મદરેસાના તાલીમાર્થીઓને ‘જેહાદ’માં જોડાવા માટે આપતા દાવત, 8 જગ્યાએ કર્યા હતા IED ટેસ્ટ બ્લાસ્ટ: ગુજરાત ATSએ ઝડપેલા વધુ 5 આતંકીઓ વિશે ઘટસ્ફોટ

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા આતંકી મોડ્યુલ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. અગાઉ ધરપકડ કરાયેલા 8 આતંકીઓની પૂછપરછ દરમિયાન સામે આવેલા ઇનપુટના આધારે ઝડપાયેલા વધુ પાંચ આતંકીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ આતંકી મોડ્યુલ છેલ્લા ત્રણ વર્ષથી IED બનાવવાની તૈયારી કરી રહ્યું હતું અને આ દરમિયાન તેણે 8 અલગ-અલગ સ્થળોએ વિસ્ફોટકનું પરીક્ષણ પણ કર્યું હતું. એટલું જ નહીં, મદ્રેસાના અન્ય તાલીમાર્થીઓને ‘જેહાદ’માં જોડાવા માટે દાવત આપવાનું પણ આ મોડ્યુલનું કામ હતું. કડી કોર્ટે પાંચેય આતંકીઓને 8 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે.

ATSએ અગાઉ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓની ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન વધુ પાંચ લોકોનાં નામ સામે આવતાં સિદ્ધપુર, વડગામ અને ભરૂચમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે પાંચેય આતંકીઓ અગાઉ ઝડપાયેલા આતંકીઓ સાથે સીધા સંપર્કમાં હતા અને પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના નેટવર્કથી પ્રભાવિત થઈને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા.

ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું કે પાંચેય આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી બૉમ્બ બનાવવાના સાહિત્યનો અભ્યાસ કરી રહ્યા હતા અને આ દરમિયાન કુલ 8 વખત અલગ-અલગ અવાવરુ સ્થળોએ IEDના ટેસ્ટ બ્લાસ્ટ પણ કર્યા હતા, જેથી વિસ્ફોટનો અવાજ આસપાસના લોકોને સંભળાય નહીં. આરોપીઓ ગનપાઉડર બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર જેવી સામગ્રી ઑનલાઇન તેમજ સ્થાનિક બજારમાંથી ખરીદતા હતા. તપાસમાં ટાઇમર ડિવાઇસ ખરીદ્યાની વિગતો પણ સામે આવી છે.

તપાસ દરમિયાન આતંકીઓના મોબાઇલ ફોનમાંથી બૉમ્બ બનાવવાની રીત સમજાવતી PDF ફાઇલો, વિસ્ફોટકો તૈયાર કરવા માટેનું સાહિત્ય તેમજ જેહાદી લિટરેચર મળી આવ્યું છે. ATSના જણાવ્યા અનુસાર મળેલું સાહિત્ય જૈશ-એ-મોહમ્મદની વિચારધારા સાથે જોડાયેલું છે અને આતંકીઓ પ્રો-જેહાદી વિચારસરણી અપનાવી ચૂક્યા હતા.

તપાસમાં વધુ એક ચિંતાજનક બાબત સામે આવી છે કે આ મોડ્યુલ માત્ર પોતે કટ્ટરપંથી બન્યું નહોતું, પરંતુ મદ્રેસાના અન્ય તાલીમાર્થીઓને પણ ‘જેહાદ’માં જોડાવવા માટે દાવત આપતું હતું. અત્યાર સુધીમાં આવી ત્રણ બેઠકો યોજાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ATSના જણાવ્યા અનુસાર મહમદ અયુબ કડીવાલાએ પૂછપરછમાં કબૂલ્યું છે કે તે મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ ગાંજીવાલા અને અન્ય આરોપીઓ સાથે મસ્જિદમાં ભેગા થઈને જેહાદી સાહિત્યનો અભ્યાસ કરતો હતો તેમજ IED એસેમ્બલ કરીને બ્લાસ્ટ કેવી રીતે કરવો તેની તાલીમ પણ લેતો હતો.

બિલાલ શેરાએ અગાઉ ઝડપાયેલા મોહમ્મદ અમીન શેરાને એક પેન ડ્રાઇવ આપી હતી. આ પેન ડ્રાઇવમાંથી જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મસૂદ અઝહરના જેહાદી ભાષણોના વિડીયો તેમજ જેહાદી પુસ્તકો મળી આવ્યાં હોવાનું પણ ATSએ જણાવ્યું છે.

તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી બૉમ્બ બનાવવા માટેની સામગ્રી મળી આવી હતી. આરોપી મહમદ અયુબ કડીવાલાએ આ સામગ્રીની મદદથી ટાઇમ બૉમ્બ બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, જોકે તે સફળ થયો નહોતો. બાદમાં આ વિસ્ફોટક સામગ્રી બિલાલ આબિદ શેખ સુધી પહોંચાડવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ATS હાલ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આતંકીઓને કોઈ ચોક્કસ ટાર્ગેટ સોંપવામાં આવ્યો હતો કે નહીં તેમજ તાજેતરની જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખીને કોઈ કાવતરું ઘડવામાં આવ્યું હતું કે કેમ. સાથે આ નેટવર્કમાં અન્ય કેટલા સ્થાનિક લોકો સંકળાયેલા છે તેની પણ તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે 3 જુલાઈએ ગુજરાત ATSએ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સંયુક્ત ઑપરેશન હાથ ધરીને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે તેઓ પાકિસ્તાન સ્થિત JeM હેન્ડલરના સંપર્કમાં હતા, જેહાદી સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરી રહ્યા હતા અને સ્થાનિક યુવાનોને કટ્ટરપંથી બનાવવાના પ્રયાસોમાં લાગેલા હતા. આ નેટવર્કને ચલાવવા માટે તેમને આશરે ₹3 લાખનું ફંડિંગ પણ મળ્યું હોવાનું ATSએ જણાવ્યું હતું. હવે વધુ પાંચ આરોપીઓની ધરપકડ સાથે આ કેસમાં કુલ 13 આતંકીઓ ATSના હાથે ચડી ચૂક્યા છે અને તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યો છે.