સ્કાયરૂટ એરોસ્પેસનું ઐતિહાસિક ‘મિશન આગમન’: દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ 18 જુલાઈએ શ્રીહરિકોટાથી થશે લૉન્ચ– વાંચો વિગતો

ભારતના સ્પેસ સેક્ટરમાં નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ (Skyroot Aerospace) તેનું પ્રથમ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ (Vikram-1) લૉન્ચ કરવા જઈ રહ્યું છે. આ મિશનને ‘મિશન આગમન’ નામ અપાયું છે, જે 18 જુલાઈએ સવારે 11:30 વાગ્યે શ્રીહરિકોટાથી ઉડાન ભરશે. આ દેશની ધરતી પરથી કોઈ ખાનગી કંપનીનું પ્રથમ ઓર્બિટલ લૉન્ચિંગ હશે.

સ્કાયરૂટ એરોસ્પેસની સ્થાપના વર્ષ 2018માં ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો પવન કુમાર ચંદના અને નાગા ભરત ડાકાએ કરી હતી. આ સ્પેસ સ્ટાર્ટઅપ દેશનું પ્રથમ સ્પેસ યુનિકોર્ન બન્યું છે. કંપનીના હૈદરાબાદ સ્થિત અત્યાધુનિક કેમ્પસમાં દર મહિને એક રોકેટ બનાવવાની ક્ષમતા છે. આ પ્રથમ ઓર્બિટલ મિશનના સફળ લૉન્ચ માટે લગભગ 1,000 લોકો અને 400થી વધુ સપ્લાયર્સે વર્ષો સુધી દિવસ-રાત મહેનત કરી છે.

‘વિક્રમ-1’ની વિશેષતાઓ

ડૉ. વિક્રમ સારાભાઈના સન્માનમાં બનેલું આ રોકેટ સાત માળ ઊંચું અને ચાર સ્ટેજવાળું છે. તેની બોડી મજબૂત કાર્બન ફાઈબર કમ્પોઝિટથી બનેલી છે અને તેમાં 3D-પ્રિન્ટેડ એન્જિન તથા સોલિડ બૂસ્ટર્સ જેવી સ્વદેશી ટેકનોલોજી વપરાઈ છે. તે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં (LEO) 450 કિમીની ઊંચાઈએ 350 કિલો સુધીના નાના સેટેલાઇટ્સ મોકલવા સક્ષમ છે.

ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટ ફ્લાઇટમાં રોકેટ વિવિધ દેશી-વિદેશી પેલોડ્સ અંતરિક્ષમાં લઈ જશે. આ પેલોડ્સમાં ગ્રાહા સ્પેસ (Grahaa Space), ડીક્યુબ્ડ (DCubed), કોસ્મોસર્વ (Cosmoserve) અને સ્કાયરૂટના પોતાના ‘સ્કોપ’ પ્લેટફોર્મની ટેકનોલોજી સામેલ છે. આ ઉપરાંત રોકેટમાં ‘કોસ્મિક બ્લૂમ’ નામનું એક માઇક્રો-આર્ટ પેલોડ પણ મોકલવામાં આવી રહ્યું છે.

અંતરિક્ષના કચરાને કરી શકશે સાફ

આ મિશનનું સૌથી મોટું આકર્ષણ હૈદરાબાદના જ સ્ટાર્ટઅપ ‘કોસ્મોસર્વ સ્પેસ’નું ‘મિશન એમ્બ્રેસ’ (Mission Embrace) છે. આ સ્પેસ જંકને સાફ કરવાની દિશામાં ભારતનું એક મોટું પગલું છે. અંતરિક્ષમાં પૃથ્વીની આસપાસ લાખો નાના-મોટા નકામા ટુકડાઓ અને મૃત સેટેલાઇટ્સ ભયજનક ઝડપે ફરી રહ્યા છે, જે ભવિષ્યના સ્પેસક્રાફ્ટ માટે મોટું જોખમ સર્જી શકે છે. આ કચરાને દૂર કરવા માટેની અદ્યતન ટેકનોલોજી આ મિશન દ્વારા ચકાસવામાં આવશે.

કોસ્મોસર્વના સીઈઓના જણાવ્યા મુજબ, ‘મિશન એમ્બ્રેસ’ અંતર્ગત દુનિયાની પ્રથમ ‘સોફ્ટ રોબોટિક કેપ્ચર’ સિસ્ટમનું પ્રદર્શન થશે. આ ટેસ્ટિંગ દરમિયાન આ રોબોટિક હાથ 1 કિલોગ્રામના ડમી ટાર્ગેટને પકડશે, જે ભવિષ્યમાં 500 કિલો સુધીના મોટા મૃત સેટેલાઇટ્સને પકડવા માટે સક્ષમ બનશે. ખાસ વાત એ છે કે આ યુવા સ્ટાર્ટઅપે આ અદ્યતન ટેકનોલોજી કોઈ પણ જાતની બાંધછોડ વિના માત્ર ચાર મહિનામાં તૈયાર કરી છે.

‘લૉન્ચ વ્યુઇંગ ગેલેરી’થી સામાન્ય નગરિકો પણ જોઈ શકશે લૉન્ચ

આ અદભુત ક્ષણને પ્રત્યક્ષ નિહાળવા માટે ઇસરો (ISRO) એ શ્રીહરિકોટા ખાતે 5,000ની બેઠક ક્ષમતા ધરાવતી ‘લૉન્ચ વ્યુઇંગ ગેલેરી’ સામાન્ય નાગરિકો માટે ખુલ્લી મૂકી છે. રસ ધરાવતા લોકો ઇસરોની સત્તાવાર વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ગેલેરીમાં મુકેલી મોટી સ્ક્રીન પર લૉન્ચિંગનો લાઈવ નજારો અને રિયલ-ટાઇમ કોમેન્ટ્રી સાંભળવા મળશે.

વર્ષ 2022માં સ્કાયરૂટે ભારતનું પ્રથમ ખાનગી સબઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-એસ’ લોન્ચ કરીને ઇતિહાસ રચેલો, અને હવે ‘વિક્રમ-1’ ના માધ્યમથી તેઓ સેટેલાઇટ્સને વાસ્તવિક કક્ષામાં સ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ મિશન ભારત માટે માત્ર સેટેલાઇટ લૉન્ચિંગ પૂરતું સીમિત નથી, પરંતુ અંતરિક્ષને સુરક્ષિત અને સ્વચ્છ રાખવાની ટેકનોલોજી પ્રદાન કરનાર ગ્લોબલ લીડર બનવાની દિશામાં પણ એક મોટું પગલું છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો ભારત ખાનગી અંતરિક્ષ અર્થતંત્રમાં એક નવી ઊંચાઈ સર કરશે.