
દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કેન્દ્રીય કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે. 24 જુલાઈના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ‘જાહેર પરીક્ષા (અનૈતિક સાધનોની અટકાયત) અધિનિયમ, 2024’માં કડક સુધારા કરવાના બિલનો ડ્રાફ્ટ મંજૂર કરવામાં આવ્યો છે.
નવા પ્રસ્તાવિત બિલ હેઠળ પેપર લીક અને સંગઠિત ગુનાખોરીમાં સામેલ દોષિતો માટે સજા અત્યંત કડક બનાવવામાં આવી છે. હવે આવા ગુનાઓમાં સંકળાયેલા લોકોને 10 વર્ષ સુધીની જેલની સજા અને ₹10 કરોડ સુધીના ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કેસોના ઝડપી નિકાલ માટે ખાસ ‘ફાસ્ટ-ટ્રેક કોર્ટ’ની સ્થાપના કરવામાં આવશે.
વધુમાં આખી તપાસ અને અદાલતી કાર્યવાહી 3 મહિનાની સમય મર્યાદામાં પૂરી કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેથી ગુનેગારોને તરત સજા મળી શકે. સંસદીય બાબતોના મંત્રી કિરન રિજિજુએ કેબિનેટના નિર્ણય બાદ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર આ મહત્વપૂર્ણ બિલને ટૂંક સમયમાં જ સંસદમાં રજૂ કરવા જઈ રહી છે.
તેમણે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કડક સૂચના આપી છે કે વિદ્યાર્થીઓના હિત અને ભવિષ્ય સાથે જોડાયેલા આ બિલમાં કોઈ પણ પ્રકારનો વિલંબ થવો જોઈએ નહીં. આ કડક કાયદો દેશની તમામ મુખ્ય સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓને આવરી લેશે. જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA), યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC), સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) અને અન્ય અધિસૂચિત સંસ્થાઓ દ્વારા આયોજિત NEET અને JEE જેવી તમામ મોટી પરીક્ષાઓ સામેલ છે.
નોંધનીય છે કે આ નિર્ણય પહેલાં વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંદેશમાં કહ્યું હતું કે પેપર લીકના કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ભારે પીડા થાય છે. વડા પ્રધાને દેશના યુવાનોને આશ્વાસન આપતાં કહ્યું હતું કે સરકારે અગાઉ પણ અનેક દોષિતોની ધરપકડ કરી છે અને 22 લાખથી વધુ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગાડ્યા વિના પરીક્ષાઓ સુચારુરૂપે યોજી છે, પરંતુ આ સમસ્યાને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે વધુ નિર્ણાયક પગલાં લેવા જરૂરી હતા.
ઉલ્લેખનીય છે કે 2024ના કાયદા હેઠળ પ્રશ્નપત્ર લીક કરવું, ડમી ઉમેદવાર બેસાડવો (ઈમ્પર્સનેશન), ઓએમઆર શીટ કે કમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડાં કરવા જેવા ગુનાઓને પહેલેથી જ બિનજામીનપાત્ર અને સંગીન ગુનાની શ્રેણીમાં છે. હવે આ સુધારાનાં પગલે વર્તમાન કાયદો વધુ મજબૂત બનશે. કેબિનેટની મંજૂરી બાદ લગભગ આવતા અઠવાડિયે આ બિલ લોકસભામાં રજૂ થાય તેવી સંભાવના છે.

