગ તેમજ રમતગમત જેવાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કારકિર્દી બનાવવાની નવી તકો ઊભી થઈ છે.
158 refugees including 126 CAA beneficiaries get Indian citizenship certificates in Ahmedabad https://t.co/HklcMRGQXq https://t.co/K8gOG7lYRf
— DeshGujarat (@DeshGujarat) October 13, 2026
પીડિત પરિવારોના સંઘર્ષનો ઉલ્લેખ
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ પાકિસ્તાનથી આવેલા નિર્મળાજી, કુંવરબેન અને નંદલાલજી જેવા શરણાર્થી પરિવારોના ભૂતકાળના સંઘર્ષોનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમણે દિવ્યાંગ હોવા છતાં રમતગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરીને ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ લેવલે મેડલ જીતનારી ધારા સિંધુ નામની બાળકીની સિદ્ધિઓને પણ બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં પાકિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા નરેન્દ્ર કુમાર, શ્રવણ કુમાર અને શારદાબેન નામના પ્રતિનિધિઓએ પોતાના પરિવારો વતી વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. તેમણે આ દિવસને પોતાના જીવનનો સૌથી ગૌરવશાળી અને આનંદદાયક પ્રસંગ ગણાવ્યો હતો.
ગુજરાતના નાગરિક નોંધણી વિભાગના નિયામક સુજલ માયાત્રાએ માહિતી આપી હતી કે CAA, 2019 હેઠળ નિર્ધારિત માપદંડો પૂર્ણ કરતા શરણાર્થીઓને સરળતાથી નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થયો છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં 1,500થી વધુ લોકોને ભારતીય નાગરિકતા આપી દેવામાં આવી છે.
ભારત સરકારે 2016 અને 2018ની ગેઝેટ સૂચનાઓ દ્વારા જિલ્લા કલેક્ટરોને નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 5 અને 6 હેઠળ નાગરિકતા આપવાની સત્તા સોંપેલી છે. આ જોગવાઈ હેઠળ વર્ષ 2017થી 2025 દરમિયાન એકલા અમદાવાદ જિલ્લામાંથી 1,200થી વધુ લોકોને નાગરિકતાનાં પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે, જે દેશભરના જિલ્લાઓમાં સૌથી મોટો આંકડો છે.

