31 જુલાઈ-1 ઑગસ્ટે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, સુરત, નવસારી અને વલસાડની શાળા-કોલેજોમાં રજા જાહેર

ગુજરાત અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં 31 જુલાઈએ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહીને કારણે અમદાવાદ, વડોદરા, આણંદ અને ખેડા જિલ્લાઓની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સાથે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતરણ થઈ રહ્યું છે અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

હવામાન વિભાગે શુક્રવારે અમદાવાદ, વડોદરા, આણંદ, નર્મદા, છોટાઉદયપુર, ભાવનગર, બોટાદ, ભરૂચ, વલસાડ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ કલેક્ટરે 31 જુલાઈએ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. 1 ઑગસ્ટે શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ રાખવા અંગે નિર્ણય વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાશે.

આ જ રીતે વડોદરામાં પણ શાળા-કોલેજો બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આવી જ સૂચનાઓ ખેડા અને આણંદમાં પણ અપાઈ છે. બીજી તરફ આ તમામ જિલ્લાઓમાં મોટાં હોર્ડિંગ, પોસ્ટરો પણ ઉતારવામાં આવી રહ્યાં છે. અમુક ઠેકાણે ટ્રી-ટ્રિમિંગનું કામ ચાલી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડની શાળાઓ પણ બંધ

ભારે વરસાદની આગાહીને પગલે સુરત, નવસારી અને વલસાડ જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

સુરત કલેક્ટરે આદેશ બહાર પાડીને 31મી જુલાઈએ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને ગ્રામ્ય કક્ષાએ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા માટે સૂચના આપી છે. તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે રજા રહેશે.

વલસાડ અને નવસારીમાં પણ આ રીતે રજા જાહેર કરવામાં આવી છે.

બીજી તરફ ગાંધીનગરમાં પણ સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનરની અધ્યક્ષતામાં એક ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠક યોજાઈ હતી, જેમાં ભારે વરસાદની આગાહી બાદ રાજ્યમાં ચાલતી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાહત કમિશનરે તમામ જિલ્લાના તમામ વિભાગોને સંકલનમાં રહેવા માટે અને પૂર્વતૈયારી કરવા માટે સૂચના આપી હતી.

કહેવાય છે કે રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, એટલે ભારે પવન સાથે વરસાદ આવવાની શક્યતા છે. 3 ઑગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે.