
પેરિસના એફિલ ટાવર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના આશરે 100 લોકોના પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમની ડ્યુટીથી દૂર રાખવાના આરોપો અંગે BAPS પેરિસે સ્પષ્ટતા કરી છે. નોંધનીય છે કે ભેદભાવના આરોપ લગાવીને કર્મચારીઓએ 7 સપ્ટેમ્બરે કામ અટકાવીને વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે ટાવર પ્રવાસીઓ માટે બંધ કરવો પડ્યો હતો. હવે સંસ્થાએ આ પરિસ્થિતિથી થયેલી અસુવિધા કે દુઃખ બદલ દિલગીરી વ્યક્ત કરી માફી માંગી છે.
BAPS પેરિસે સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે તેઓ આ આરોપોને ખૂબ જ ગંભીરતાથી લે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર પ્રતિનિધિમંડળ મોટું હોવાને કારણે એફિલ ટાવરની ટીમ સાથે પૂર્વ-આયોજન કરીને સામાન્ય ઓપનિંગ સમયે મુલાકાત ગોઠવવામાં આવી હતી, જેથી અન્ય મુલાકાતીઓને કોઈ અસુવિધા ન થાય. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે તેમની જાણ મુજબ કોઈપણ વ્યક્તિને એફિલ ટાવરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા નહોતા.
Nous comprenons les préoccupations exprimées et les prenons très au sérieux.
— BAPS Mandir Swaminarayan Hindou de Paris (@BAPSParis) September 7, 2026
Compte tenu de la taille de notre délégation, la visite a été organisée en coordination avec les équipes de la tour Eiffel, au début des horaires habituels d’ouverture, afin de limiter autant que… pic.twitter.com/gyiwzmh6Jv
સંસ્થા પ્રવેશ રોકવાના આક્ષેપોને નકારી રહી છે, પરંતુ આ સમગ્ર પરિસ્થિતિના કારણે જો કોઈને પણ દુઃખ કે અસુવિધા થઈ હોય તો તે બદલ તેમણે માફી માંગી છે. પોતાના નિવેદનના અંતે BAPSએ પરસ્પર સન્માન અને સેવાના સાર્વત્રિક મૂલ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે.
શું હતો સમગ્ર મામલો?
સપ્ટેમ્બર 2026ના પ્રથમ સપ્તાહમાં પેરિસના બુસી-સેન્ટ-જ્યોર્જ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન BAPSના એક મોટા પ્રતિનિધિમંડળે એફિલ ટાવરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમની પોસ્ટ પરથી હટાવવા અને તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને મૂકવાના આક્ષેપો ઊભા થતાં વિવાદ સર્જાયો હતો.
એફિલ ટાવરના કર્મચારીઓ અને યુનિયને આ વ્યવસ્થાને લિંગ આધારિત ભેદભાવ અને ફ્રાન્સના સમાનતાના મૂલ્યોથી વિપરીત ગણાવી હતી. વિરોધ સ્વરૂપે કર્મચારીઓએ 7 સપ્ટેમ્બરે કામ બંધ કર્યું, જેના કારણે પ્રવાસીઓ માટે એફિલ ટાવર બંધ રહ્યો હતો. પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોયરે પણ આ મામલે તપાસની વાત કરી છે.
એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETEએ સ્વીકાર્યું કે પ્રતિનિધિમંડળ તરફથી મહિલાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયા મર્યાદિત રાખવાની વિનંતી થઈ હતી, પરંતુ આવી શરત સ્વીકારવી યોગ્ય નહોતી. બીજી તરફ, BAPSએ કોઈને દૂર રાખવાનો હેતુ હોવાના આક્ષેપોને નકાર્યા છે અને મુલાકાતીઓને થયેલી અસુવિધા બદલ માફી માંગી છે.
BAPSનું કહેવું છે કે મુલાકાત પહેલેથી સંકલિત હતી અને સામાન્ય પ્રવાસીઓ માટે પ્રવેશ રોકવામાં આવ્યો નહોતો. સામે પક્ષે, SETE અને કર્મચારીઓનો આક્ષેપ છે કે પ્રતિનિધિમંડળની વિનંતીથી મહિલા કર્મચારીઓને તેમની જગ્યાઓ પરથી હટાવાઈ હતી.
આ મુદ્દો હવે ફ્રાન્સના રાજકીય અને સામાજિક ક્ષેત્રે પણ ચર્ચાનો વિષય બન્યો છે. ફ્રાન્સમાં જાહેર જીવનમાં સમાનતાના મૂલ્યોને અત્યંત મહત્વ આપવામાં આવતું હોવાથી નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ યાએલ બ્રોન-પિવે અને પેરિસના મેયરે પણ આ અંગે આકરી પ્રતિક્રિયા આપીને તપાસની વાત કરી છે. હવે આંતરિક તપાસ બાદ જ સમગ્ર તથ્યો વધુ સ્પષ્ટ થશે.

