
દુબઈથી ઇઝરાયેલ જતી ફ્લાઈટ ક્રેશ કરાવવાના ઓમાની કો-પાયલટના પ્રયાસ નિષ્ફળ બનાવીને સેંકડો મુસાફરોના જીવ બચાવનાર ભારતીય મૂળ ગુજરાતના પાયલટ સ્મિત મચ્છર સાથે શુક્રવારે (2 ઑક્ટોબર) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. જેનો વિડીયો સામે આવ્યો છે.
વાતચીતમાં વડા પ્રધાન સ્મિતને તેમના શૌર્ય બદલ અભિનંદન પાઠવે છે અને કહે છે કે આખા દેશને તેમની ઉપર ગર્વ છે. આખો દેશ તેમના સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના કરી રહ્યો છે.
પીએમએ કહ્યું, ‘તમારી હિંમત, તમારા ધૈર્ય અને તમારી સૂઝબૂઝે પળવારમાં આટલા નિર્ણયો કર્યા અને આટલા લોકોના જીવ બચાવ્યા, આજે આખો દેશ ગર્વથી કહી શકે છે કે આપણે ભારતીયો જીવ લેનારા નહીં જીવ બચાવનારા લોકો છીએ. તમે સ્વયં જીવન-મૃત્યુની લડાઈ લડતા હતા ત્યારે તમે પોતાની ચિંતા ન કરીને યાત્રીઓના જીવ બચાવ્યા. આખો દેશ આજે હૃદયથી ગર્વ અનુભવી રહ્યો છે.’
ત્યારબાદ વડા પ્રધાને કહ્યું કે પોતે સ્મિતના માતા-પિતા અને પરિજનો સાથે પણ વાતચીત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા.
પીએમ મોદી અને કેપ્ટન સ્મિત વચ્ચેની સંપૂર્ણ વાતચીત
— ઑપઇન્ડિયા (@OpIndia_G) October 2, 2026
કેપ્ટને કહ્યું– તેઓ ઘટના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા હતા, તેમાંથી જ તેમને શક્તિ મળી. વડા પ્રધાને તેમના શૌર્યને બિરદાવ્યું, કહ્યું– આખા દેશને કેપ્ટન ઉપર ગર્વ છે.
વિડીયોના અંત ભાગમાં બંનેએ ગુજરાતીમાં પણ વાતચીત કરી હતી.… pic.twitter.com/xmXr8oPtbu
કેપ્ટન સ્મિત વાતચીત દરમ્યાન ભાવુક થઈને વડા પ્રધાન મોદીને કહે છે કે મોદી તેમના આદર્શ છે અને આજે ફોન કરીને અભિનંદન પાઠવ્યાથી પોતે ગર્વ અનુભવે છે.
તેઓ આગળ કહે છે, “હું જીવ બચાવવા માટે લડી રહ્યો હતો. હું માર ખાતો નીચે પડી ગયો હતો. મને ત્યારે પણ ખબર પડી રહી હતી કે વિમાન નીચે જઈ રહ્યું છે, કારણ કે હું 17 વર્ષથી વિમાન ઉડાવું છું. મેં વિચાર્યું કે આ જ ક્ષણ છે, મારે ઊઠવું જ પડશે, દરવાજો (કોકપિટનો) ત્યાં જ છે. ત્યારે પણ મારી ઉપર પ્રહારો ચાલુ હતા. પણ મેં દરવાજો ખોલી નાખ્યો અને બાકીના આવી ગયા. તેમની પણ એટલી જ ભૂમિકા હતી.’
સ્મિત કહે છે, “હું મારો જીવ બચાવવા માટે જ નહતો લડ્યો, હું એ પણ જાણતો હતો કે હું આ બધાને મરવા ન દઈ શકું.”
કેપ્ટન આગળ હનુમાન ચાલીસાનો પણ ઉલ્લેખ કરે છે. તેઓ કહે છે કે, “જ્યારે જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે હું હનુમાન ચાલીસા બોલું છું. તે સમયે પણ હું હનુમાન ચાલીસાનો જ પાઠ કરી રહ્યો હતો. ઈશ્વરે જ મને શક્તિ આપી.’
ત્યારબાદ સ્મિત ફરી કહે છે કે પીએમ મોદીનો કોલ આવ્યો તેનો તેમને ખૂબ ગર્વ છે. મોદી તેમને કહે છે કે તેઓ તેમની સામે ભાવુક નહીં થાય તો ક્યાં થશે. સ્મિત કહે છે કે તેમણે ક્યારેય નહતું વિચાર્યું કે તેમની પીએમ મોદી સાથે વાત થશે.
કેપ્ટન સ્મિત અને પીએમ મોદી વચ્ચે ગુજરાતીમાં પણ થઈ વાતચીત. 'જય શ્રીકૃષ્ણ'થી થઈ વાતચીતની શરૂઆત. #SmitMachchhar #PMModi pic.twitter.com/KBArla0gMw
— ઑપઇન્ડિયા (@OpIndia_G) October 2, 2026
પીએમ મોદીએ કહ્યું, “લોકો સોશિયલ મીડિયા પર ભાવના વ્યક્ત કરી રહ્યા છે એ હું પણ જોઈ રહ્યો છું. લોકો કહી રહ્યા છે કે આ ન થયું હોત તો ભારત વિશે શું-શું કહેવાયું હોત, પાયલટો વિશે શું કહેવાયું હોત. તમે સૌને બચાવી લીધા અને બહુ મોટું કામ કર્યું છે.”
અંતે બંનેએ ગુજરાતીમાં પણ વાતચીત કરી હતી. જેમાં વડા પ્રધાન સ્મિતને બાળકો વિશે પૂછે છે. ફરી પરિજનોને અભિનંદન પાઠવે છે. અંતે ‘જય શ્રીકૃષ્ણ’ સાથે વાત પૂર્ણ થાય છે.

