‘વંદે માતરમ્’ના અપમાનને લઈને કોંગ્રેસી ઇમરાન ખેડાવાલા સામે કાર્યવાહીની હર્ષ સંઘવીની માગ: સ્પીકરે કહ્યું- રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન નહીં સ્વીકારાય

ગુજરાત વિધાનસભામાં ગુરુવારે (10 સપ્ટેમ્બર) વંદે માતરમ્ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના વર્તનને લઈને વિવાદ સર્જાયો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં પોઈન્ટ ઑફ ઑર્ડર ઉઠાવીને ખેડાવાલા સામે ગૃહના નિયમો મુજબ કાર્યવાહી કરવાની માગ કરી હતી.

હર્ષ સંઘવીએ ઘટનાનો સત્તાવાર વિડીયો અને વિધાનસભાની કાર્યવાહીનું રેકોર્ડિંગ તપાસવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે વંદે માતરમ્ કોઈ રાજકીય પક્ષનું ગીત નથી અને રાષ્ટ્ર તથા રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન રાજકારણથી ઉપર હોવું જોઈએ. જો નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સાબિત થાય તો મામલો વિશેષાધિકાર સમિતિ અથવા એથિક્સ કમિટી સમક્ષ મોકલીને કાર્યવાહી કરવાની પણ તેમણે માગ કરી હતી.

સ્પીકરે હર્ષ સંઘવીનો પોઈન્ટ ઑફ ઑર્ડર સ્વીકારીને સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ નિર્ણય લેવાની વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન સહન કરવામાં આવશે નહીં. આ મામલે વિધાનસભાની બહાર પણ મીડિયા દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હોવાનું સ્પીકરે નોંધ્યું હતું.

બીજી તરફ, કોંગ્રેસે હર્ષ સંઘવીની કાર્યવાહીની માગનો વિરોધ કર્યો હતો. વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યોએ વંદે માતરમ્ દરમિયાન ભાગ લીધો હતો અને ઇમરાન ખેડાવાલા બે અંતરા દરમિયાન ઊભા રહ્યા બાદ બેસી ગયા હતા. તેમણે ખેડાવાલા પોતે ખુલાસો આપશે તેમ કહ્યું હતું અને આ ઘટનાને લઈને કોઈ કાવતરું હોવાના આક્ષેપને ફગાવી દીધો હતો.

જોકે, વિધાનસભામાં વંદે માતરમ્ ગવાતું હતું ત્યારે બેસી ગયેલા ઇમરાન ખેડાવાલા એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય હતા. આ મુદ્દે હવે તેમના વર્તન અંગે ગૃહના સત્તાવાર રેકોર્ડિંગની તપાસ બાદ આગળની કાર્યવાહી થાય છે કે નહીં તેના પર નજર રહેશે.

આ સમગ્ર વિવાદનું મૂળ કારણ એ છે કે વંદે માતરમ્ ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પહેલી બે કડીઓ બાદ પોતાની બેઠક પર બેસી ગયા હતા. ખેડાવાલાએ ઉપરથી પાછું એવું કહ્યું છે કે તેઓ 1937થી ગવાતા વંદે માતરમ્ સુધી ઊભા રહ્યા હતા અને બાદમાં ઉમેરાયેલી કડીઓ દરમિયાન બેસી ગયા હતા. ભાજપે તેમના આ વર્તનને વંદે માતરમ્ અને વિધાનસભાની પરંપરાનું અપમાન ગણાવી કાર્યવાહીની માગ કરી છે.