ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ: દુકાનો-હોટેલો 24 કલાક ખુલ્લી રાખવા સહિત 9 બિલ પર થશે ચર્ચા

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્ર આજથી (9 સપ્ટેમ્બર) ગાંધીનગર ખાતે શરૂ થઈ રહ્યું છે. સત્રના પ્રથમ દિવસે 12 વાગ્યે કામગીરી શરૂ થયા બાદ પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરીનો સમય રહ્યો હતો, જેમાં મહેસૂલ, ઊર્જા, નર્મદા અને મહિલા કલ્યાણ જેવા મહત્વના વિભાગો પર ચર્ચા થઈ. પ્રશ્નોત્તરી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક પ્રસ્તાવ રજૂ કર્યો અને પૂર્વ મંત્રી યોગેશ પટેલ અને મોહનસિંહ રાઠવા સહિત પાંચ દિવંગત નેતાઓને શ્રદ્ધાંજલિ આપી. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે સરકાર જનતાના તમામ પ્રશ્નો પર ગૃહમાં સકારાત્મક ચર્ચા કરવા સંપૂર્ણ તૈયાર છે.

આ ચોમાસું સત્ર દરમિયાન રાજ્ય સરકાર નાગરિકો અને વેપારીઓની સુવિધા માટે ઘણાં મહત્વપૂર્ણ બિલો લાવવા જઈ રહી છે. જેમાં ‘ગુમાસ્તા ધારા’માં સુધારો કરીને હવે દુકાનો, મોલ, રેસ્ટોરન્ટ અને શોરૂમ જેવા વ્યાવસાયિક એકમો 24 કલાક ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત દુકાનોની નોંધણી માટે ‘ઇન્સ્પેક્ટર રાજ’ ખતમ કરીને સેલ્ફ-ડેક્લેરેશન અને સેલ્ફ-સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે જ નોંધણી કરવાની નવી અને સરળ જોગવાઈ કરવામાં આવી છે.

રજૂ થશે 9 મહત્વપૂર્ણ બિલ

મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવા માટે ‘ટુકડા જમીન ધારા-1947’માં મોટો સુધારો કરવામાં આવી રહ્યો છે. 29 જાન્યુઆરી 1948થી લઈને 31 માર્ચ 2026 સુધી કાયદાનો ભંગ કરીને જમીનના જે નાના-નાના ટુકડા કરીને વેચાણ કે ભાગીદારી કરવામાં આવી હતી, તે તમામ વ્યવહારોને સરકારે હવે આપોઆપ કાયદેસર ગણી લીધા છે.

આ જૂની ભૂલો કે નિયમભંગને કાયદેસર કરાવવા માટે લોકોએ હવે સરકારને કોઈ પેનલ્ટી કે પ્રીમિયમ નહીં ભરવું પડે. આનાથી જેમની જમીનના બિન-ખેતી (NA-નોન એગ્રીકલ્ચર) કામ અટકેલાં હતાં તેવા લાખો લોકોને મોટો ફાયદો થશે. જો જમીન પર કોઈ કોર્ટ કેસ, વિવાદ કે વાંધો ન હોય તો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવ્યાના એ જ દિવસે મહેસૂલી રેકોર્ડમાં નવા ખરીદનારનું નામ ચઢી જશે અને મંજૂર થઈ જશે. ઑફિસોના ધક્કા નહીં ખાવા પડે.

આરોગ્ય ક્ષેત્રે પ્રસ્તાવિત થયા સુધારા

નાગરિક સેવાઓ અને આરોગ્ય ક્ષેત્રે પણ રાહત આપતા સુધારા પ્રસ્તાવિત કરાયા છે. હવે સરકારી સેવા કે ફરિયાદના નિકાલની માહિતી નાગરિકોને SMS કે ડિજિટલ માધ્યમથી અપાશે અને સમયમર્યાદામાં ઉકેલ ન આવતાં અરજી આપોઆપ અપીલમાં ટ્રાન્સફર થઈ જશે. આરોગ્ય ક્ષેત્રે બીજા રાજ્યના ડૉક્ટરો માટે ગુજરાતમાં પ્રેક્ટિસ કરવા માટે માત્ર સેલ્ફ-ડિક્લેરેશન આપવું પડશે. ઉપરાંત બિલ્ડીંગો માટે ફાયર NOC મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવા કેન્દ્રના નેશનલ બિલ્ડિંગ કોડને બદલે સ્થાનિક બિલ્ડિંગ બાય-લોઝ જ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.

સત્રની કાર્યવાહી વચ્ચે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં સત્રમાં લાવવામાં આવનારા આશરે 9 જેટલા બિલો અંગે વિસ્તૃત ચર્ચા થશે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, પીવાના પાણીની વ્યવસ્થા અને ખરીફ પાકના વાવેતર સહિત ખેડૂતોને લગતી વર્તમાન પરિસ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે.