‘જ્ઞાતિ આધારિત ટિપ્પણીઓ હતી, પ્રથમ દૃષ્ટિએ SC/ST એક્ટ લાગી શકે’: યુટ્યુબર અજિત ભારતીની આગોતરા જામીનની અરજી ફગાવતાં કોર્ટે શું કહ્યું

અજિત ભારતી (ફોટો સાભાર– યુટ્યુબ)

પત્રકાર અને યુટ્યુબર અજીત ભારતી વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ દાખલ થયેલા કેસમાં ભારતીની આગોતરા જામીનની અરજી ફગાવતાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કહ્યું કે સાંસદ વિરુદ્ધ તેમણે કરેલી જ્ઞાતિ અને લગ્ન આધારિત ટિપ્પણીઓ પ્રથમ દૃષ્ટિએ એસસી/એસટી એક્ટ હેઠળના ગુનામાં આવે છે.

બે દિવસ પહેલાં કોર્ટે અજીત ભારતીની આગોતરા જામીન માટેની અરજી ફગાવી હતી. હવે કોર્ટનો વિગતવાર આદેશ સાર્વજનિક થયો છે.

કોર્ટે આદેશમાં કહ્યું કે રેકર્ડ પર ઉપલબ્ધ સામગ્રી જોતાં જણાય છે કે અજિત ભારતીની ટિપ્પણીઓમાં જ્ઞાતિ આધારિત વાતો પણ હતી. સાથે કહ્યું કે અજિત ભારતીએ વિડીયોમાં કહ્યું હતું કે સાંસદે સવર્ણ યુવતી સાથે લગ્ન કરવા માટે પહેલાં લાયક બનવું પડશે એવી પણ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. કોર્ટનું કહેવું છે કે પ્રથમ દૃષ્ટિએ આ ટિપ્પણીઓને માત્ર સામાન્ય ટિપ્પણીઓ માની ન શકાય.

કોર્ટનું કહેવું છે કે સાંસદે ઉચ્ચ વર્ણની યુવતી સાથે લગ્ન કરવા માટે પહેલાં લાયક બનવું જોઈએ એવી ટિપ્પણી કરવી એ સીધી જ્ઞાતિ આધારિત ટિપ્પણી છે કારણ કે એસસી/એસટી સમુદાયમાં પરણવા માટે લાયક કોઈ પણ માણસે ઉચ્ચ વર્ણની મહિલા સાથે લગ્ન કરવા માટે ‘વધુ લાયક’ શું કામ બનવું જોઈએ?

કોર્ટે કહ્યું કે ટિપ્પણીઓ કયા સંદર્ભમાં કહેવામાં આવી હતી, તેમાં તથ્ય શું છે એ બધી જ બાબતો અજિત ભારતી તપાસ એજન્સી કે ટ્રાયલ કોર્ટ સમક્ષ રાખી શકે છે પરંતુ હાલના તબક્કે આ કોર્ટ માને છે કે કેસમાં એસસી/એસટી એક્ટ હેઠળ પ્રથમ દૃષ્ટિએ ગુનો બને છે. સાથે એમ પણ કહ્યું કે વિડીયોને અનેક લોકો દ્વારા જોવામાં આવ્યો હતો એટલે પ્રાથમિક દૃષ્ટિએ ‘પબ્લિક વ્યૂ’માં ટિપ્પણી નહતી થઈ એવું પણ ન કહી શકાય.

કોર્ટે અજિત ભારતીની અરજી નકારી દીધી છે. જોકે સાથે સ્પષ્ટતા આકરી છે કે તેઓ કાયદા અનુસાર અન્ય રાહત મેળવવા માટે કોર્ટમાં અરજી કરવા માટે કે રજૂઆતો કરવા માટે સ્વતંત્ર છે. ઉપરાંત આ આદેશને ચુકાદો પણ માની લેવામાં ન આવે અને મૂળ કેસ ટ્રાયલમાં નક્કી થશે. પરંતુ પ્રથમ દૃષ્ટયા તથ્યો જોતાં કોર્ટ અરજી મંજૂર કરી શકે તેમ નથી.

સમગ્ર મામલો અજિત ભારતીના એક યુટ્યુબ વિડીયોનો છે. યુટ્યુબ લાઇવ દરમ્યાન અજિત ભારતીની અનામત મુદ્દેની ચર્ચા દરમ્યાન એક યુઝરે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે તેઓ જો પોતાની બહેનનાં લગ્ન ભીમ આર્મી ચીફ અને સાંસદ ચંદ્રશેખર રાવણ સાથે કરાવી દે તો અનામત સમાપ્ત થઈ જશે.

તેના જવાબમાં અજિત ભારતીએ અમુક ટિપ્પણીઓ કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ આઝાદ સમાજ પાર્ટીના માણસે દિલ્હીમાં એક ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ભારતી વિરુદ્ધ એસસી/એસટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં ચંદ્રશેખર રાવણ વિરુદ્ધ અભદ્ર અને જ્ઞાતિ આધારિત ટિપ્પણીઓ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

ભારતીએ પોતાનો બચાવ કરતાં કોર્ટમાં કહ્યું હતું કે પોતે ક્યાંય પણ જ્ઞાતિ આધારિત ટિપ્પણીઓ કરી ન હતી અને એસસી/એસટી એક્ટ હેઠળ કોઈ ગુનો બનતો નથી. ઉપરાંત આમાં પબ્લિક વ્યૂની પણ વાત આવતી નથી. તેમના વતી વકીલ જય અનંત દેહદ્રાઈએ દલીલો કરી હતી. જોકે હાલ કોર્ટે અરજી ફગાવી દીધી છે.