
વડોદરામાં એક હિંદુ યુવતીએ એક મુસ્લિમ સહકર્મચારી વિરુદ્ધ પરણિત હોવાનું છુપાવીને લગ્નની લાલચ આપીને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે વડોદરા પોલીસે મિરાન મોનુદ્દીન કાદરી વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
મૂળ ઉત્તરાખંડની 21 વર્ષીય યુવતી પરિવાર સાથે વડોદરામાં રહે છે અને વડોદરા એરપોર્ટમાં એરઇન્ડિયા એરલાઈન્સમાં કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે.
ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે જૂન 2024માં નોકરી શરૂ કર્યાના મહિના બાદ એરપોર્ટ પર જ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા મિરાન કાદરી સાથે તેનો પરિચય થયો હતો. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સંપર્કમાં રહેતાં હતાં.
બંને વચ્ચે મિત્રતા અને ત્યારબાદ પ્રેમસંબંધ બંધાયો અને મિરાને યુવતીને લગ્ન માટે કહ્યું હતું. ત્યારબાદ યુવતીએ પણ સહમતિ દર્શાવી. બંનેએ પછીથી વાતચીત કરવાનું, હરવા-ફરવાનું ચાલુ રાખ્યું હતું.
ઑગસ્ટ 2024માં એક વખત આરોપીએ પીડિતાને ફતેગંજમાં મળવા માટે બોલાવી હતી. તે પોતે કાર લઈને આવ્યો હતો. આરોપ છે કે કારમાં તેણે લગ્નની લાલચ આપીને, વિશ્વાસમાં લઈને પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ પણ એ જ જગ્યાએ રાત્રિના અંધારામાં કારમાં જ મિરાને અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
મહિલાનો આરોપ છે કે લગભગ ચાર-પાંચ મહિના પછી એરપોર્ટ સ્ટાફ મારફતે જ તેને જાણવા મળ્યું હતું કે વાસ્તવમાં મિરાન પરણિત છે અને બે સંતાનો પણ છે. તેણે આ અંગે મીરાનને પ્રશ્ન કરતાં તેણે એવું કહ્યાનું કહેવાયું છે કે તેની પત્ની સાથે તલાક લેવા જઈ રહ્યો છે અને બંને વચ્ચે તલાક થાય ત્યારબાદ તે હિંદુ યુવતી સાથે લગ્ન કરશે. પીડિતાનું કહેવું છે કે ત્યારબાદ તે ફરીથી મિરાનની વાતમાં આવી ગઈ હતી.
બુરખો ગિફ્ટમાં આપ્યો, કહ્યું– મારી સાથે લગ્ન કરવાં હોય તો મુસ્લિમ બનવું પડશે
ફરિયાદ અનુસાર, થોડા સમય બાદ મિરાને હિંદુ યુવતીને બુરખો ગિફ્ટમાં આપ્યો હતો અને કહ્યું હતું કે જો તેણે લગ્ન કરવાં હોય તો મુસ્લિમ બનવું પડશે. ત્યારબાદ રમજાન દરમ્યાન રોજા પણ રખાવ્યા હતા. દરમ્યાન મિરાને અનેક વખત મહિલા સાથે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધ્યા હતા.
દરમ્યાન મિરાન સતત યુવતીને કહેતો રહેતો કે તે તેની પત્ની સાથે તલાક લેવા જઈ રહ્યો છે અને ત્યારબાદ બંને લગ્ન કરશે. પરંતુ આ બધી વાતો ખોટી હતી. તેની પત્ની સાથે તલાકની કોઈ વાતચીત કે કાયદાકીય પ્રક્રિયા ચાલતી ન હતી.
યુવતીનું કહેવું છે કે લગભગ એકાદ મહિના પહેલાં મિરાને તેને લગ્ન કરવાની ના પાડી દીધી હતી જેથી યુવતીએ પ્રેમસંબંધ તોડી નાખતાં મીરાન ઉશ્કેરાઈ ગયો અને ગાળો ભાંડીને અશ્લીલ ફોટા વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પછીથી ફોન કરીને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું.
આખરે યુવતી તાજેતરમાં વડોદરા પોલીસ સમક્ષ પહોંચી અને લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે મકરપુરા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 69, 64(2)(m), 296(b), 351(2), 351(3) અને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ 4 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

