પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત બલૂચિસ્તાનમાંથી ફરી એકવાર એવા સમાચાર સામે આવ્યા છે, જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બલૂચ લિબરેશન આર્મી (BLA) સહિતના બલૂચ બળવાખોર સંગઠનો પાકિસ્તાની સેનાને સતત નિશાન બનાવી રહ્યા છે. સૈન્ય કાફલાઓ પર હુમલા, સુરક્ષા મથકોને ઉડાવી દેવાની ઘટનાઓ અને રાજ્ય સામે ખુલ્લી લડાઈ વચ્ચે સોશિયલ મીડિયા પર ‘રિપબ્લિક ઑફ બલૂચિસ્તાન’ના નામે સ્વતંત્રતાની જાહેરાતનો દાવો પણ સામે આવ્યો. ભલે તેની સત્તાવાર પુષ્ટિ થઈ ન હોય, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે બલૂચિસ્તાનમાં સ્વતંત્રતાની ચિંગારી આજે પણ બુઝાઈ નથી.
દરેક વખતે જ્યારે બલૂચિસ્તાનમાં આવો કોઈ હુમલો થાય છે, ત્યારે પાકિસ્તાન તેને માત્ર આતંકવાદ અથવા અલગાવવાદ કહીને આગળ વધી જાય છે. પરંતુ બલૂચ લોકોની નજરે આ કોઈ નવો સંઘર્ષ નથી. તેમના માટે આ એ જ લડાઈ છે, જે લગભગ આઠ દાયકા પહેલાં શરૂ થઈ હતી, જ્યારે એક સ્વતંત્ર રાજ્ય પર બળજબરીથી કબજો કરવામાં આવ્યો હતો. આ કારણે જ આજે પણ હજારો બલૂચ લોકો 27 માર્ચને ‘બ્લેક ડે’ તરીકે યાદ કરે છે અને 11 ઑગસ્ટને પોતાનો વાસ્તવિક સ્વતંત્રતા દિવસ માને છે.
સવાલ એ છે કે શું બલૂચિસ્તાન ખરેખર હંમેશાં પાકિસ્તાનનો જ ભાગ હતું? જો જવાબ ‘હા’ હોય તો સ્વતંત્રતાની માંગ શા માટે? અને જો જવાબ ‘ના’ હોય તો પછી ઇતિહાસના કયા પાને બલૂચિસ્તાન પાકિસ્તાનનો ભાગ બન્યું? આ પ્રશ્નોના જવાબ માટે 1947માં પાછા ફરવું પડશે, જ્યારે પાકિસ્તાન જન્મ લઈ રહ્યું હતું અને તેની વચ્ચે એક એવું રાજ્ય ઊભું હતું, જેને પોતાને સ્વતંત્ર દેશ તરીકે જીવવાનું સ્વપ્ન જોયું હતું.
જ્યારે કલાતે પોતાની સ્વતંત્રતાની ઘોષણા કરી
1947માં આજનું બલૂચિસ્તાન એકસમાન રાજકીય એકમ નહોતું. બ્રિટિશો સીધું સંચાલન કરતા ‘બ્રિટિશ બલૂચિસ્તાન’ ઉપરાંત કલાત, મકરાન, લાસ બેલા અને ખરાન જેવા દેશી રજવાડાં પણ અસ્તિત્વમાં હતાં. તેમાં સૌથી મોટું, સૌથી શક્તિશાળી અને સૌથી પ્રભાવશાળી રાજ્ય હતું કલાત. તેના શાસક ખાન મીર અહમદ યાર ખાન હતા અને કલાતનું બ્રિટિશ સરકાર સાથેનું બંધારણીય સ્થાન અન્ય ઘણાં રજવાડાંઓથી અલગ હતું.
11 ઑગસ્ટ, 1947ના રોજ કલાતે પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી. બ્રિટિશ શાસનના અંત પહેલાં થયેલી વ્યવસ્થાઓમાં કલાતના અલગ રાજકીય અસ્તિત્વને માન્યતા આપવામાં આવી હતી અને બ્રિટિશોના પ્રસ્થાન બાદ કલાતે પોતાને સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપિત કર્યું. ભારત અને પાકિસ્તાન જ્યારે પોતાના ભવિષ્યની રચના કરી રહ્યા હતા ત્યારે કલાતે પોતાનો માર્ગ અલગ પસંદ કર્યો હતો.
સ્વતંત્રતાની જાહેરાત માત્ર કાગળ પરનો નિર્ણય નહોતો. કલાતે પોતાની સંસદીય વ્યવસ્થા ઊભી કરી. ‘દાર-ઉલ-અમરા’ અને ‘દાર-ઉલ-આવામ’ જેવી બે ગૃહોની રચના કરવામાં આવી. આ સંસદ માત્ર ઔપચારિક સંસ્થા નહોતી, રાજ્યના ભવિષ્ય વિશેનો નિર્ણય લેવાની જવાબદારી તેની હતી. તે સમયના દસ્તાવેજો દર્શાવે છે કે કલાત પોતાને કોઈ નવા દેશનો હિસ્સો નહીં, પરંતુ એક અલગ અને સાર્વભૌમ રાજ્ય તરીકે જોતું હતું.
ઝીણાની નજર કલાત પર હતી
પાકિસ્તાન માટે આ પરિસ્થિતિ સ્વીકારવી સરળ નહોતી. અરબી સમુદ્ર સુધી પહોંચતો વિશાળ વિસ્તાર, કુદરતી સંપત્તિ અને વ્યૂહાત્મક સ્થાન ધરાવતું કલાત નવા દેશ માટે અત્યંત મહત્વનું હતું. મહંમદ અલી ઝીણા લાંબા સમયથી કલાત સાથે સંકળાયેલો હતો અને તે ઇચ્છતો હતો કે આ રાજ્ય પાકિસ્તાનમાં ભળી જાય.
પરંતુ કલાતની સંસદે આ વિચારને સ્વીકાર્યો નહોતો. ડિસેમ્બર 1947માં બંને ગૃહોમાં થયેલી ચર્ચા દરમિયાન પાકિસ્તાનમાં જોડાવાના પ્રસ્તાવનો વિરોધ કરવામાં આવ્યો. સભ્યોનું માનવું હતું કે જ્યારે કલાત પહેલેથી જ સ્વતંત્ર છે ત્યારે પોતાની સ્વતંત્રતા શા માટે ગુમાવવી? સંસદના આ નિર્ણયે સ્પષ્ટ કરી દીધું કે કલાત પોતાની ઓળખ અને પોતાના અસ્તિત્વ સાથે આગળ વધવા માંગતું હતું.
કલાતના શાસકે ભારત સાથે પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સમક્ષ પણ કલાતનો મુદ્દો પહોંચ્યો હતો. પરંતુ ભારતે કોઈ હસ્તક્ષેપ કર્યો નહીં! વિભાજનની આગમાં સળગતા ઉપખંડમાં કલાત પોતાની લડાઈ લગભગ એકલું જ લડી રહ્યું હતું.
માર્ચ 1948…
કલાતે સ્વતંત્ર રહેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પાકિસ્તાને તેને અંતિમ નિર્ણય માન્યો નહીં. થોડા જ મહિનાઓમાં પરિસ્થિતિ ઝડપથી બદલાવા લાગી. કલાતની આસપાસના મકરાન, લાસ બેલા અને ખરાન જેવા રાજ્યો પાકિસ્તાનમાં સામેલ થતા ગયા અને સ્વતંત્ર કલાત ચારેબાજુથી ઘેરાતું ગયું. રાજકીય દબાણ હવે ખુલ્લા સૈન્ય દબાણમાં ફેરવાઈ રહ્યું હતું.
27 માર્ચ, 1948ના રોજ પાકિસ્તાની સેનાના દબાણ વચ્ચે કલાત પર કબજો કરવામાં આવ્યો. આ દિવસ બલૂચ ઇતિહાસમાં માત્ર એક તારીખ નથી, પરંતુ તેમની દૃષ્ટિએ પોતાના સ્વતંત્ર દેશના અંતની શરૂઆત છે. આ જ કારણ છે કે આજે પણ હજારો બલૂચ લોકો આ દિવસને શોક દિવસ તરીકે યાદ કરે છે. તેમના માટે 27 માર્ચ કોઈ વિલયનો દિવસ નથી, પરંતુ કબજાનો દિવસ છે.
બલૂચ રાષ્ટ્રવાદીઓ માને છે કે જો કોઈ રાજ્ય પોતાની સંસદ દ્વારા સ્વતંત્ર રહેવાનો નિર્ણય લઈ ચૂક્યું હોય અને પછી સૈન્ય દબાણ હેઠળ તેનો અંત આવે તો તેને સ્વૈચ્છિક વિલય નહીં પરંતુ કબજો જ કહી શકાય. આજ સુધી બલૂચિસ્તાનની રાજનીતિનો સૌથી મોટો આધાર આ જ દલીલ છે.
કબજાના વિરોધમાં સૌપ્રથમ હથિયાર ઉઠાવનાર હતા પ્રિન્સ અબ્દુલ કરીમ
કલાત પર કબજો થતાં જ બલૂચિસ્તાનમાં બધું શાંત થઈ ગયું હતું એવી ધારણા રાખવી સૌથી મોટી ભૂલ હશે. હકીકતમાં તો પાકિસ્તાને 27 માર્ચ, 1948ના રોજ જે અધ્યાય પૂરો થયો હોવાનું માન્યું હતું, તે જ દિવસે બલૂચ વિરોધના નવા અધ્યાયની શરૂઆત થઈ ગઈ હતી. કલાતના શાસક ખાન મીર અહમદ યાર ખાનના નાના ભાઈ પ્રિન્સ અબ્દુલ કરીમે પાકિસ્તાનના નિયંત્રણને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. થોડાક વિશ્વાસુ સાથીઓને સાથે લઈને તેઓ પહાડોમાં પહોંચી ગયા અને ત્યાંથી સશસ્ત્ર પ્રતિકાર શરૂ કર્યો. સંખ્યાબળ, શસ્ત્રો અને સાધનોની દૃષ્ટિએ આ લડાઈ પાકિસ્તાની સેના સામે અસમાન હતી, પરંતુ આ બળવાએ એક એવી વિચારધારાને જન્મ આપ્યો, જે આજે પણ બલૂચિસ્તાનના સંઘર્ષનું કેન્દ્ર છે કે જો સ્વતંત્ર રાજ્ય પર કબજો થયો હોય તો તેને પાછું મેળવવાનો અધિકાર પણ બલૂચ લોકોનો જ છે.
પ્રિન્સ અબ્દુલ કરીમનો આ પ્રયાસ લાંબો ચાલ્યો નહીં. પાકિસ્તાની અધિકારીઓએ તેમને કુરાન પર શપથ લઈને (oath on the Quran) ખાતરી આપી હતી કે જો તેઓ પાછા આવીને હથિયાર મૂકી દે તો તેમને માફી આપવામાં આવશે અને તેમની સાથે કોઈ દગો કરવામાં નહીં આવે. આ ખાતરી પર વિશ્વાસ રાખીને પ્રિન્સ અબ્દુલ કરીમે પોતાના સાથીદારો સાથે પાછા આવીને આત્મસમર્પણ કર્યું.
પરંતુ, આ વચનનું પાલન થયું નહીં. તેમને અને તેમના સાથીઓને ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા અને તેમની સામે દેશદ્રોહના આરોપો હેઠળ કાર્યવાહી કરવામાં આવી. આ ઘટનાને બલૂચ ઇતિહાસમાં પાકિસ્તાન દ્વારા ‘કુરાનની કસમ તોડવાના’ ઉદાહરણ તરીકે વારંવાર ટાંકવામાં આવે છે. છતાં એક વિચાર જીવંત રહી ગયો. બલૂચ સમાજના એક મોટા વર્ગે 1948ને અંત નહીં, પરંતુ શરૂઆત તરીકે યાદ રાખ્યો. આ જ કારણ છે કે આજે પણ બલૂચ રાષ્ટ્રવાદી સંગઠનો પોતાના સંઘર્ષની શરૂઆત પ્રિન્સ અબ્દુલ કરીમથી જ ગણાવે છે.
એક પછી એક પાંચ બળવાઓએ બતાવ્યું કે વિરોધ ક્યારેય દબાયો નહીં
1948ના પ્રથમ બળવા પછી પણ પાકિસ્તાન બલૂચિસ્તાનને સંપૂર્ણપણે પોતાના નિયંત્રણમાં લાવી શક્યું નહીં. સમય જતાં વિરોધની આગ ફરી ભડકતી રહી. 1958માં નવાબ નૌરોઝ ખાનના નેતૃત્વમાં ફરી બળવો થયો. ત્યારબાદ 1962થી 1969 વચ્ચે પહાડી વિસ્તારોમાં લાંબો સશસ્ત્ર સંઘર્ષ ચાલ્યો. 1973માં તત્કાલીન વડા પ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ બલૂચિસ્તાનની ચૂંટાયેલી સરકારને બરતરફ કરી, ત્યારબાદ શરૂ થયેલો સંઘર્ષ તો લગભગ ચાર વર્ષ સુધી ચાલ્યો અને હજારો લોકો તેના ભોગ બન્યા. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાને મોટા પાયે સૈન્ય કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો અને અત્યાર સુધીનો સૌથી લાંબો તબક્કો વર્ષ 2000 પછી શરૂ થયો, જે આજે પણ વિવિધ સ્વરૂપે ચાલુ છે. આ દરમિયાન બલૂચ રાષ્ટ્રવાદી સંગઠનો વધુ સંગઠિત બન્યાં, નવા સશસ્ત્ર જૂથો ઊભાં થયાં અને બલૂચિસ્તાનનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધુ ચર્ચામાં આવવા લાગ્યો. આ સમગ્ર ઇતિહાસ એક જ વાત તરફ ઈશારો કરે છે કે દરેક સૈન્ય કાર્યવાહીએ બળવો થોડા સમય માટે દબાવ્યો હશે, પરંતુ તેને સમાપ્ત કરી શકી નથી.
નવાબ અકબર બગટીનાં મૃત્યુએ સંઘર્ષને આપ્યો નવો વળાંક
જો આધુનિક બલૂચ સંઘર્ષમાં કોઈ એક ઘટનાએ સૌથી મોટો ફેરફાર કર્યો હોય તો તે હતી 2006માં નવાબ અકબર બગટીનું મૃત્યુ. બલૂચિસ્તાનના પ્રભાવશાળી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અકબર બગટી લાંબા સમયથી ઇસ્લામાબાદની નીતિઓના વિરોધમાં હતા. પાકિસ્તાની સૈન્ય કાર્યવાહી દરમિયાન તેમનું મૃત્યુ થતાં સમગ્ર બલૂચિસ્તાનમાં ભારે રોષ ફાટી નીકળ્યો. અનેક યુવાનો માટે આ ઘટના એક ટર્નિંગ પોઇન્ટ બની. ત્યારબાદ સ્વતંત્ર બલૂચિસ્તાનની માંગ માત્ર રાજકીય મંચો પૂરતી સીમિત રહી નહીં, પરંતુ સશસ્ત્ર ચળવળને પણ નવી ગતિ મળી.
આ જ સમયગાળા દરમિયાન બલૂચ લિબરેશન આર્મીનું (BLA) નામ સૌથી વધુ ચર્ચામાં આવવા લાગ્યું. પાકિસ્તાન તેને આતંકવાદી સંગઠન ગણાવે છે, જ્યારે બલૂચ રાષ્ટ્રવાદીઓ તેને સ્વતંત્રતા માટે લડતું સંગઠન તરીકે રજૂ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાની સૈન્ય મથકો, ચીની પ્રોજેક્ટ્સ, ગ્વાદર બંદર અને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) સાથે જોડાયેલા સ્થળો પર થયેલા અનેક હુમલાઓએ BLAને આંતરરાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું.
કુદરતી સંપત્તિથી ભરપૂર ધરતી, પરંતુ સ્થાનિકો માટે વંચિત વિકાસ
બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે અને કુદરતે તેને અપાર સંપત્તિ આપી છે. સુઈના ગેસ ક્ષેત્રોથી લઈને રેકો દિકના સોના અને તાંબાના ભંડારો સુધી, ગ્વાદર જેવા વ્યૂહાત્મક બંદરથી લઈને વિશાળ ખનિજ સંપત્તિ સુધી, બલૂચિસ્તાનને પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ માનવામાં આવે છે. છતાં વર્ષોથી આ સંપત્તિનો લાભ સ્થાનિક બલૂચ લોકોને મળતો નથી. ગેસ સમગ્ર પાકિસ્તાનમાં પહોંચે છે, ખનિજમાંથી અબજો રૂપિયાની આવક થાય છે, બંદરોનો ઉપયોગ રાષ્ટ્રીય વ્યૂહરચનામાં થાય છે, પરંતુ બલૂચિસ્તાનના વિસ્તારો આજે પણ ગરીબી, બેરોજગારી અને પાયાની સુવિધાઓના અભાવનો સામનો કરે છે.
આ જ અસંતોષ ધીમે-ધીમે રાજકીય માંગમાંથી સ્વતંત્રતાની માંગમાં પરિવર્તિત થયો. બલૂચ રાષ્ટ્રવાદીઓનું માનવું છે કે જ્યારે તેમની જમીન, તેમના સંસાધનો અને તેમના ભવિષ્ય પર નિર્ણય લેવાનો અધિકાર તેમની પાસે જ નથી, ત્યારે આ લડાઈ માત્ર વિકાસની નહીં, પરંતુ અસ્તિત્વની બની જાય છે.
‘કિલ એન્ડ ડમ્પ’ અને ગાયબ થતા બલૂચ લોકો
બલૂચિસ્તાનનો સંઘર્ષ માત્ર બંદૂકો અને બૉમ્બધડાકાઓ સુધી સીમિત નથી. છેલ્લા બે દાયકામાં આ લડાઈનો સૌથી ભયાનક ચહેરો ત્યારે સામે આવ્યો, જ્યારે બલૂચ સંગઠનો અને માનવાધિકાર કાર્યકરોએ પાકિસ્તાની સુરક્ષાદળો પર ‘કિલ એન્ડ ડમ્પ’ નીતિ અપનાવવાનો આરોપ લગાવવાનું શરૂ કર્યું. આ આરોપો મુજબ બલૂચ રાષ્ટ્રવાદી કાર્યકરો, વિદ્યાર્થીઓ, પત્રકારો, બુદ્ધિજીવીઓ અને રાજકીય નેતાઓને પહેલાં બળજબરીથી ગાયબ કરી દેવામાં આવે છે, ત્યારબાદ દિવસો કે મહિનાઓ પછી તેમના મૃતદેહો પહાડી વિસ્તારો અથવા સૂમસામ સ્થળોએ મળી આવે છે. બલૂચ લોકોના મતે આ માત્ર હત્યાઓ નથી, પરંતુ આખા સમાજમાં ભય ફેલાવવાનો પ્રયાસ છે, જેથી કોઈ પણ વ્યક્તિ સ્વતંત્રતાની વાત કરતાં પહેલાં સો વખત વિચારે.
આ મુદ્દાને લઈને વર્ષોથી ‘વોઇસ ફોર બલૂચ મિસિંગ પર્સન્સ’ જેવા સંગઠનો હજારો ગુમ થયેલા લોકોની યાદી જાહેર કરતા આવ્યા છે. અનેક પરિવારો આજે પણ પોતાના પુત્રો, પતિઓ અથવા ભાઈઓની રાહ જોઈ રહ્યા છે. બલૂચિસ્તાનના અનેક શહેરોમાં એવી માતાઓ અને બહેનોના પ્રદર્શન સામાન્ય બની ગયાં છે, જેઓ હાથમાં પોતાના સ્વજનોના ફોટા લઈને વર્ષોથી એક જ પ્રશ્ન પૂછે છે કે ‘અમારા પોતાના લોકો ક્યાં છે?’ આ પ્રશ્નનો જવાબ તેમને આજ સુધી મળ્યો નથી.
હ્યુમન રાઇટ્સ વોચ સહિતની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓએ પણ વર્ષોથી બલૂચિસ્તાનમાં બળજબરીથી લોકોને ગાયબ કરવાના અને કોર્ટ બહાર હત્યાના આરોપો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમ છતાં બલૂચ સંગઠનોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જેટલી ગંભીરતા અન્ય સંઘર્ષોને મળે છે, એટલી બલૂચિસ્તાનને ક્યારેય મળી નથી.
મહિલાઓ અને બાળકો પણ આ સંઘર્ષથી બચી શક્યાં નથી
દાયકાઓથી ચાલતા આ સંઘર્ષે બલૂચિસ્તાનના સામાન્ય પરિવારનું જીવન પણ બદલી નાખ્યું છે. અનેક અહેવાલોમાં મહિલાઓ સામે અત્યાચાર, બળજબરીથી નિકાહ, સન્માનના નામે હત્યાઓ અને સામાજિક શોષણના કિસ્સાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બલૂચ કાર્યકરોનું કહેવું છે કે જ્યારે આખો પ્રદેશ સતત સૈન્યીકરણ અને હિંસાની વચ્ચે જીવે છે, ત્યારે સૌથી વધુ અસર મહિલાઓ અને બાળકો પર પડે છે.
બાળમજૂરી પણ બલૂચિસ્તાનની ગંભીર સમસ્યાઓમાંની એક ગણાય છે. કોલસાની ખાણો, ઈંટના ભઠ્ઠા, વર્કશોપ અને અન્ય જોખમી સ્થળોએ મોટી સંખ્યામાં બાળકો કામ કરતા હોવાના અહેવાલો સામે આવતા રહ્યા છે. વિપુલ કુદરતી સંપત્તિ ધરાવતા પ્રદેશમાં હજારો બાળકો શિક્ષણના બદલે મજૂરી કરવા મજબૂર થાય છે, તે બલૂચ સંગઠનો માટે પાકિસ્તાનના વિકાસના દાવાઓ સામે સૌથી મોટો સવાલ છે.
દુનિયાનું મૌન અને બલૂચિસ્તાનનો અનંત સંઘર્ષ
બલૂચિસ્તાનના કાર્યકરો વર્ષોથી સંયુક્ત રાષ્ટ્ર, રેડ ક્રોસ, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપીલ કરતા આવ્યા છે કે તેઓ બલૂચિસ્તાનમાં સ્વતંત્ર તપાસ કરાવે અને માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોની નિષ્પક્ષ તપાસ થાય. પરંતુ બલૂચ રાષ્ટ્રવાદીઓનું માનવું છે કે ભૂરાજકીય હિતો, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC), ગ્વાદર બંદર અને આ પ્રદેશના વ્યૂહાત્મક મહત્ત્વને કારણે વિશ્વની મોટી શક્તિઓએ બલૂચિસ્તાન તરફ એટલું ધ્યાન આપ્યું નથી, જેટલું અન્ય સંઘર્ષોને મળ્યું છે.
આ જ કારણ છે કે બલૂચિસ્તાનનો પ્રશ્ન આજે પણ માત્ર પાકિસ્તાનની આંતરિક સુરક્ષાનો મુદ્દો નથી રહ્યો. તે સ્વનિર્ધારણના અધિકાર, ઐતિહાસિક ન્યાય અને માનવાધિકારની લડાઈ તરીકે પણ રજૂ કરવામાં આવે છે. બલૂચ સંગઠનોનું કહેવું છે કે તેમની માંગ કોઈ નવા દેશની રચના કરવાની નથી, પરંતુ 11 ઑગસ્ટ, 1947ના રોજ અસ્તિત્વમાં આવેલા પોતાના સ્વતંત્ર દેશને ફરી મેળવવાની છે.
1948માં જે શરૂ થયું, તેનો અંત આજે પણ આવ્યો નથી
આજે જ્યારે BLA પાકિસ્તાની સેનાને પડકાર ફેંકે છે, ગ્વાદરથી લઈને બોલાન સુધી હુમલાઓ થાય છે અથવા સોશિયલ મીડિયા પર ફરી ‘રિપબ્લિક ઑફ બલૂચિસ્તાન’ની ચર્ચા શરૂ થાય છે, ત્યારે તેને માત્ર વર્તમાન ઘટનાક્રમ તરીકે જોવો પૂરતો નથી. આ દરેક ઘટનાની પાછળ 1948નો તે અધ્યાય ઊભો છે, જેને બલૂચ લોકો પોતાના ઇતિહાસનો સૌથી કાળો દિવસ માને છે.
પાકિસ્તાન માટે કદાચ 27 માર્ચ, 1948એ બલૂચિસ્તાનનો પ્રશ્ન પૂરો થઈ ગયો હશે, પરંતુ બલૂચ લોકો માટે તે દિવસે એક એવી લડાઈ શરૂ થઈ હતી, જે આજે પણ પૂરી થઈ નથી. તેથી જ 11 ઑગસ્ટ તેમના માટે સ્વતંત્રતાની યાદ છે, 27 માર્ચ કબજાની યાદ છે અને આજનો દરેક સંઘર્ષ એ જ અધૂરી કથાનું નવું પ્રકરણ છે. કદાચ આ જ કારણ છે કે લગભગ આઠ દાયકા પછી પણ બલૂચિસ્તાનના પહાડોમાંથી એક જ અવાજ વારંવાર સંભળાય છે- સ્વતંત્રતાનો.


