કેનેડામાં ભારતીય મૂળની યુવતી હિમાંશી ખુરાનાની હત્યા મામલે પાર્ટનર અબ્દુલ ગફુરીની ધરપકડ, 7 મહિના બાદ પકડાયો

ભારતીય મૂળની 32 વર્ષીય યુવતી હિમાંશી ખુરાનાની હત્યા મામલે કેનેડા પોલીસે સાત મહિને આરોપી અબ્દુલ ગફુરીની ધરપકડ કરી છે. શુક્રવારે (7 ઑગસ્ટ) ટોરોન્ટો એરપોર્ટ પરથી ગફુરીની ધરપકડ કરવામાં આવી હતી.

કેનેડિયન પોલીસ અનુસાર ટોરેન્ટોની ફ્યુજિટિવ સ્ક્વૉડ અને હોમિસાઇડ યુનિટ નેશનલ અને ઇન્ટરનેશનલ એજન્સીઓ સાથે મળીને અબ્દુલની શોધખોળ કરી રહ્યાં હતાં. જોકે પોલીસે એ જણાવ્યું નથી કે અબ્દુલ ક્યાંથી મળી આવ્યો છે.

ડિસેમ્બર 2025માં ઘટના સામે આવ્યા બાદ કેનેડાની પોલીસ અબ્દુલને શોધી રહી હતી અને તેની સામે વૉરન્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આખરે સાત મહિના બાદ તે પકડાયો છે.

શું હતી ઘટના?

19 ડિસેમ્બરના રોજ ટોરન્ટો પોલીસને એક ગુમ વ્યક્તિની ફરિયાદ મળી હતી. બીજા દિવસે સવારે પોલીસને એક ઘરમાંથી એક મહિલાની લાશ મળી આવી. જેની ઓળખ પછીથી હિમાંશી ખુરાના તરીકે થઈ હતી. પોલીસે પછીથી જણાવ્યું કે તેની હત્યા થઈ હતી.

તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે હિમાંશી અબ્દુલ ગફુરી નામના એક શખ્સ સાથે રિલેશનશિપમાં હતી. પછીથી પોલીસે ગફુરીની શોધખોળ શરૂ કરી પણ ત્યાં સુધીમાં તે ફરાર થઈ ચૂક્યો હતો.

જે-તે સમયે ટોરોન્ટો સ્થિત ભારતીય હાઈકમિશને પણ ઘટનાની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે ભારતમાં સ્થિત યુવતીના પરિવારને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે જેમાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓની વિદેશમાં હત્યા કરી નાખવામાં આવી હોય કે અપહરણ કરવામાં આવ્યું હોય.