ઓમાનના દરિયાકાંઠે કમર્શિયલ જહાજ પર અમેરિકી સેનાના હુમલા બાદ 2 ભારતીય નાવિકોનાં મોત, એક હજુ લાપતા: 21ને બચાવી લેવાયા

ઓમાનના સોહાર બંદરથી લગભગ 20 નોટિકલ માઈલ દૂર ગલ્ફ ઑફ ઓમાન વિસ્તારમાં બુધવારે એક કમર્શિયલ ઓઇલ ટેન્કર ‘સેત્તેબેલો’ પર અમેરિકાએ હુમલો કરી દીધો હતો. આ જહાજમાં કુલ 28 ક્રૂ સભ્યો હતા, જેમાંથી 24 ભારતીય નાગરિકો હતા. હુમલા બાદ 21 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ત્રણ ભારતીયો લાપતા હતા, જેમાંથી બેના મૃત્યુની પુષ્ટિ થઈ છે. અન્ય એક મરીન એન્જિનિયર હજુ લાપતા છે, જેમની ભાળ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

હુમલામાં જહાજના એન્જિન રૂમને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેના કારણે જહાજમાં આગ લાગી ગઈ હતી. જહાજે તાત્કાલિક મદદ માટે સંદેશ મોકલતાં ઓમાનની નૌસેનાએ બચાવ કામગીરી શરૂ કરી હતી અને મોટાભાગના ક્રૂ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે ત્રણ ભારતીય નાગરિકોને બચાવી શકાયા ન હતા.

આ ઘટનાને લઈને ભારતે કડક વલણ અપનાવ્યું છે. સરકારે નવી દિલ્હીમાં અમેરિકાના કાર્યકારી રાજદૂતને બોલાવીને ભારતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ટ્રમ્પ પ્રશાસન સત્તામાં આવ્યા બાદ ભારતે પહેલી વખત કોઈ અમેરિકન રાજદૂતને આ રીતે તેડું મોકલ્યું હતું. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે વ્યાપારી જહાજો અને સિવિલિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલા સ્વીકાર્ય નથી.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે દરિયાઈ માર્ગો પર સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. ભારતે તાત્કાલિક તણાવ ઘટાડવા અને રાજદ્વારીક ઉકેલ દ્વારા શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં વેપાર અને નૌકાવહનને અવરોધ વિના ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ઉપરાંત મસ્કત સ્થિત દૂતાવાસનું કહેવું છે કે તેઓ સતત ઓમાન સરકાર સાથે સંપર્કમાં છે અને સંભવ તમામ મદદ પૂરી પાડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં ભારતીય નાવિકો સાથે સંકળાયેલી આ બીજી મોટી ઘટના છે. ગલ્ફ વિસ્તારમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે કમર્શિયલ જહાજો જોખમમાં મુકાઈ રહ્યાં છે. હોર્મુઝની ખાડી વિશ્વના ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વનો માર્ગ છે અને અહીં સર્જાતી અસ્થિરતાનો પ્રભાવ વૈશ્વિક તેલ અને ગેસના બજારો પર પણ પડી રહ્યો છે.