વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે રાજકારણ કરતાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને ફરી એક વખત લપડાક પડી છે. તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે કેજરીવાલની વધુ એક અરજી ફગાવી દીધી અને અગાઉ સિંગલ જજ બેન્ચે આપેલો આદેશ અને કેજરીવાલને ફટકારેલો દંડ બંને યથાવત રાખવામાં આવ્યા. કોર્ટે કહ્યું કે અદાલતો અને કાયદાકીય પ્રક્રિયાઓનો ઉપયોગ રાજકારણ રમવા માટે ન થવો જોઈએ અને ડિગ્રી એ કોઈની અંગત બાબત છે, ભલે વડા પ્રધાન કેમ ન હોય, પદ મેળવવાથી તેમની ગોપનીયતા સમાપ્ત થઈ જતી નથી.
કાયદાકીય દૃષ્ટિએ આ ચુકાદાએ સ્પષ્ટ કર્યું છે કે વડા પ્રધાનની ડિગ્રી પહેલેથી જ જાહેર મંચ પર ઉપલબ્ધ હોવા છતાં કાયદાકીય પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હતો. કોર્ટે આ ચુકાદાથી RTI એક્ટના દાયરા, વ્યક્તિગત માહિતીની ગોપનીયતા અને ‘પબ્લિક ઇન્ટરેસ્ટ’ના નામે ચલાવવામાં આવતા રાજકીય એજન્ડા વચ્ચેનો તફાવત રેખાંકિત કર્યો છે. કેન્દ્રીય માહિતી આયોગના (CIC) 2016ના ગેરકાયદેસર નિર્દેશને રદ કરીને કોર્ટે સાબિત કર્યું છે કે માત્ર રાજકીય દ્વેષથી પ્રેરિત અરજીઓ કાયદાની નજરમાં ટકી શકતી નથી.
શું હતો સમગ્ર મામલો
આ સમગ્ર વિવાદનું મૂળ 2016માં તત્કાલીન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરેલ રાજકીય સ્ટંટમાં રહેલું છે. તે સમયે કેન્દ્રીય માહિતી આયોગ (CIC) સમક્ષ એક કેસની સુનાવણી ચાલી રહી હતી, જેમાં કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાતનો મુદ્દો ઉઠાવ્યો હતો. નિયમ મુજબ કેજરીવાલે RTI એક્ટની કલમ 6(1) હેઠળ કોઈ યોગ્ય અરજી પણ કરી નહોતી, છતાં CICએ તેમની સામાન્ય લેખિત રજૂઆતને જ RTI અરજી તરીકે ગણી લીધી હતી.
29 એપ્રિલ 2016ના રોજ CICએ વડાપ્રધાન કાર્યાલય (PMO), દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીને ડિગ્રીની માહિતી આપવા માટે આદેશ જાહેર કરી દીધો હતો. આયોગે એવો તર્ક આપ્યો હતો કે મુખ્યમંત્રી પદ પર બેઠેલી વ્યક્તિ આવી માગણી કરે ત્યારે તે ‘પબ્લિક ઇન્ટરેસ્ટ’માં (જાહેર હિત) ગણાય. તેથી તેને કલમ 8ની ગોપનીયતાની મર્યાદા લાગુ ન પડે.
CICના આ આદેશ બાદ દિલ્હી યુનિવર્સિટીને 1978ના અને ગુજરાત યુનિવર્સિટીને 1983ના વર્ષના જૂના રેકોર્ડમાંથી ‘નરેન્દ્ર દામોદરદાસ મોદી’ના નામની ડિગ્રી શોધવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ સિવાય PMOને પણ સંબંધિત રોલ નંબર અને વર્ષની વિગતો આપવા કહેવાયું હતું. આ નિર્ણય સામે ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
અહીંથી જ આ આખા મામલામાં એક મોટો પ્રશ્ન ઊભો થયો કે શું CIC પાસે નિયમ મુજબની કોઈ અરજી આવ્યા વગર જ બીજી કોઈ કાર્યવાહી દરમ્યાન થયેલી રજૂઆતને પોતે જ RTI અરજી બનાવી દેવાની સત્તા છે કે નહીં. બીજું, આ રીતે અરજી પર કોઈ પૂર્વ વિદ્યાર્થીની ડિગ્રીની વિગતો તૃતીય પક્ષને સાર્વજનિક કરી શકાય કે નહીં.
કોર્ટે આ પ્રક્રિયાગત ખામીને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી. 31 માર્ચ 2023ના રોજ સિંગલ જજના ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે CIC કાયદાથી ઉપર જઈને કે RTI એક્ટમાં નક્કી થયેલી પ્રક્રિયા બહાર જઈને પોતાના અધિકારોનો ઉપયોગ કરી શકે નહીં. ત્યારબાદ 2026ની ડિવિઝન બેન્ચે પણ આ જ બાબતને સમર્થન આપતાં માન્યું કે કાયદાની કલમ 6(1) મુજબની યોગ્ય અરજી વિના CICએ જે આદેશ આપ્યો હતો તે કાયદાકીય રીતે ખોટો હતો, અને તેથી તેને રદબાતલ ઠેરવવો એ ન્યાયિક રીતે યોગ્ય છે.
આ મામલાના મૂળમાં એક અગાઉનો કિસ્સો પણ જોડાયેલો હતો. આ કેસમાં હંસરાજ જૈન નામના શખ્સે દિલ્હી યુનિવર્સિટી પાસેથી 1978ના વર્ષમાં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે BA પાસ કરનાર ‘નરેન્દ્ર મોદી’ નામના વિદ્યાર્થીઓની વિગતો માગી હતી. તે સમયે યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું હતું કે રોલ નંબર વગર લાખો રેકોર્ડ્સમાંથી આવી માહિતી શોધવી વ્યવહારિક રીતે ખૂબ મુશ્કેલ છે. વિપક્ષી નેતા અરવિંદ કેજરીવાલે આ જ કિસ્સાનો સંદર્ભ લઈને 2016માં આ મુદ્દો ઊભો કર્યો હતો.
2023માં ગુજરાત હાઇકોર્ટે ફગાવ્યો હતો CICનો આદેશ
લાંબી કાયદાકીય લડાઈ પછી 31 માર્ચ 2023ના રોજ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે ગુજરાત યુનિવર્સિટીની અરજી ગ્રાહ્ય રાખીને CICના 2016ના આદેશને ફગાવી દીધો હતો. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે શૈક્ષણિક દસ્તાવેજો અને ડિગ્રીઓ એ વ્યક્તિગત માહિતી કહેવાય છે. તેથી જો ખરેખર કોઈ જાહેર હિત ન હોય તો RTI એક્ટની કલમ 8(1)(e) અને 8(1)(j) હેઠળ આવી માહિતી આપવી જરૂરી નથી. આ સિવાય કોર્ટે રાજકીય સ્વાર્થ માટે કાયદાનો દુરુપયોગ કરવા બદલ કોર્ટે કેજરીવાલને ₹25,000નો દંડ પણ ફટકાર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયમાં જાહેર હિત અને લોકોની જિજ્ઞાસા કે રસ વચ્ચેનો તફાવત ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે માત્ર મીડિયા ડિબેટો, વિપક્ષી સનસનાટી કે સામાન્ય લોકોની જિજ્ઞાસાના આધારે કોઈ બાબતને ‘જાહેર હિત’ ન ગણી શકાય. કોર્ટે સ્પષ્ટપણે નોંધ્યું હતું કે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની જાહેર કામગીરી, જવાબદારી કે પારદર્શિતા સાથે તેમની દાયકાઓ જૂની શૈક્ષણિક ડિગ્રીને કોઈ લેવાદેવા નથી.
કેજરીવાલે હાઇકોર્ટમાં ફરીથી કરી અરજી
સિંગલ જજના આ ચુકાદા અને ₹25,000ના દંડથી અકળાયેલા અરવિંદ કેજરીવાલે હાઇકોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. જોકે, 9 નવેમ્બર 2023ના રોજ ગુજરાત હાઇકોર્ટે તેમની આ રિવ્યુ પિટિશનને પણ ફગાવીને કેજરીવાલને વધુ એક મોટો આંચકો આપ્યો હતો.
કેજરીવાલની રિવ્યૂ પિટિશનમાં એવી દલીલ હતી કે ગુજરાત યુનિવર્સિટીએ વડા પ્રધાનની ડિગ્રી વેબસાઇટ પર હોવાનું કહ્યું હતું, પરંતુ ત્યાં ડિગ્રીના બદલે માર્ક્સ અથવા ઓફિસ રજિસ્ટર સંબંધિત દસ્તાવેજ જ દેખાતો હતો. આ આધારે 31 માર્ચ 2023ના ચુકાદામાં મોટી ભૂલ હોવાનો દાવો કરીને તેને બદલવાની માગણી કરવામાં આવી હતી. જોકે, હાઇકોર્ટે આ દલીલને ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું હતું કે મૂળ નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે આ આધાર પૂરતો નથી.
આ સુનાવણી દરમિયાન કેજરીવાલ પર લાદવામાં આવેલા ₹25,000ના દંડને હટાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હાઇકોર્ટે રિવ્યુ પિટિશન ફગાવીને દંડનો આદેશ યથાવત રાખ્યો હતો. કેસને આ રીતે સતત ખેંચી રાખવાના અને કોર્ટનો સમય બગાડવાના વિપક્ષી નેતાના વલણ સામે હાઇકોર્ટે ભારે અસંતોષ વ્યક્ત કરીને કડક ટિપ્પણીઓ પણ કરી હતી.
ત્યારબાદ આ મામલે 2026માં ડિવિઝન બેન્ચ સમક્ષ ફરીથી અપીલ કરવામાં આવી હતી. 29 સપ્ટેમ્બર 2026ના રોજ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ડિવિઝન બેન્ચે સિંગલ જજના ચુકાદાને સંપૂર્ણપણે યોગ્ય ગણ્યો હતો. આ સાથે જ 2016ના CIC આદેશને રદ કરતો 2023નો નિર્ણય પણ યથાવત રહ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે તાજેતરના શું કહ્યું?
આ ચુકાદાના મુખ્ય ત્રણ બિંદુ એ છે કે માહિતી મેળવવાની પ્રક્રિયા કાયદાના ચોક્કસ નિયમો મુજબ જ થવી જોઈએ. RTI એક્ટ હેઠળ કોઈ પણ વ્યક્તિ માત્ર પોતાની ઈચ્છા કે રાજકીય ચર્ચાઓના આધારે આવી માહિતી માંગી શકે નહીં. અરજી કરવાની યોગ્ય પ્રક્રિયા, અધિકારીઓની સત્તા અને કાનૂની માળખું પહેલેથી નક્કી થયેલું છે. તેથી આ પ્રક્રિયાનું પાલન ન થયું હોય તો CIC આ પ્રકારનો માહિતી આપવાનો આદેશ આપી શકે નહીં.
બીજો મહત્વનો મુદ્દો વ્યક્તિગત ગોપનીયતાનો છે. કોર્ટે એવું નથી કહ્યું કે દરેક વ્યક્તિની શૈક્ષણિક માહિતી હંમેશા ગુપ્ત જ રાખવી જોઈએ. પરંતુ આ ચોક્કસ કેસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત માહિતી RTI એક્ટ હેઠળ રક્ષિત વ્યક્તિગત માહિતી ગણાય છે. એટલે કે, કોઈ પણ વ્યક્તિ કોઈ ઉચ્ચ જાહેર પદ પર છે એટલા માટે થઈને તેની માહિતી જાહેર કરવાની પરવાનગી મળી જતી નથી.
આ જ કારણસર હાલમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે લોકોમાં માત્ર કૌતુક કે જિજ્ઞાસા હોય અથવા કોઈ બાબત વડા પ્રધાન સાથે જોડાયેલી હોય, એટલા માત્રથી તે કાનૂની રીતે ‘જાહેર હિત’ બનતી નથી. જ્યાં સુધી માહિતી જાહેર કરવા પાછળ દેશ કે સમાજનું કોઈ વાસ્તવિક અને મોટું હિત ન જોડાયેલું હોય, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિની ગોપનીય અને વ્યક્તિગત માહિતી માત્ર RTIના અધિકાર હેઠળ આપી શકાય નહીં.
કોર્ટે આ કેસમાં લોકોની સામાન્ય જિજ્ઞાસા અને વાસ્તવિક જાહેર હિત વચ્ચેનો તફાવત ખૂબ સ્પષ્ટ કર્યો છે. લોકશાહીમાં કોઈ જાહેર નેતાની લાયકાત કે વિગતો પર ચર્ચા થવી સ્વાભાવિક હોઈ શકે, પરંતુ માત્ર કોઈ મુદ્દો ચર્ચામાં હોય કે લોકો તેમાં રસ ધરાવતા હોય એટલા માત્રથી તેને RTI એક્ટ હેઠળ માહિતી મેળવવાનો અધિકાર ગણી શકાય નહીં. વ્યક્તિગત માહિતી જાહેર કરવા માટે જાહેર હિત સાબિત કરવું પડે, જે આ કેસમાં સાબિત થઈ શક્યું નહોતું.
આ સાથે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ માહિતી અગાઉથી જાહેર ક્ષેત્રમાં કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય, તો પણ તેનાથી RTI એક્ટની ગોપનીયતા અને મુક્તિ આપોઆપ સમાપ્ત થઈ જતી નથી. બેન્ચે નોંધ્યું હતું કે CIC એ માત્ર માહિતી પબ્લિક ડોમેનમાં હોવાને આધારે જ આદેશ આપી દીધો હતો, જે કાયદાકીય રીતે ખોટું હતું. કાયદા હેઠળ માહિતી જાહેર કરવી કે નહીં તેની સ્વતંત્ર તપાસ કરવી જરૂરી હોય છે.
આ ઉપરાંત, RTI એક્ટની જોગવાઈઓ અંગે પણ કોર્ટે મહત્વની બાબત કહી. CICએ આદેશ આપતાં પહેલાં કાયદાકીય પ્રક્રિયા પૂરી થઈ છે કે નહીં તે તપાસ્યું નહોતું. અદાલતે માન્યું કે પ્રશ્ન માત્ર ડિગ્રીની માહિતી આપવાનો નહોતો, પરંતુ માહિતી આયોગે કાયદામાં દર્શાવેલા માળખાનું યોગ્ય પાલન કર્યું છે કે નહીં તે ચકાસવાનો હતો, જેમાં આયોગ નિષ્ફળ રહ્યું હતું.
પીએમ હોય એટલે ગોપનીયતા સમાપ્ત નથી થઈ જતી: કોર્ટ
છેલ્લે, આ નિર્ણયમાં ગોપનીયતાનો સિદ્ધાંત પણ ખૂબ મહત્વનો રહ્યો છે. કોર્ટના મતે કોઈ વ્યક્તિ વડા પ્રધાન જેવા ઉચ્ચ જાહેર પદ પર હોય તો પણ તે નાગરિક તરીકેના પોતાના મૂળભૂત અધિકારો ગુમાવતી નથી. વડા પ્રધાનની સરકારી કામગીરી ચોક્કસપણે જાહેર હિતનો વિષય છે, પરંતુ તેના આધારે તેમની તમામ અંગત કે શૈક્ષણિક વિગતો જાહેર દસ્તાવેજ બની જતી નથી.
કોર્ટે આ સંદર્ભમાં કાયદાકીય સંસ્થાઓ અને અદાલતી પ્રક્રિયાનો ઉપયોગ રાજકીય વિવાદો માટે ન કરવાની ચેતવણી આપી હતી. અદાલતે સ્પષ્ટ અવલોકન કર્યું કે કાયદાકીય મંચનો ઉપયોગ રાજકીય હેતુઓ કે અંગત એજન્ડા સિદ્ધ કરવા માટે થવો જોઈએ નહીં.
અંતે 29 સપ્ટેમ્બરના રોજ ડિવિઝન બેન્ચના ચુકાદા સાથે ફરી એક વખત CICનો 2016નો આદેશ રદ જાહેર થયો, 31 માર્ચ 2023ના સિંગલ જજના નિર્ણયને માન્ય રાખવામાં આવ્યો અને અગાઉ 9 નવેમ્બર 2023ના રોજ ફગાવેલી રિવ્યુ પિટિશન બાદ હવે અપીલ પણ રદ કરવામાં આવી છે. હાલના આ અંતિમ નિર્ણયમાં 2023માં લાદવામાં આવેલો ₹25,000નો દંડ પણ યથાવત રાખવામાં આવ્યો છે.


