હવે વિદ્યાર્થીઓ ભણશે 1975ની કટોકટી વિશે: 51 વર્ષ બાદ ‘ઇમરજન્સી’નું પ્રકરણ NCERTના અભ્યાસક્રમમાં ઉમેરાયું

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગે (NCERT) પ્રથમ વખત ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તકમાં વર્ષ 1975-77ની રાષ્ટ્રીય કટોકટીના (Emergency) વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘અન્ડરસ્ટેન્ડિંગ સોસાયટી: ઇન્ડિયા એન્ડ બિયોન્ડ’ નામના આ નવા પુસ્તકના છઠ્ઠા પ્રકરણમાં દેશના ઇતિહાસના આ કાળા અધ્યાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી કટોકટીના આ તાનાશાહ ગાળાનો વિગતવાર અભ્યાસ મુખ્યત્વે ધોરણ 12ના રાજકીય વિજ્ઞાનના અભ્યાસક્રમ પૂરતો મર્યાદિત હતો. પરંતુ હવે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પણ ભારતના બંધારણીય મૂલ્યો અને લોકશાહીની સફરનો પરિચય કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે વર્ષ 2026માં આ કટોકટી લાગુ થયાને 51 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આજના જ દિવસે 51 વર્ષ પહેલાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી.

ઇન્દિરા ગાંધીએ લાગુ કરેલી કટોકટીનો ઇતિહાસ

આ નવા પ્રકરણમાં 1970ના દાયકાની શરૂઆતમાં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકાર સામે વધતી જતી આર્થિક મુશ્કેલીઓ, બેરોજગારી, મોંઘવારી અને ગેરવહીવટના આક્ષેપોને કારણે ઊભા થયેલા જનઆક્રોશનો ઇતિહાસ પણ છે. પુસ્તકમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે કે જૂન 1975માં ‘આંતરિક અશાંતિ’ના નામે દેશ પર લાદવામાં આવેલી કટોકટી દરમિયાન નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવ્યું હતું, મીડિયા પર સેન્સરશીપ લાદવામાં આવી હતી અને અનેક રાજકીય નેતાઓ તથા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે લોકશાહી સંસ્થાઓ દબાણ હેઠળ આવી ગઈ હતી.

આ પ્રકરણમાં પીઢ સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ, જેઓ ‘લોકનાયક’ તરીકે લોકપ્રિય છે, તેમની ભૂમિકાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પુસ્તક અનુસાર, જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં ચાલેલા જનઆંદોલનોએ ખાસ કરીને બિહાર અને ગુજરાતમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને એકઠા કર્યા હતા. ત્યારબાદ 1977માં જ્યારે કટોકટી હટાવી લેવાઈ અને સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ત્યારે સત્તાધારી પક્ષના પરાજયથી ભારતીય લોકશાહીની તાકાત સાબિત થઈ હતી અને બેલેટ પેપરનું મહત્વ ઉજાગર થયું હતું.

ફેક ન્યૂઝ સહિતના પડકારો પણ અભ્યાસક્રમમાં ઉમેરાયા

NCERTએ કટોકટીના આ ગાળાને માત્ર એક અલગ ઐતિહાસિક ઘટના તરીકે રાખવાને બદલે તેને આજના સમયમાં લોકશાહી સામે રહેલાં અન્ય જોખમો સાથે સાંકળી લીધો છે. વિદ્યાર્થીઓ હવે આ પ્રકરણમાં કટોકટીની સાથે-સાથે આજના આધુનિક યુગના પડકારો જેવા કે ફેક ન્યૂઝ, ખોટી માહિતીનો ફેલાવો, જાહેર સંપત્તિનું નુકસાન, ગરીબી, પ્રાદેશિકવાદ, જ્ઞાતિ આધારિત ભેદભાવ અને લિંગ અસમાનતા જેવા ગંભીર વિષયો વિશે પણ અભ્યાસ કરશે.

વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાના બદલે લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનાવવા માટે પુસ્તકમાં એક નવો વિભાગ ‘ડેમોક્રેસી એન્ડ યૂ’ ઉમેરવામાં આવ્યો છે. સાથે જ, ભારતમાં પ્રાચીન સમયથી ચાલી આવતી લોકશાહી પરંપરાઓ, મતદારોની ભાગીદારી, મતદાન પ્રણાલી અને પંચાયતો દ્વારા પાયાના સ્તરે લોકશાહીની સમજ તેમજ સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટેના અનામત જેવા મહત્વના મુદ્દાઓ પણ આવરી લેવાયા છે.