
રાજકોટમાં આમ આદમી પાર્ટીની 23 વર્ષીય નેતા નંદનીનું શંકાસ્પદ મોત થતાં ભારે વિવાદ સર્જાયો છે. જેતપુર નવાગઢ નગરપાલિકાની પૂર્વ ઉમેદવાર નંદનીનો મૃતદેહ રાજકોટના ગોંડલ ચોકડી નજીક એક ફ્લેટમાંથી રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના આત્મહત્યા લાગી રહી છે, પરંતુ નંદનીના પરિવારે તેના લિવ-ઈન પાર્ટનર અસલમ હુસેન સમા પર ગંભીર આક્ષેપો કરીને આને સુનિયોજિત હત્યા ગણાવી છે.
અહેવાલો અનુસાર, જૂનાગઢનો રહેવાસી અસલમ હુસેન સમા પહેલેથી જ પરણેલો હતો અને એક બાળકનો પિતા હતો. નંદની જ્યારે જૂનાગઢમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ (MR) તરીકે નોકરી કરતી અને પીજીમાં રહેતી હતી, ત્યારે અસલમ સાથે તેનો સંપર્ક થયો હતો. ત્યારબાદ ગત દિવાળી પર મૈત્રી કરાર કરીને તે નંદનીને રાજકોટ લઈ આવ્યો હતો. પરિવારનો આરોપ છે કે અસલમ એક બુટલેગર છે અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે, જે લિવ-ઈન દરમિયાન નંદનીને સતત માનસિક અને શારીરિક રીતે અસહ્ય ત્રાસ આપતો હતો.
અસલમનો પરિવાર પણ નંદની સાથે કરતો હતો મારપીટ
મૃતકની બહેન અને પિતાના જણાવ્યા અનુસાર અસલમનો પરિવાર પણ આ ઉત્પીડનમાં સામેલ હતો. અગાઉ જૂનાગઢ ખાતે અસલમની બીવી, સાસુ અને સસરા સહિત 5 શખ્સોએ નંદની પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.
નંદની અને અસલમ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડા ચાલતા હતા, કારણ કે અસલમની અમ્મી અને બહેન તેને તેની બીવી પાસે પાછો બોલાવતા હતા. જ્યારે નંદનીએ અસલમની અમ્મીને ત્યાં બોલાવવાનું કહ્યું, ત્યારે અસલમે તેની સાથે ક્રૂરતાપૂર્વક મારપીટ કરી હતી.
મૃતકને ભોળવી ગર્ભાશય કઢાવી નાખ્યું હોવાનો દાવો
આ ઘટના બાદ મૃતકની બહેને એ કચોંકાવનારો દાવો કર્યો છે. તેણે જણાવ્યા અનુસાર જ્યારે નંદની અસલમ સાથે રહેવા ગઈ ત્યારે આરોપી અસલમે પોતે પરિણીત અને એક બાળકનો અબ્બા હોવાનું કહ્યું હતું અને આગળ બીજું કોઈ બાળક ન જોઈતું હોવાનું કહીને નંદનીને ફોસલાવી હતી અને તેનું ઑપરેશન કરાવીને ગર્ભાશય જ કઢાવી નાખ્યું હતું.
અકિલા અનુસાર મોતના આગલા દિવસે જંગલેશ્વર વિસ્તારમાં આવેલા અસલમના માસીના ઘરે નંદની ગઈ હતી. ત્યાં પણ તેની સાથે ઘાતકી રીતે મારપીટ કરવામાં આવી હતી, જેના કારણે નંદનીના શરીર પર ગંભીર ઇજાઓના નિશાનો પડી ગયા હતા. આ ક્રૂરતાનો ભોગ બન્યા બાદ નંદનીએ ગઈકાલે બપોરે પોતાની નાની બહેનને મેસેજ કરીને મારકુટ થઈ હોવાની અને પોતે હવે અલગ રહીને નવું જીવન શરૂ કરશે તેવી વાત કરી હતી. દીકરીનો આ મેસેજ મળતાં જ પિતાએ રાજકોટમાં રહેતા તેમના સગાને તાત્કાલિક તપાસ કરવા મોકલ્યા હતા.
ઘટના બાદથી જ અસલમ ફરાર
જ્યારે સગા વાવડી રોડ પર આવેલા આગમન રેસિડેન્સી ખાતે નંદનીના ફ્લેટ પર પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. શંકા જતાં તેમણે દરવાજો તોડ્યો અને અંદર જોયું તો નંદનીનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદથી જ મુખ્ય આરોપી અસલમ હુસેન સમા પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયો છે.
બીજી તરફ આ શંકાસ્પદ મોત પહેલાં નંદનીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક અત્યંત ભાવુક સ્ટેટસ પણ પોસ્ટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે ‘પપ્પા હું જિંદગીની જંગ હારી ગઈ છું’. નંદનીએ મોતને વહાલું કરતાં પહેલાં સોશિયલ મીડિયા પર મૂકેલા આ ઈમોશનલ સ્ટેટસને પગલે સ્થાનિક પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યો હતો. હાલમાં પોલીસ લિવ-ઈન પાર્ટનર અસલમની શોધખોળ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ નંદનીના મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

