
રાજકોટના ભક્તિનગર અને કોઠારિયા વિસ્તારની અંદાજે 30 રહેણાંક સોસાયટીઓમાં ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ (અશાંતધારો) વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હજારો સ્થાનિક રહિશોમાં રાહતની લાગણી જોવા મળી છે.
તાજેતરમાં ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટની સમયમર્યાદા પૂર્ણ થવાની હોવાથી સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી હતી. વિસ્તારની લોકસાંખ્યિકીનું સંતુલન જળવાઈ રહે તે માટે આ કાયદો યથાવત રાખવાની માંગ પણ ઉઠી હતી. આ મુદ્દે ધારાસભ્ય ઉદય કાનગડે રાજ્યના ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કર્યા બાદ સરકારે વધુ પાંચ વર્ષ માટે કાયદો લંબાવવાનો નિર્ણય લીધો હોવાનું જણાવવામાં આવ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી હિંદુ બહુમતી ધરાવતી સોસાયટીઓમાં ઊંચી કિંમતની ઓફરો સહિત વિવિધ રીતે મિલકતો ખરીદવાના પ્રયાસો થઈ રહ્યા હતા. સ્થાનિકોનું માનવું છે કે આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ નહીં રાખવામાં આવે તો ભવિષ્યમાં વિસ્તારની લોકસાંખ્યિકીમાં ફેરફાર થઈ શકે છે.
ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટનો સમયગાળો લંબાવાયા બાદ નીલકંઠ પાર્ક, કેદાર પાર્ક, મેઘાણીનગર, મેહુલનગર, મારુતિનગર, વિવેકાનંદનગર અને દેવપરા સહિતની સોસાયટીઓમાં સ્થાનિકોએ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. અનેક સ્થળોએ લોકોએ ‘જય શ્રીરામ’ના નારા લગાવી મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.
ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ હેઠળ આવતી મિલકતોના વેચાણ માટે અગાઉની જેમ હવે પણ કલેક્ટરની મંજૂરી ફરજિયાત રહેશે. સ્થાનિકોનું માનવું છે કે આ નિર્ણયથી મિલકતના વ્યવહારોમાં કાયદાકીય જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત થશે અને વિસ્તારમાં સામાજિક શાંતિ જળવાઈ રહેશે.

