જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન અધિકારીઓના ચા-નાસ્તાનાં ₹27.20 લાખનાં બિલ પર ઉઠ્યા સવાલ: સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી અટકાવી, શું છે સમગ્ર મામલો?

રાજકોટ મહાનગરપાલિકા જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશન ઑપરેશન મામલે ફરીથી વિવાદોના વમળમાં ફસાઈ છે. આ કામગીરી દરમિયાન ફરજ પર રહેલા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ માટે કરવામાં આવેલા ચા-પાણી અને ખાણીપીણીના કુલ ₹27.20 લાખના તોતિંગ ખર્ચને મંજૂરી આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે.

નોંધનીય છે કે ફેબ્રુઆરી-2026 દરમિયાન રાજકોટના વોર્ડ નંબર-16માં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ અને ટીપી રોડ પર મનપા દ્વારા એક મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યંત સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં ત્રણ દિવસ સુધી આ કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઑપરેશન અંતર્ગત ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા અંદાજે 1,400થી 1,500 જેટલા બાંધકામોને જેસીબી મશીનો દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.

આ ત્રણ દિવસીય કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે મનપાના કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગનો હજારોનો કાફલો રાત-દિવસ ફરજ પર તહેનાત રહ્યો હતો. ડિમોલિશનની કામગીરી તાત્કાલિક હોવાથી આ ખાણીપીણીની વ્યવસ્થા માટે કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી અને સ્થાનિક સપ્લાયરો પાસેથી સીધો નાસ્તો અને જમવાની વ્યવસ્થા ઉભી કરાઈ હતી.

અધિકારિઓએ ખાણી-પીણીમાં 27 લાખ કર્યા ઓહિયા

આ તમામ સપ્લાયરોના બિલો ભેગા કરીને કુલ ₹27.20 લાખના ખર્ચને મંજૂર કરવા માટે મનપા કમિશનરરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલી હતી. જોકે, જ્યારે આ બિલની વિગતો કમિટી સમક્ષ આવી ત્યારે સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા. આ બિલમાં સામાન્ય ચા-નાસ્તા ઉપરાંત કાજુકતરી, ખજૂર રોલ અને સમોસા જેવી મોંઘી અને વીઆઈપી વાનગીઓનો મોટો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો.

બિલની વિગતો મુજબ માત્ર કાજુકતરી, સમોસા, ખજૂર રોલ અને ખમણની 150 નંગ પ્લેટનું બિલ જ ₹34,650 મૂકવામાં આવ્યું છે. આ ગણતરી મુજબ અધિકારીઓ ગેરકાયદે બાંધકામો તૂટવાના સમયે આશરે ₹231ની એક નંગ લેખે કાજુકતરી આરોગી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, આરાધના ટી સ્ટોલમાંથી ₹6,30,946ની ચા-કોફી અને બિસ્કિટનું બિલ આવ્યું છે, જેમાં સ્ટાફ 21,000 કપ ચા અને 4,000 બોટલ લીંબુ-આદુ શરબત પી ગયો હોવાનો ઉલ્લેખ છે.

ફૂડ પેકેટ્સનું બિલ ₹20 લાખથી વધુ

ખાદ્યસામગ્રીના બિલમાં સૌથી મોટો હિસ્સો ભોજનનો છે. ‘પ્રેમવતી રેસ્ટોરન્ટ’માંથી મંગાવવામાં આવેલા જમવાના લંચ બોક્સ અને ફૂડ પેકેટ્સનું બિલ જ માત્ર ₹20 લાખ 68 હજારનું મૂકવામાં આવ્યું છે. આટલા ટૂંકા ગાળાના ડિમોલિશનમાં લાખો રૂપિયાના આ ખર્ચને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે જેને લઈને વિપક્ષ અને સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ આ વિવાદ મામલે આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીએ ખુલાસો આપતા જણાવ્યું હતું કે 25 ફેબ્રુઆરી 2026ના રોજ મનપા કમિશનરના આદેશ મુજબ એક પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કૉન્ફરન્સમાં આવેલા મહેમાનો અને પત્રકારો માટે કાજુકતરી, ખજૂર રોલ, સમોસા, વેફર અને ખમણની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેના કારણે આ બિલ બન્યું છે.

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ આ બાબતે કડક વલણ અપનાવ્યું છે. તેમણે ડિમોલિશન જેવી કડક અને સંવેદનશીલ કામગીરીમાં ‘કાજુકતરી અને ખજૂર રોલ’ જેવી મોંઘી મીઠાઈઓ પીરસવા બદલ આશ્ચર્ય વ્યક્ત કરીને આ બિલની દરખાસ્તને હાલ પૂરતી પેન્ડિંગ રાખી દીધી છે. કમિટીએ સંબંધિત અધિકારીઓ પાસે આ અંગે વિગતવાર લેખિત ખુલાસો માંગ્યો છે અને તંત્રનો સંતોષકારક જવાબ મળ્યા બાદ જ નાણાં પાસ કરવા અંગે આખરી નિર્ણય લેવાશે તેમ જણાવ્યું છે.