ઉજ્જૈનમાં જ્યાં શરૂ થવાના હતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, ત્યાં ખરીદી લીધી કરોડોની જમીન: મધ્ય પ્રદેશના સીએમ મોહન યાદવના પરિવાર પર આરોપ, પરિવારે કહ્યું– અમે વર્ષોથી આ વ્યવસાયમાં

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ વિવાદોમાં સપડાયા છે. તાજેતરમાં અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે એક રિપોર્ટમાં દાવો કર્યો કે એમપીના ઉજ્જૈનમાં મોહન યાદવના પરિવાર અને તેમની રિયલ એસ્ટેટ કંપનીઓએ કરોડો રૂપિયાની જમીન ખરીદી લીધી છે, જ્યાં સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ મૂકવા જઈ રહી છે.

એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર આ ખરીદી ડિસેમ્બર 2023 બાદ થઈ છે, એટલે કે મોહન યાદવ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછીથી. આંકડાઓ જોવામાં આવે તો આ બે વર્ષમાં ઉજ્જૈનના આસપાસના વિસ્તારોમાં મોહન યાદવના પરિવાર અને સંબંધિત રિયલ એસ્ટેટ કંપનીઓએ 137 પ્લોટ ખરીદ્યા છે, જેનો વિસ્તાર 168 એકર જેટલો થાય છે. કિંમત ₹45 કરોડ જેટલી છે. જેમાંથી 6 પ્લૉટ પછીથી વેચી દેવામાં આવ્યા હતા. રેકર્ડમાં 2026નો ડેટા ઉપલબ્ધ નથી.

આ પ્લૉટ મોહન યાદવની પત્ની સીમા યાદવ, પુત્ર વૈભવની પત્ની શાલિની, ભાઈઓ નંદલાલ અને નારાયણ યાદવ, નારાયણની પત્ની રેખા, તેમના પુત્ર અભય અને પિતરાઈઓ ગોવિંદ અને નિલેશ યાદવ દ્વારા ખરીદવામાં આવ્યા છે. અમુક ખરીદી સીધી રીતે તો અમુક પરિવાર દ્વારા ચલાવવામાં આવતી ચાર રિયલ એસ્ટેટ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે.

અખબારના રિપોર્ટ અનુસાર યાદવ પરિવારે ખરીદેલા મોટાભાગના પ્લૉટ ઉજ્જૈનની આસપાસના એ વિસ્તારમાં આવેલા છે જ્યાં નવા રોડ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યા છે અથવા એ વિસ્તારમાં છે જેને ખેતીમાંથી રેસિડેન્શિયલ કે કમર્શિયલ ઉપયોગ માટે બદલવા માટે ડિમાર્ક કરવામાં આવ્યા હોય. ઉજ્જૈનના માસ્ટર પ્લાન 2035માં આ વિસ્તારો નક્કી કરવામાં આવ્યા હતા.

ઉજ્જૈનનું વિસ્તરણ કરવા માટેનો આ માસ્ટર પ્લાન આમ તો મે 2023માં જાહેર કરવામાં આવ્યો હતો. મોહન યાદવ ડિસેમ્બર 2023માં મુખ્યમંત્રી બન્યા. પરંતુ એ પણ એક હકીકત છે કે તેઓ દાયકાઓથી ઉજ્જૈનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા રહ્યા છે. પહેલાં 2004થી 2010 સુધી તેઓ ઉજ્જૈન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન હતા. ત્યારબાદ 2011-13 સુધી એમપી ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન રહ્યા અને 2013થી ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે.; શિવરાજસિંહ ચૌહાણ સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી પણ હતા.

ડિસેમ્બર 2023માં મોહન યાદવ મુખ્યમંત્રી બન્યા બાદ જાન્યુઆરી 2024માં રાજ્ય સરકારે અમુક નવા રોડ અને હાઈ-વે બનાવવાની ઘોષણા કરી હતી, જે એ જ વિસ્તારમાં છે જ્યાં મુખ્યમંત્રીના પરિવારે જમીન ખરીદી છે. આ પ્લૉટ પછીથી કમર્શિયલ કે રેસિડેન્શિયલ ઉપયોગ માટે તબદીલ કરવામાં આવ્યા, જેથી જેમણે અગાઉ રોકાણ કર્યું હોય તેમને તગડો ફાયદો મળી શકે એ સ્વાભાવિક હતું.

સરકારી અધિકારીઓ, પરિવારના સભ્યોએ શું કહ્યું?

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, મધ્ય પ્રદેશ સરકારના અધિકારીઓ કહી રહ્યા છે કે મુખ્યમંત્રીનો પરિવાર વર્ષોથી રિયલ એસ્ટેટના વ્યવસાયમાં છે અને તેમના વ્યવસાયને મુખ્યમંત્રી સાથે જોડવો યોગ્ય નથી.

પરિવારનું પણ કહેવું છે કે તેઓ આ વ્યવસાય વર્ષોથી કરી રહ્યા છે. મોહન યાદવના પિતરાઈ ભાઈ ગોવિંદના પુત્ર અનંત યાદવે કહ્યું, “અમારો પરિવાર 2010થી આ વ્યવસાયમાં છે. મારા પિતાની 100 વીઘાંની સંપત્તિ છે. મારા કાકાના હાઉસિંગ પ્રોજેક્ટ ચાલે છે. અમને સંપત્તિના ખરીદ-વેચાણનો પૂરેપૂરો અધિકાર છે. કોઈ અમારા પરિવારમાંથી મુખ્યમંત્રી બને તો શું અમે વ્યવસાય બંધ કરી દઈએ?”

આ મુદ્દે મુખ્યમંત્રી મોહન યાદવે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.