પાકિસ્તાનમાં માર્યો ગયો લશ્કરનો આતંકી કારી સઈદ અબ્દુલ અઝીઝ: અચાનક મસ્જિદના ગેટ પર ઢળી પડ્યો, કારણ અજ્ઞાત

પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સિનિયર આતંકવાદી કમાન્ડર કારી સઈદ અબ્દુલ અઝીઝ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યો છે.

અઝીઝ પાકિસ્તાનના ઈસ્લામાબાદની એક મસ્જિદમાં નમાજ અદા કરવા માટે પહોંચ્યો હતો. જ્યાં અચાનક મસ્જિદના ગેટ પર જ ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પણ તે પહેલાં શ્વાસ છોડી ચૂક્યો હતો.

મૃત્યુનું સાચું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સમાચાર અહેવાલો અનુસાર મસ્જિદ આવવા પહેલાં તેણે એક રેસ્ટોરન્ટમાં ભોજન કર્યું હતું.

કારી સઈદ હાફિઝ સઈદના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં સક્રિય હતો અને જમ્મુ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહીમાં માર્યા જતા આતંકવાદીઓના પરિવારને મદદ પૂરી પાડવાનું કામ કરતો હતો.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીએ જાહેરમાં સ્વીકાર્યું હતું અને ત્યારપછી તેનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં તે કહેતો સંભળાય છે કે છેલ્લા થોડા સમયમાં પાકિસ્તાનમાં લશ્કરના લગભગ 30 માણસોને (આતંકવાદીઓને) મારી નાખવામાં આવ્યા છે.

આ આતંકી રિઝવાન હનીફ હતો. હનીફે એક પછી એક થયેલી આ રહસ્યમય હત્યાઓનો દોષ ભારતીય એજન્સીઓ પર નાખ્યો હતો અને કહ્યું હતું કે એજન્સીઓ અજ્ઞાત બંદૂકધારીઓને મોકલીને પેશાવર, કરાંચી, લાહોર, રાવલપિંડી, ઈસ્લામાબાદ વગેરે શહેરોમાં આતંકવાદીઓને મારી રહી છે.

લશ્કર-એ-તૈયબા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે. ભારતમાં મુંબઈ આતંકવાદી હુમલા સહિત અનેક હુમલાઓમાં સંગઠનનો હાથ હોવાનું સાબિત થઈ ચૂક્યું છે.