ટીએમસીના બળવાખોર સાંસદોના જૂથમાં સાયોની ઘોષ પણ: રિપોર્ટ; ચૂંટણી વખતે ગાયું હતું ‘કાબા-મદીના’, કહ્યું હતું– મમતા બેનર્જીનો સાથ નહીં છોડું

પશ્ચિમ બંગાળમાં દોઢ દાયકો સત્તામાં રહેલી તૃણમૂલ કોંગ્રેસ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ફેંકાઈ ગયા બાદ હવે પાર્ટીમાં ભાગદોડ મચી ગઈ છે. પહેલાં 80માંથી 60 ધારાસભ્યોએ બળવો કર્યા બાદ હવે 28માંથી 20 સાંસદો બળવાખોર બન્યા છે. આ સાંસદોમાં હવે એક નામ સાયોની ઘોષનું પણ હોવાનું કહેવાય છે.

સાયોની ઘોષ હાલ બંગાળના જાદવપુરથી ટીએમસીની ટિકિટ પર સાંસદ છે. જોકે હજુ સુધી તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાયોનીએ પણ 20 બળવાખોર સાંસદોના જૂથમાં નામ નોંધાવી દીધું છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટીએમસીમાંથી રાજીનામું આપી ચૂકેલાં સાંસદ કાકોલી ઘોષની આગેવાનીમાં ટીએમસીના 20 સાંસદોએ અલગ જૂથ બનાવીને લોકસભા સ્પીકરને પત્ર લખીને NDAને સમર્થન આપવા માટે જણાવ્યું હતું.

મીડિયા અહેવાલોનું માનીએ તો સાયોની ઘોષે પણ મમતા બેનર્જીનો સાથ છોડી દીધો છે અને બળવાખોર સાંસદો સાથે જઈને બેસી ગઈ છે.

અભિનેત્રી રહી ચૂકેલી સાયોનીએ 2021માં તૃણમૂલ કોંગ્રેસ સાથે રાજકારણ શરૂ કર્યું હતું અને 2024માં પાર્ટીની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતી હતી. 2026ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તેણે ભાજપવિરુદ્ધ અને મમતાના સમર્થનમાં બહુ પ્રચાર કર્યો હતો. દરમ્યાન તેનું એક ‘હૃદયમાં કાબા, નયનમાં મદીના’વાળું એક ગીત પણ બહુ વાયરલ થયું હતું. જોકે આ ગીતથી ટીએમસીને ફાયદો કરતાં નુકસાન વધુ થયું કારણ કે મુસ્લિમ તુષ્ટિકરણની પાર્ટીની નીતિ ફરી એક વખત છતી થઈ ગઈ હતી.

ચૂંટણી દરમ્યાન સાયોનીએ મમતા બેનર્જી સાથે રહેવાના દાવા કર્યા હતા પણ હવે પરાજય પછી ફેરવી તોળીને મમતાનો સાથ છોડી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે સાયોની તરફથી આ બાબતની પુષ્ટિ હજુ બાકી છે.