POKમાં ક્રેશ થયું પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર, તમામ 21 સૈનિકોનાં મોત: સેનાએ આપ્યું ‘ટેકનિકલ ખામી’નું કારણ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાની સેનાનું એક હેલિકોપ્ટર તૂટી પડ્યું છે. ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 21 સેનાના કર્મચારીઓ માર્યા ગયા છે. પાકિસ્તાની સેના અને ‘ટેકનિકલ ખામી’ ગણાવી રહી છે પણ તાજેતરની POKની પરિસ્થિતિને જોતાં વિદ્રોહીઓએ તોડી પાડ્યું હોવાની આશંકા પણ નકારી શકાય તેમ નથી.  

પાકિસ્તાની સેનાએ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે કોઈ પણ બચી શક્યું નથી. ઘટના મુજફ્ફરાબાદ નજીક ટેક ઑફ દરમ્યાન ‘ટેકનિકલ ખામી’ના કારણે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના બાદ રેસ્ક્યુ ટીમો સ્થળ પર પહોંચી હતી. સાથે ‘ટેકનિકલ ખામી’ પાછળનું કારણ શોધવા માટે તપાસ ચાલી રહી હોવાનું પણ જાણવવામાં આવ્યું.

હેલિકોપ્ટર એ જ મુજફ્ફરાબાદમાં ક્રેશ થયું જ્યાં હાલ તણાવની પરિસ્થિતિ છે. જોઇન્ટ આવામી એક્શન કમિટી પ્રતિબંધિત કર્યા બાદ 9 જૂનના રોજ લૉકડાઉનનું એલાન કરવામાં આવ્યું હતું, તે પહેલાં પાકિસ્તાની સેના અને JAACના પ્રદર્શનકારીઓ વચ્ચેના સંઘર્ષમાં 30નાં મોત થયાં હતાં અને સેંકડોને ઈજા પહોંચી હતી.

આ પરિસ્થિતિમાં એક આશંકા એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાની સેના POKના મુઝફ્ફરાબાદમાં વધુ સૈનિકો ખસેડી રહી હતી ત્યારે જ તેના હેલિકોપ્ટરને ટાર્ગેટ કરવામાં આવ્યું હોય શકે. તેમ હોય તોપણ પાકિસ્તાની સેના ક્યારેય સ્વીકારશે નહીં.