ટ્યુશન જતી હિંદુ બાળકી સાથે છેડતી કરનાર રિક્ષાચાલક મોહમ્મદ સઈદખાનને 2 વર્ષની જેલ, પોક્સો કોર્ટે ઠેરવ્યો દોષી: સુરતની ઘટના

સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક મોહમ્મદ સઈદખાન ઉર્ફે ફરીદખાન પઠાણને સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીર હિંદુ બાળકીની છેડતીના કેસમાં દોષિત જાહેર કર્યો છે. કોર્ટે આરોપીને બે વર્ષની કેદ અને 15,000નો દંડ ફટકાર્યો છે.

આ કેસની વિગત મુજબ વર્ષ 2024માં એક 13 વર્ષની વિદ્યાર્થીની ટ્યુશન જવા-આવવા માટે આરોપીની રિક્ષાનો ઉપયોગ કરતી હતી. આ દરમિયાન રિક્ષાચાલક અવારનવાર બાળકીને ડરામણી અને અયોગ્ય વાતો કહીને માનસિક રીતે હેરાન કરતો હતો. એક યાત્રા દરમિયાન તેણે બાળકીને ખોટી રીતે સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

બાળકીએ ઘરે પહોંચીને આ સમગ્ર ઘટના પોતાની માતાને જણાવી હતી. પરિવારે તાત્કાલિક પગલાં ભરીને પોલીસનો સંપર્ક કર્યો, પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (POCSO) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિશાલ ફળદુએ મજબૂત પુરાવા અને સાક્ષીઓ રજૂ કર્યા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજોને ધ્યાનમાં રાખીને રિક્ષાચાલકને ગુનેગાર ઠેરવી સજા સંભળાવી હતી.