
દુબઈથી ઇઝરાયેલ જતી ફ્લાઈટના કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરીને વિમાન ક્રેશ કરાવવાનો પ્રયાસ કરનાર ઓમાની કો-પાયલટની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ ઇઝરાયેલી એજન્સીઓની શરૂઆતની તપાસમાં તેના વિશે થોડુંઘણું જાણવા મળ્યું છે. જે અનુસાર તે જેહાદી વિચારધારાથી ગ્રસિત છે અને સોશિયલ મીડિયા પર યહૂદીઓને મારવાની વાત કરી ચૂક્યો છે.
ઇઝરાયેલી અખબાર ‘ટાઈમ્સ ઑફ ઈઝરાયેલ’એ સ્થાનિક અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં જણાયું છે કે એ જેહાદી વિચારધારા ધરાવતો કટ્ટરપંથી બની ચૂક્યો હતો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં યહૂદીઓને મારી નાખવાની વાત પણ કરી ચૂક્યો છે.
અધિકારીઓ અનુસાર પ્રાથમિક તપાસમાં એટલું સ્પષ્ટ થયું છે કે ઓમાની કો-પાયલટ આત્મઘાતી હુમલો કરવા માટે જ આવ્યો હતો અને ઈરાદો વિમાન ક્રેશ કરાવવાનો હતો.
જ્યારે તે મનસૂબો પાર ન પાડી શક્યો અને કેપ્ટન સ્મિત મચ્છરે ઘાયલ અવસ્થામાં પણ કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો પછી અન્ય પેસેન્જરો અને ક્રૂ મેમ્બરોએ આવીને ઓમાની કો-પાયલટને કાબૂ કરી લીધો પછી તેણે એક પેસેન્જરને કહ્યું હતું કે તેઓ તેને મારી નાખે. એટલે કે તે મરવાની તૈયારી સાથે જ આવ્યો હતો.
હાલ તેને UAEને સોંપવાની તૈયારી ચાલી રહી છે. ઇઝરાયેલીઓનું કહેવું છે કે તપાસમાં તેમની એજન્સીઓ પણ જોડાશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ જાણકારી સામે આવી હતી કે ઓમાની કો-પાયલટ જેહાદી વિચારધારા ધરાવનારો છે.
ઘટના બે દિવસ પહેલાં બુધવારે (30 સપ્ટેમ્બર) બની હતી જ્યારે દુબઈથી ઇઝરાયેલના તેલ અવીવ જવા નીકળેલી ફ્લાઇટનું અચાનક સાઉદીના એક એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. પછીથી જાણવા મળ્યું કે વિમાનના કો-પાયલટે કેપ્ટન પર, જેઓ ભારતીય છે, હથિયાર વડે હુમલો કરી દીધો હતો. કો પાયલટ વિમાન ક્રેશ કરાવવા માગતો હતો અને કેપ્ટને તેને રોકતાં હુમલો કર્યો હતો.
કેપ્ટન સ્મિત મચ્છરે તેની સામે લડતાં-લડતાં કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો અને ત્યારબાદ ક્રૂ અને અન્ય પેસેન્જરો અંદર પ્રવેશી શક્યા હતા. પાયલટ પર હુમલો થયો તેની થોડી જ પળો પહેલાં વિમાન અચાનક થોડી જ ક્ષણોમાં હજારો ફિટ નીચે આવી ગયું હતું. બીજી તરફ ઓમાની વિમાનની સિસ્ટમ પણ નષ્ટ કરી રહ્યો હતો. જોકે વિમાનમાં પેસેન્જર તરીકે જતા બે પાયલટે પછીથી નિયંત્રણ સંભાળી લીધું હતું.
કેપ્ટન સ્મિતને સારવાર માટે સાઉદીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને યુએઈ લઈ જવામાં આવશે. ઓમાની કો-પાયલટની પણ સારવાર ચાલી રહી છે. સાજો થયા બાદ તેની પૂછપરછ થશે.

