ટ્રમ્પ સાથેની બેઠકમાં પીએમ મોદીએ ઉઠાવ્યો ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો, અમેરિકી રાષ્ટ્રપ્રમુખે કહ્યું– પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારત મોટી ભૂમિકા ભજવી શકે

ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બુધવારે (17 જૂન) દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં ટ્રેડ ડીલથી માંડીને બંને દેશો વચ્ચેના વ્યાપાર, રોકાણ તેમજ પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી. દરમ્યાન પીએમ મોદીએ ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો. ટ્રમ્પે પણ પીએમ મોદીની અને ભારતની પ્રશંસા કરી.

બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, ગત વર્ષે વૉશિંગ્ટનની મુલાકાત બાદ ભારત અને અમેરિકાના સંબંધોમાં નવી ગતિ આવી છે અને અનેક વિષયોમાં બંને દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે. ઉપરાંત બંને દેશોની ટીમ પણ સાથે મળીને બંને પક્ષે જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા તેને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરી રહી છે.

પશ્ચિમ એશિયા મામલે પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન આપતાં કહ્યું, “તમારા પ્રયાસોના કારણે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થપાઈ રહી છે અને અમને આશા છે કે હવે આ સ્થિતિ કાયમી રીતે જળવાય રહેશે. સાથે પીએમ મોદીએ ઉમેર્યું કે, સૌ દેશો એ વાત સાથે સહમત થાય છે કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખુલ્લી રહે એ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે બહુ જરૂરી છે.

નાવિકોની સુરક્ષા જરૂરી, શાંતિ કરારમાં પણ તેને પ્રાથમિકતા મળશે એવી આશા રાખીએ: પીએમ મોદી

નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતાં પીએમ મોદીએ કહ્યું, “અમે હંમેશા કહેતા રહ્યા છીએ કે ફ્રીડમ ઑફ નેવિગેશન સુનિશ્ચિત હોવું જોઈએ અને સૌએ સાથે મળીને આ દિશામાં કામ કરવું રહ્યું. મેરીટાઇમ ટ્રેડની દુનિયામાં ભારતના લાખો નાવિકો દુનિયાના અલગ-અલગ હિસ્સામાં પોતાની સેવા આપી રહ્યા છે, વિશ્વની પ્રગતિમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેમની સુરક્ષા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.”

વડા પ્રધાને કહ્યું, “સમજૂતી માટે, શાંતિના પ્રયાસો માટે તમે ભરપૂર પ્રયાસ કર્યો છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે સમજૂતીમાં નાવિકોની સુરક્ષાને પણ પ્રાથમિકતા મળશે.”

મોદી ટફ નેગોશિએટર, ટ્રેડ ડીલ પ્રગતિમાં છે: ટ્રમ્પ

બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ સહિત ઘણી બધી બાબતોની ચર્ચાઓ ચાલી રહી છે. ભારત અમેરિકામાં મોટું રોકાણ કરી રહ્યું છે એ બદલ અમે તેમના આભારી છીએ. અમે ઘણા સમયથી મિત્રો છીએ અને એક ઘનિષ્ઠ સંબંધ પ્રસ્થાપિત થયો છે. આજે વડા પ્રધાનને મળીને આનંદ થયો.”

ટ્રેડ ડીલ બાબતે ટ્રમ્પે કહ્યું કે આ મામલે બંને દેશો વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે અને કાર્ય પ્રગતિમાં છે પરંતુ વડા પ્રધાન મોદી એક ‘ટફ નેગોશિએટર’ છે અને ભારતને, ભારતના લોકોને પ્રાધાન્ય આપીને કામ કરે છે. જોકે તેમને અમેરિકા પ્રત્યે પણ સ્નેહ છે અને અમે જલ્દીથી ડીલ પૂર્ણ કરીશું.

મૃતક નાવિકો પ્રત્યે સંવેદના, તેમની સુરક્ષા માટે અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ: ટ્રમ્પ

નાવિકોની સુરક્ષા મુદ્દે ટ્રમ્પે કહ્યું કે, “મૃતક નાવિકો પ્રત્યે મારી સંવેદના છે. આ બહુ રફ પ્રોફેશન છે એમાં કોઈ શંકા નથી. આ વિશે અમારી ચર્ચા પણ થઈ અને અમે આ મુદ્દે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.”

મોદી નેતા છે ત્યાં સુધી ભારત દરેક બાબતમાં મોટી ભૂમિકા ભજવી શકે: ટ્રમ્પ

ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું પશ્ચિમ એશિયા સંઘર્ષમાં ભારત ભૂમિકા ભજવી શકે, જેના જવાબમાં તેમણે કહ્યું, “મને લાગે છે કે ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે. જ્યાં સુધી મોદી વડા પ્રધાન છે ત્યાં સુધી ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે.”

ટ્રમ્પે એમ પણ કહ્યું કે જ્યાં સુધી મોદી વડા પ્રધાન છે ત્યાં સુધી અમેરિકા સતત ભારતની પડખે ઊભું રહેશે અને ભારત પર કોઈ હુમલો થયો તો અમેરિકા પાછળ નહીં હટે. તેમણે કહ્યું, “બીજા કોઈ નેતાની ખબર નથી, પણ જ્યાં સુધી મોદી વડા પ્રધાન છે ત્યાં સુધી જો ભારત પર કોઈ હુમલો થયો તો અમે હંમેશાં મદદ માટે ઊભા હોઈશું.”