હોમપેજસ્પેશ્યલ‘અરાજકતામાં પોલીસ મૂકદર્શક બનીને ન રહી શકે’: 2019માં પથ્થરમારો-આગચંપી બાદ જામિયામાં ઘૂસી...

‘અરાજકતામાં પોલીસ મૂકદર્શક બનીને ન રહી શકે’: 2019માં પથ્થરમારો-આગચંપી બાદ જામિયામાં ઘૂસી હતી પોલીસ, કાર્યવાહી સામેની 8 અરજીઓ કોર્ટે ફગાવી

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે સામાન્ય પરિસ્થિતિમાં યુનિવર્સિટી જેવા કેમ્પસમાં પોલીસ કાર્યવાહી કરતી વખતે સંબંધિત પ્રશાસન સાથે સંકલન થવું જોઈએ. જોકે, જ્યારે કેમ્પસની અંદર અથવા આસપાસ હિંસા, ગંભીર ગુનો અથવા જાનમાલ માટે તાત્કાલિક જોખમ ઊભું થાય ત્યારે પોલીસ માત્ર યુનિવર્સિટી કેમ્પસ હોવાના કારણે મૂકદર્શક બનીને રહી શકે નહીં.

- Advertisement -

2019માં નાગરિકતા સંશોધન કાયદા એટલે કે CAA અને પ્રસ્તાવિત NRCના વિરોધના નામે દેશના અનેક વિસ્તારોમાં પ્રદર્શન થયાં હતાં. ઘણાબધા સ્થળોએ સ્થિતિ હિંસક બની હતી. આ જ ક્રમમાં દિલ્હીમાં સ્થિત વિવાદિત જામિયા મિલિયા ઇસ્લામિયા આસપાસના વિસ્તારમાં પણ હિંસા થઈ હતી અને આ હિંસા બાદ પોલીસની કાર્યવાહી ઇકોસિસ્ટમ માટે વિવાદનો વિષય બની હતી. 5 ઑક્ટોબર 2026ના રોજ દિલ્હી હાઇકોર્ટે આ જ ઘટનાને લગતી આઠ અરજીઓ પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો અને તમામ રિટ અરજીઓ ફગાવી દીધી.

સંસદમાં કાયદેસર રીતે CAA પસાર થયા બાદ જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં વિરોધના નામે દેશવિરોધી અને હિંદુવિરોધી તત્વો સક્રિય થઈ ગયા હતા. આ મામલો 13 ડિસેમ્બરના પ્રદર્શન બાદ 15 ડિસેમ્બર 2019ના રોજ અત્યંત હિંસક રૂપ ધારણ કરી ચૂક્યો હતો. ઉપદ્રવીઓ શાંતિપૂર્ણ પ્રદર્શનના નામે રસ્તાઓ પર ઉતર્યા અને દિલ્હી પોલીસના જવાનો પર સીધો અને આયોજિત પથ્થરમારો, સરકારી બસો અને વાહનોમાં આગચંપી તથા જાહેર સંપત્તિનો મોટાપાયે વિનાશ કરવામાં આવ્યો. દિલ્હી હાઇકોર્ટના ચુકાદામાં આ બધી જ બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ છે.

તે સમયે ઑપઇન્ડિયાએ આ તમામ ઘટનાઓ વિગતવાર રિપોર્ટ કરી હતી. અહેવાલ અનુસાર જામિયા નગરમાં બસો સળગાવવામાં આવી, પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને ‘હિંદુઓ સે આઝાદી’ જેવા વિવાદિત નારા લાગ્યા હતા. આ દરમિયાન ત્રણ બસોને આગ ચાંપવામાં આવી હતી અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ પર પણ હુમલો થયો હતો. આશંકા એવી પણ વ્યક્ત કરવામાં આવી હતી કે જામિયાના વિદ્યાર્થીઓ સિવાય આ હિંસક પ્રદર્શનમાં બહારના તત્વો પણ જોડાયા હતા.

- Advertisement -

પથ્થરમારાની સાથે પેટ્રોલ બૉમ્બ પણ ફેંક્યા હતા

આ ઉપરાંત ઉપદ્રવીઓએ પથ્થરમારાની સાથે પેટ્રોલ બૉમ્બ ફેંક્યા હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી. 2026ના દિલ્હી હાઇકોર્ટના ચુકાદાએ ઉપદ્રવીઓના પથ્થરમારા, બસો અને વાહનોમાં આગચંપી, સરકારી સંપત્તિના નાશ અને દિલ્હી પોલીસ પર થયેલા હિંસક હુમલાની તથ્યાત્મક નોંધ લીધી છે. કોર્ટે નોંધેલા આ તમામ પુરાવાઓ સ્પષ્ટ સાબિત કરે છે કે તે દિવસે જામિયામાં શાંતિપૂર્ણ વિરોધના નામે માત્ર ને માત્ર ઉગ્ર હિંસા અને અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

ઉપદ્રવીઓએ મચાવેલા ભીષણ ઉપદ્રવ અને હિંસાને ડામવા માટે જ્યારે સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરીને ભીડને પાછળ ધકેલી ત્યારે આ હિંસક પ્રદર્શનકારીઓ અને પથ્થરબાજો બચવા માટે સીધા યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી ગયા હતા. કેમ્પસને સેફ હાઉસ બનાવીને છુપાયેલા આ ઉપદ્રવીઓ પર કાબૂ મેળવવા અને કાયદો-વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે પોલીસે પણ કેમ્પસમાં પ્રવેશ કરવો પડ્યો હતો. આ જ બાબતને પાછળથી લેફ્ટ ઈકોસિસ્ટમ અને પ્રદર્શનકારીઓના વકીલોએ વિવાદનો મુદ્દો બનાવી દીધો હતો અને ‘પરવાનગી વગર પોલીસ કેમ્પસમાં ઘૂસી’ એવો પાયાવિહોણો રાગ આલાપવાનું શરૂ કર્યું હતું.

પ્રદર્શનકારીઓ અને લેફ્ટ-લિબરલ ગેંગ તરફથી કોર્ટમાં એવા વિક્ટિમ કાર્ડ રમવામાં આવ્યા હતા કે પોલીસે લાઈબ્રેરી અને રીડિંગ રૂમમાં ઘૂસીને ‘નિર્દોષ વિદ્યાર્થી’ઓ પર બળપ્રયોગ કર્યો હતો. સાથે જ પોલીસ કાર્યવાહી અંગે SIT અને કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી પરંતુ દિલ્હી હાઇકોર્ટે પોતાના ચુકાદામાં આ તમામ આરોપોને માત્ર અરજદારોના ‘એકતરફી દાવા’ તરીકે જ નોંધ્યા છે અને તેને કોઈ સ્વીકારાયેલાં તથ્યો માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

શું હતી માંગણીઓ?

દિલ્હી પોલીસની કાર્યવાહી વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં કુલ 8 જેટલી પિટિશનો કરવામાં આવી હતી. જેમાં મનોજ ધીર્યાન, અંશુ કપૂર, વૈભવ મિશ્રા, નબિલા હસન, બહાદુર અબ્બાસ નકવી, મોહમ્મદ મિન્હાજુદ્દીન, શયાન મુજીબ અને મોહમ્મદ મુસ્તફા જેવા અરજદારો દ્વારા અલગ-અલગ અરજીઓ દાખલ કરીને દેશની સુરક્ષા એજન્સીઓને ઘેરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પહેલી બે અરજીઓમાં મનોજ ધીર્યાન અને અંશુ કપૂર તરફથી ‘પોલીસે અતિશય બળપૂર્વક કાર્યવાહી કરી’ જેવા આરોપો લગાવીને ન્યાયિક કમિશન રચવા, સ્વતંત્ર તપાસ કરાવવા, ઉપદ્રવ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી રોકવા અને વળતર આપવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અંશુ કપૂરે યુનિવર્સિટી પ્રશાસનની લેખિત પરવાનગી વગર પોલીસ પ્રવેશ પર કાયમી રોક લગાવવા અને નવી ગાઈડલાઈન ઘડવાની માંગ કરી હતી.

ત્રીજી અરજીમાં વૈભવ મિશ્રા અને તેના સાથીઓએ પથ્થરમારો અને આગચંપી કરનારા તત્વો માટે મફત સારવાર, માનવતાવાદી સહાય, ફેક્ટ-ફાઈન્ડિંગ કમિટી અને પોલીસ કાર્યવાહી પર રોકની માંગ કરીને ‘વિદ્યાર્થી સુરક્ષા’ના નામે કાનૂની સંરક્ષણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ચોથી અરજી નબિલા હસન તરફથી દાખલ કરાઈ હતી, જેમાં અટકાયતમાં લેવાયેલા તમામ અસામાજિક તત્વોને બિનશરતી છોડી મૂકવા, તેમની સામેની ફોજદારી કલમો રદ કરવા, CCTV સુરક્ષિત રાખવા અને કોર્ટ-મોનિટર્ડ તપાસ કમિટી બનાવવાની માંગો કરવામાં આવી હતી.

સમય જતાં નબિલા હસનની અરજીમાં કરાયેલી મોટાભાગની માંગો નિરર્થક બની ગઈ. 2022ના કોર્ટના આદેશમાં નોંધાયા મુજબ, અટકાયત કરાયેલા લોકોને છોડવા, કાયદાકીય મદદ પહોંચાડવી, કેમ્પસ ફરી ખોલવું વગેરે માંગણીઓ સમય વીતી જતાં આપોઆપ નિરર્થક બની ગઈ હતી. અંતે માત્ર CCTV જાળવણી, વળતર અને તપાસની માંગણીઓ જ બાકી રહી હતી.

પાંચમી અરજીમાં બહાદુર અબ્બાસ નકવીએ જામિયા તેમજ JNU કેમ્પસમાંથી પોલીસદળોને તાત્કાલિક પરત ખેંચવાં, યુનિવર્સિટીઓને કાયદાના ક્ષેત્રથી બહાર રાખવા અને દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી. જ્યારે છઠ્ઠી, સાતમી અને આઠમી અરજીમાં મોહમ્મદ મિન્હાજુદ્દીન, શયાન મુજીબ અને મોહમ્મદ મુસ્તફાએ પોતાના માટે સરકારી નોકરી, કરોડોનું વળતર અને પોલીસ અધિકારીઓ પર જ FIR નોંધવાની માંગ કરી હતી.

આઠેય અરજીઓમાં ભાષા ગમે તે હોય, પરંતુ મૂળ હેતુ સુરક્ષાદળો સામે તપાસ ઊભી કરવાનો, હિંસક પ્રદર્શનકારીઓ માટે કરોડોનું વળતર મેળવવાનો અને યુનિવર્સિટી કેમ્પસને કાયદાથી પર એક સુરક્ષિત સ્થાન બનાવવાનો જ હતો, જેને હાઇકોર્ટે સંપૂર્ણપણે ફગાવી દીધો છે.

અગાઉ પણ થઈ ચૂકી છે વિવિધ સ્તરે તપાસ

આ દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ ગયો હતો. જામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની ઘટનાઓને લઈને એક જ કમિટી બનાવીને તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી. આ મામલે 17 ડિસેમ્બર 2019ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે અલગ-અલગ સ્થળોએ બનેલી હિંસક ઘટનાઓ માટે એક સામાન્ય ફૅક્ટ-ફાઇન્ડિંગ તપાસ થઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે અરજદારોને સંબંધિત હાઇકોર્ટનો સંપર્ક કરવા નિર્દેશ આપ્યો હતો, જે બાદ દિલ્હી હાઇકોર્ટમાં જામિયા હિંસાની સુનાવણી આગળ વધી હતી.

બીજી તરફ, 15 ડિસેમ્બર 2019ની ઘટનાઓને લઈને પોલીસ કેસ પણ નોંધાયા હતા. તેમાં રમખાણ, ગેરકાયદે સભા, પોલીસ પર હુમલો, જાહેર સંપત્તિને નુકસાન અને આગચંપી સહિતની વિવિધ જોગવાઈઓ લગાવવામાં આવી હતી. બંને કેસની તપાસ બાદમાં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની SITને સોંપવામાં આવી અને તપાસના આધારે ચાર્જશીટ પણ દાખલ થઈ હતી.

આ સિવાય NHRCએ પણ સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. 20 ડિસેમ્બર 2019ના રોજ NHRCના અધિકારીઓએ જામિયા કેમ્પસની મુલાકાત લીધી હતી. બાદમાં વિદ્યાર્થીઓ તથા અન્ય લોકોની ફરિયાદો, નિવેદનો અને અન્ય સામગ્રીના આધારે તપાસ થઈ અને 18 મે 2020ના રોજ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. NHRCએ કહ્યું હતું કે CAAવિરોધી પ્રદર્શન કેટલીક જગ્યાએ મોટાપાયે હિંસામાં ફેરવાયું હતું, જેમાં આગચંપી, જાહેર-ખાનગી સંપત્તિને નુકસાન અને પોલીસ પર હુમલાનો સમાવેશ થતો હતો.

પરંતુ NHRCનો રિપોર્ટ પોલીસ માટે પણ સંપૂર્ણ ક્લીનચિટ નહોતો. રિપોર્ટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષાદળો દ્વારા લેવાયેલાં પગલાં, ક્રાઉડ કંટ્રોલની સ્થિતિ અને સુધારાત્મક ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, મુખ્ય તારણ એ જ રહ્યું કે 15 ડિસેમ્બરના રોજ જામિયા ખાતે અસામાજિક તત્વો દ્વારા ઉગ્ર અરાજકતા ફેલાવવામાં આવી હતી.

તાજેતરનો દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો

હવે તાજેતરમાં 5 ઑક્ટોબરે દિલ્હી હાઇકોર્ટે સ્વતંત્ર તપાસની માંગણી કરતી અરજીઓને ફગાવતા સ્પષ્ટ કર્યું કે આ ઘટના અંગે પહેલેથી જ NHRC તપાસ કરી ચૂક્યું છે, FIR નોંધાઈ છે, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ SIT તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ રજૂ કરી ચૂકી છે. એટલું જ નહીં, જામિયા યુનિવર્સિટીએ પોતે CrPCની કલમ 156(3) હેઠળ પોલીસ સામે કાર્યવાહી કરવા કરેલી અરજી 3 ફેબ્રુઆરી 2021ના રોજ ફગાવી દેવાઈ હતી જેને આગળ પડકારવામાં પણ આવી નહોતી. આમ, તપાસ ન થઈ હોવાનો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો સાબિત થયો હતો.

વધુમાં કોર્ટે નોંધ્યું કે CCTV, ફોટોગ્રાફ્સ કે મેડિકલ રેકોર્ડ મહત્વપૂર્ણ હોય શકે છે, પરંતુ હિંસક ભીડના વર્તન અને પોલીસ સામેના ઉગ્ર જોખમની વિગતવાર તપાસ કર્યા વિના કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય નહીં. આવી પુરાવા-આધારિત પ્રક્રિયા ટ્રાયલ કોર્ટનો વિષય છે, રિટ પિટિશનનો નહીં. કોર્ટે કહ્યું કે પ્રદર્શનકારીઓ કે અરજદારો તપાસના પરિણામથી સંતુષ્ટ નથી એટલા માટે થઈને તપાસના આદેશ ન આપી શકાય.

પ્રદર્શનકારીઓની કરોડોના વળતરની માંગ પણ હાઇકોર્ટે સખત શબ્દોમાં નકારી કાઢી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વળતર આપવા માટે દરેક વ્યક્તિગત કેસમાં ઈજાનું કારણ અને પરિસ્થિતિ ચકાસવી પડે. વધુમાં, NHRC દ્વારા અગાઉ કરાયેલી ભલામણોનો અમલ કરાવવા માટે અરજદારોએ પોતે કોઈ જ પગલાં લીધાં નહોતાં. જેથી રિટ પ્રક્રિયા મારફતે ઉપદ્રવીઓ માટે સીધું વળતર મેળવવાની આ માંગ ફગાવી દેવામાં આવી હતી.

દિલ્હી હાઇકોર્ટે પોતાના મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર બધાને છે, પરંતુ તેના નામે હિંસા આચરવા, તોડફોડ કરવા કે સરકારી સંપત્તિને આગ ચાંપવાની કોઈનેય છૂટ નથી. 15 ડિસેમ્બર 2019ના રોજ જામિયા કેમ્પસની બહાર બસો સળગાવીને, ભારે પથ્થરમારો કરીને અને પોલીસ પર હિંસક હુમલા કરીને કાયદો-વ્યવસ્થા છિન્નભિન્ન કરવામાં આવી હતી. આવી ગંભીર અને કટોકટીભરી સ્થિતિમાં માત્ર ઉપદ્રવીઓ યુનિવર્સિટી કેમ્પસમાં ભાગીને છુપાઈ ગયા હોય તેટલા માત્રથી પોલીસ નિષ્ક્રિય રહી શકે નહીં, પરંતુ જાહેર સુરક્ષા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કાર્યવાહી આવશ્યક બની જાય છે.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે સામાન્ય પરિસ્થિતિમાં યુનિવર્સિટી જેવા કેમ્પસમાં પોલીસ કાર્યવાહી કરતી વખતે સંબંધિત પ્રશાસન સાથે સંકલન થવું જોઈએ. જોકે, જ્યારે કેમ્પસની અંદર અથવા આસપાસ હિંસા, ગંભીર ગુનો અથવા જાનમાલ માટે તાત્કાલિક જોખમ ઊભું થાય ત્યારે પોલીસ માત્ર યુનિવર્સિટી કેમ્પસ હોવાના કારણે મૂકદર્શક બનીને રહી શકે નહીં. આવી પરિસ્થિતિમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ હસ્તક્ષેપ કરી શકે છે.

દિલ્હી હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ઘટનાના સાત વર્ષ બાદ જ્યારે તમામ કાનૂની અને વૈધાનિક તપાસો પૂર્ણ થઈ ચૂકી છે અને સક્ષમ અદાલતોમાં ચાર્જશીટ રજૂ થઈને સુનાવણી ચાલી રહી છે, ત્યારે હવે નવેસરથી કોઈ કમિશન કે SIT રચવાનો કોઈ તર્ક જ રહેતો નથી. તેથી નવી FIR, સ્વતંત્ર તપાસ, કરોડોના વળતર અને નવી પોલીસ ગાઈડલાઈન્સ જેવી તમામ માંગણીઓને અદાલતે ફગાવી દીધી છે.

અંતે, દિલ્હી હાઇકોર્ટે તમામ આઠેય રિટ પિટિશનો અને તેને લગતી અરજીઓને રદ કરીને પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પહેલેથી થયેલી તપાસ અને ઉપલબ્ધ રેકોર્ડ સામે નવી તપાસ કે વળતરનો કોઈ આધાર જ બનતો નથી. હાઇકોર્ટના આ નિર્ણાયક આદેશથી CAAના વિરોધના નામે ઉગ્ર હિંસા આચરનારા અને દેશના સુરક્ષાદળોને બદનામ કરવા માંગતી લેફ્ટ ગેંગ તથા અસામાજિક તત્વોને જવાબ મળી ગયો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં