
કેન્દ્ર સરકારે પેટ્રોલમાં વધુ પ્રમાણમાં ઇથેનોલ મિશ્રણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 10 જૂન, 2026ના રોજ જાહેર કરાયેલી સૂચના મુજબ હવે 22%, 25%, 27% અને 30% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E22, E25, E27 અને E30) પર કેન્દ્રીય એક્સાઇઝ ડ્યૂટી નહીં વસૂલવામાં આવે. આ છૂટ માત્ર તેવા ઇંધણને મળશે જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા નક્કી કરાયેલા ગુણવત્તા ધોરણોનું પાલન કરે છે.
આ નિર્ણય ભારતના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમને વધુ આગળ ધપાવવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી સરકારનું મુખ્ય લક્ષ્ય પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ (E20) હાંસલ કરવાનું હતું. હવે E22થી E30 સુધીના ઇંધણને પણ કરમુક્તિ આપવામાં આવી છે.
તાજેતરમાં BISએ E22, E25, E27 અને E30 પેટ્રોલ માટે નવાં ગુણવત્તા ધોરણો જાહેર કર્યાં હતાં, જે 15 મે, 2026થી અમલમાં આવ્યાં છે. આ ધોરણોમાં ઇથેનોલનું પ્રમાણ, ઓક્ટેન રેટિંગ, સલ્ફરની મર્યાદા અને અન્ય ટેકનિકલ માપદંડો નક્કી કરવામાં આવ્યાં છે. હવે એક્સાઇઝ ડ્યૂટીમાં છૂટ મળતાં આવા ઇંધણના ઉત્પાદન અને ઉપયોગને વધુ પ્રોત્સાહન મળશે.
The government has extended central excise duty exemptions to petrol blended with 22%, 25%, 27% and 30% ethanol. There will be a nil excise duty rate for fuel blends that conform to BIS standards. pic.twitter.com/LM0XfHXLk1
— ANI (@ANI) June 11, 2026
ભારતનો ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઝડપથી આગળ વધ્યો છે. વર્ષ 2022માં 10 ટકા મિશ્રણનું લક્ષ્ય સમય પહેલાં પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ 2022-23માં 12.06 ટકા, 2023-24માં 14.60 ટકા અને 2024-25માં લગભગ 18 ટકા સુધી ઇથેનોલ મિશ્રણ પહોંચ્યું છે. જેના કારણે પેટ્રોલિયમ ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટી છે અને દેશના ઇથેનોલ ઉત્પાદકોને મોટું બજાર મળ્યું છે.
સરકારનું માનવું છે કે ઇથેનોલના વધતા ઉપયોગથી કાચા તેલની આયાતમાં ઘટાડો થશે, વિદેશી ચલણની બચત થશે અને પ્રદૂષણ પણ ઓછું થશે. સાથે જ શેરડી અને અન્ય કૃષિ પાકમાંથી બનતા ઇથેનોલને કારણે ખેડૂતો, ગ્રામ્ય યુવાનો અને કૃષિ ક્ષેત્રને પણ સીધો લાભ મળશે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ ઇથેનોલને સ્વદેશી, પર્યાવરણમૈત્રી અને આયાતના વિકલ્પ તરીકે ગણાવ્યું છે.
આ દરમિયાન કેન્દ્ર સરકારે તાજેતરમાં E85 ઇંધણ પણ લૉન્ચ કર્યું છે, જેમાં 85 ટકા ઇથેનોલ હોય છે. આ પેટ્રોલ હાલમાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. E22થી E30 પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં છૂટ અને E85ના લૉન્ચ સાથે ભારતની બાયોફ્યુઅલ નીતિ વધુ ઝડપથી આગળ વધી રહી હોવાનું માનવામાં આવે છે.

