હોમપેજગુજરાતખેડૂત રેલી પહેલાં ક્રેડિટ લેવા બાખડી પડ્યા AAP-કોંગ્રેસના નેતાઓ: પાર્ટીઓને ખેડૂતોની સમસ્યાના...

ખેડૂત રેલી પહેલાં ક્રેડિટ લેવા બાખડી પડ્યા AAP-કોંગ્રેસના નેતાઓ: પાર્ટીઓને ખેડૂતોની સમસ્યાના સમાધાનમાં રસ છે કે રાજકારણ ચમકાવવામાં?

ગુજરાત કિસાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પાલ આંબલિયાએ એક વિડીયો બનાવીને કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો માટે જે માહોલ ઉભો થયો છે તેનો લાભ લેવા માંગે છે અને કોંગ્રેસના નેતાઓએ કરેલી મહેનત પર જશ ખાટવા માટે આવી રહ્યા છે.

- Advertisement -

ખેડૂતો કે બીજા કોઈ વર્ગ માટે અવાજ ઉઠાવવાની, તેમની સમસ્યાઓ મુદ્દે સરકાર સામે પાડવાની મોટી-મોટી વાતો કરીને આંદોલન ઉપાડનારી પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટેભાગે રસ સમસ્યાઓના વાસ્તવિક સમાધાનમાં ઓછો અને પોતાનું રાજકારણ ચમકાવવામાં વધારે રહે છે એ ફરી એક વખત આ બંને પક્ષોએ જ સાબિત કરી બતાવ્યું છે. 15 જૂને કોંગ્રેસે જાહેર કરેલા ખેડૂતોના આંદોલન પહેલાં આ આંદોલન બાજુ પર રહી ગયું અને ક્રેડિટના મુદ્દે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ બાખડી પડ્યા છે.

ખેતરોમાંથી પસાર થતા વીજપોલ અને તેના વળતર મુદ્દે ખેડૂતોમાં નારાજગી છે એવું જાણતાં કોંગ્રેસે થોડા દિવસ પહેલાં મુદ્દો ઉપાડી લીધો અને એક આંદોલનની જાહેરાત કરી દીધી. 15 જૂને રાજ્યભરમાંથી ખેડૂતોને અમદાવાદ બોલાવવામાં આવ્યા અને સાથે ટ્રેક્ટર લાવવા માટે કહ્યું. આ આંદોલનનું આયોજન કોંગ્રેસ કરી રહી છે.

શરૂઆતમાં આમ આદમી પાર્ટીએ પણ આ આંદોલનને સમર્થન આપવું પડ્યું. તેનું કારણ એ છે કે આમ આદમી પાર્ટી પણ ઘણા સમયથી ખેડૂતોના મુદ્દાને જ આગળ કરીને રાજકારણ કરી રહી છે. પાર્ટીઓ વધુ પડતું સૌરાષ્ટ્રમાં ધ્યાન આપી રહી છે અને અહીં ખેડૂતોના મુદ્દાઓ અગત્યના છે. એટલે સાવ અલિપ્ત રહેવામાં આમ આદમી પાર્ટીને નુકસાન ઝાઝું હતું. એટલે સામાન્ય દહાડામાં કોંગ્રેસને ભાંડતી આમ આદમી પાર્ટી શરૂઆતમાં સાથે થઈ ગઈ અને સોશિયલ મીડિયા પર તમામ નેતાઓએ સમર્થન પણ જાહેર કરી દીધું.

- Advertisement -

જોકે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ગુજરાતમાં ક્ષણવારમાં સાથે આવવામાં અને ક્ષણવારમાં છૂટા પડી જવામાં હવે લેશમાત્ર શરમ નડતી નથી. થોડા-થોડા સમયે બંને પાર્ટીઓને એકલા ભાજપને પાડી દેવાની ખંજવાળ ઉપડે છે અને પછી શક્ય ન બને ત્યારે સાથે આવી જાય છે. ફરી ક્યાંક વાંકું પડે એટલે છૂટાં પડી જાય છે અને એકબીજાને ભાજપની ‘બી ટીમ’ કહીને ટાઇમપાસ કરતાં રહે છે.

AAP નેતાઓ જશ ખાટવા તૈયાર ભાણે જમવા આવી રહ્યા છે: કોંગ્રેસ

આમ આદમી પાર્ટીએ સમર્થન જાહેર કર્યું અને તેના નેતાઓના વિડીયો ફરવા માંડ્યા એટલે કોંગ્રેસને સમસ્યાઓ દેખાવા માંડી. આમ પણ યુટ્યુબ મીડિયામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતાં વધારે દેખાવા માંડી છે. એટલે આ યુટ્યુબ પત્રકારોએ કોંગ્રેસના નેતાઓને મૂકીને AAP નેતાઓના વિડીયો ચલાવવા માંડ્યા અને કોંગ્રેસ આંદોલનમાંથી બાજુ પર ખસતી ગઈ.

આંદોલન આવતાં સુધીમાં કોંગ્રેસના નેતાઓને લાગવા માંડ્યું કે આમાં તો તેમને લાઈમલાઈટ બિલકુલ નહીં મળે અને યુટ્યુબરિયાઓની મહેનતે બધો જશ આમ આદમી પાર્ટી ખાટી જશે. એટલે આંદોલનના થોડા કલાક પહેલાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને જ ટાર્ગેટ કરવા માંડી અને આરોપ લગાવ્યો કે તેઓ તૈયાર ભાણે જમવા મથી રહ્યા છે.

ગુજરાત કિસાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પાલ આંબલિયાએ એક વિડીયો બનાવીને કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો માટે જે માહોલ ઉભો થયો છે તેનો લાભ લેવા માંગે છે અને કોંગ્રેસના નેતાઓએ કરેલી મહેનત પર જશ ખાટવા માટે આવી રહ્યા છે.

પાલ આંબલિયાએ AAP નેતાઓને કહ્યું કે જો તેમણે ખેડૂતોના મુદ્દાઓ ઉપાડવા હોય તો નવેસરથી જાહેરાત કરે પરંતુ કોંગ્રેસે તૈયાર કરેલા ભાણે જમવાના પ્રયાસો ન કરે. સાથે આમ આદમી પાર્ટી પર બીજાની મહેનત પર લાભ લેવાનો આરોપ લગાવી દીધો.

આ વિડીયો પછી આમ આદમી પાર્ટીના જે નેતાઓ ખેડૂતોના આંદોલનને સમર્થન આપી ચૂક્યા હતા અને મોટા ઉપાડે ભાગ લેવાની જાહેરાતો કરી ચૂક્યા હતા તેમની ભારે ફજેતી થઈ અને તેમણે આંદોલનમાં જોડાવાની ના પાડી દીધી. ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને બીજા અમુક નેતાઓએ હવે કોંગ્રેસ અને પાલ આંબલિયા પર તરફ બંદૂકનું નાળચું ફેરવી દીધું છે.

ઈસુદાન-ગોપાલની આંદોલનમાં ન જોડાવાની જાહેરાત

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયો બનાવીને કહ્યું કે તેઓ વર્ષોથી ખેડૂતોના મુદ્દાઓ ઉપાડતા રહે છે પરંતુ અમુક પાર્ટીઓ હવે ખેડૂતોના મુદ્દે રાજકારણ કરી રહી છે. જેથી ખેડૂતોનો મુદ્દો ભટકાય ન જાય તે માટે તેઓ આંદોલનમાં ભાગ લેશે નહીં.

ઈસુદાને સાથે કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને કહ્યું કે રાહુલ ગાંધીને શું પીડા થઈ જેથી તેમણે કોંગ્રેસ નેતાઓને આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરવા માટે જણાવ્યું અને તૈયાર ભાણાંની વાત લઈ આવ્યા.

બીજી તરફ ગોપાલ ઈટાલિયાએ પણ એક વિડીયો બનાવી નાખ્યો છે. ગોપાલે પણ આંદોલનમાં ભાગ લેવાની ના પાડી અને કહ્યું કે અમે તૈયાર ભાણે બેસવા નહીં આવીએ. ત્યારબાદ મુદ્દાને સૌથી પહેલો પોતે વિધાનસભામાં ઉપાડ્યો હતો અને ભાજપનો ભાંડો ફોડ્યો એવા દાવા પણ કર્યા. સાથે ગોપાલે કહ્યું કે ખેડૂતોનો મુદ્દો ન ભટકાય અને વાદ-વિવાદ ન થાય તે માટે પોતે ખેડૂતોની રેલીમાં નહીં જોડાય.

જો મૂળ મુદ્દો અગત્યનો હોય તો કોણ આગેવાની કરે છે તેનાથી શું ફેર પડે છે?

આ સમગ્ર ઘટનાક્રમ પરથી સમજવાની વાત એટલી છે કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી બંનેને ખેડૂતોના મુદ્દાઓમાં બિલકુલ રસ નથી, કારણ કે જેને રસ હોય એ કોણ ભાણું તૈયાર કરે અને કોણ તૈયાર ભાણે આવીને બેસી જાય એની ચિંતા રહેતી નથી. આંદોલન જ કરવું હોય અને સમસ્યાના સમાધાનમાં જ રસ હોય તો તેઓ સમસ્યા પર ધ્યાન આપે ક્રેડિટ કોને મળે છે અને કોને નહીં તેની ઉપર નહીં.

અત્યારે બંને પાર્ટીઓ ક્રેડિટ માટે એકબીજા સાથે બાખડી રહી છે. બીજી તરફ અમદાવાદમાં આંદોલન થઈ રહ્યું છે. એ મુદ્દાઓ બાજુ પર રહ્યા અને કોણ જશે અને કોણ નહીં એની ચર્ચા વધુ થઈ રહી છે. કારણ કે આ પાર્ટીઓ માટે મૂળ વિષય જ ક્રેડિટનો છે, આંદોલનો જ તેના માટે થાય છે. બીજો કોઈ આશય હોતો નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં