
અમદાવાદમાં એક પીજીમાં રહેતી યુવતી પર દુષ્કર્મ આચરવા મામલે એક સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. ઘટના શનિવારે (8 ઑગસ્ટ) રાત્રે બની હતી. આરોપ છે કે યુવતી તેના બિલ્ડિંગના ધાબે ચાલી રહી હતી ત્યારે સિક્યુરિટી ગાર્ડે આવીને ગળે વાયર બાંધીને દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
આરોપીની ઓળખ ધરમસિંહ તરીકે થઈ છે અને મૂળ તે ઉત્તર પ્રદેશના હરદોઈનો રહેવાસી છે. અમદાવાદમાં તે જુદી-જુદી સિક્યુરિટી એજન્સીઓમાં કામ કરી ચૂક્યો હતો અને ઘટના જ્યાં બની એ બિલ્ડિંગમાં છેલ્લા ચાર દિવસ પહેલાં જ નોકરીએ આવ્યો હતો.
પીડિત યુવતી બિલ્ડિંગમાં ભાડે રહેતી હતી. શનિવારે રાત્રે અગાસી પર ચાલી રહી હતી ત્યારે ત્યાં ગાર્ડ આવી ચડ્યો હતો. ત્યારબાદ તેણે યુવતીને ગળા પર વાયર બાંધીને દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ ત્યાંથી લૉક કરીને ભાગી છૂટ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસતાં આરોપી લિફ્ટથી ધાબે જતો અને થોડી વાર બાદ ત્યાંથી પરત ફરતો જોવા મળે છે.
અમદાવાદમાં PGમાં દીકરી સાથે દુષ્કર્મનો કેસ.
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) August 9, 2026
JCP નીરજ બડગુજરે પ્રેસ કોન્ફરન્સ કરી આપી જાણકારી.#Ahmedabad | #CCTV | #PayingGuest | #WomenSafety | #Assault | #SecurityGuard | @AhmedabadPolice
Reporter : @JournoJayesh
Anchor : @VaghelaPra21467 pic.twitter.com/Vp71siA1kG
પછીથી યુવતીએ બૂમાબૂમ કરતા સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. બીજા દિવસની સવારે તે હેબતપુરમાંથી મળી આવ્યો હતો.
સેક્ટર 1 જોઇન્ટ સીપી નીરજ બડગુજરે જણાવ્યા અનુસાર હાલ આરોપીને કસ્ટડીમાં લઈને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉપરાંત તેનું મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવશે. ગુનો નોંધવામાં આવી ચૂક્યો છે. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં વહેલામાં વહેલી તકે ચાર્જશીટ રજૂ થાય એ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વધુ જાણકારી અનુસાર, આરોપી ચાર દિવસ પહેલાં જ અહીં નોકરીએ લાગ્યો હતો. અગાઉ પણ તે અમુક સિક્યુરિટી કંપનીઓમાં કામ કરી ચૂક્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીએ કોઈ પણ પ્રકારના વેરિફિકેશન વગર કે તાલીમ વગર તેને નોકરીએ રાખી લીધો હતો. આ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
હાલ પોલીસ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

