‘શું તમે ખાલિસ્તાની આતંકનો ઇતિહાસ નથી જાણતા’: RSS વિચારક રતન શારદાએ મહારાષ્ટ્રના મંત્રીને ઘેર્યા, ભિંડરાંવાલેના પોસ્ટરોથી સજ્જ સ્ટેજ પર પહોંચ્યા હતા ભાજપ નેતા

ખાલિસ્તાની આતંકી જરનૈલ ભિંડરાંવાલેનાં પોસ્ટરોથી સજ્જ સ્ટેજ પર હાજરી આપવા અને ‘ઑપરેશન બ્લુ સ્ટાર’ પર ટિપ્પણી કરવા બદલ મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજન સવાલોના કઠેડામાં ઊભા રહી ગયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક અને લેખક રતન શારદાએ આ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા છે. તાજેતરમાં ગિરીશ મહાજન અમૃતસરમાં ‘ઑપરેશન બ્લુસ્ટાર’ની વરસી પર આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

PTIના અહેવાલ મુજબ, આ કાર્યક્રમ દરમિયાન ગિરીશ મહાજને ‘ઑપરેશન બ્લુ સ્ટાર’ને એક ‘કાળો દિવસ’ ગણાવ્યો હતો અને આ સૈન્ય ઑપરેશનમાં માર્યા ગયેલાઓને ‘શહીદ’ તરીકે સંબોધ્યા હતા. ઉપરાંત તેમણે આ સૈન્ય કાર્યવાહીની સરખામણી સુવર્ણ મંદિર (ગોલ્ડન ટેમ્પલ) પર થયેલા અહમદ શાહ અબ્દાલીના આક્રમણ સાથે કરીને તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની આકરી ટીકા કરી હતી.

મહાજને કહ્યું હતું કે, “આપણા માટે ‘ઑપરેશન બ્લુ સ્ટાર’ એક કાળો દિવસ છે. આમાં આપણાં ભાઈ-બહેનો માર્યાં ગયાં. આ આપણા પવિત્ર સ્થળ પર એક સૈન્ય હુમલો હતો. ઇન્દિરાજીએ બળજબરીથી સેનાને પંજાબ અને આપણા પવિત્ર ધામમાં મોકલી હતી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આટલી મોટી ભયાનક ત્રાસદી સર્જાઈ. હું આને માત્ર એક અકસ્માત નહીં પરંતુ એક સુનિયોજિત કાવતરું કહીશ, જેમાં આપણાં અનેક ભાઈ-બહેનોએ જીવ ગુમાવ્યા. આટલું બધું થયા પછી પણ આજ સુધી કોઈને સજા ન મળી.”

‘શું તમને ખાલિસ્તાની આતંકવાદનો ઇતિહાસ ખબર છે?’: મહાજનને રતન શારદાનો સવાલ

RSS વિચારક રતન શારદાએ આ બાબતે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “હું પૂરેપૂરા સન્માન સાથે ગિરીશ મહાજનને પૂછવા માંગું છું કે શું તેઓ ખરેખર પંજાબ અને ખાલિસ્તાની આતંકવાદના ઇતિહાસ વિશે જાણે છે? આપણે તે સમય પણ જોયો છે.”

તેમણે આગળ લખ્યું, “ભિંડરાંવાલેના નેતૃત્વમાં પંજાબમાં અંદાજે 30,000 હિંદુઓ અને 50,000 શીખોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. RSS કે ભાજપ ક્યારેય તેની સામે ઝૂક્યા નથી. મહેરબાની કરીને તમે મહારાષ્ટ્ર પાછા આવી જાઓ. પંજાબ ભાજપ અને શીખ-હિંદુના ભાઈચારાના સંબંધોને નુકસાન ન પહોંચાડો. તમારા સલાહકારોને કાબૂમાં રાખો.”

ગિરીશ મહાજનના આ વિવાદાસ્પદ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદથી જ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો હોબાળો મચી ગયો છે. ઘણા રાજકીય નેતાઓએ મુખ્યમંત્રી પાસે ગિરીશ મહાજનને મહારાષ્ટ્ર કેબિનેટમાંથી તાત્કાલિક હટાવવાની માંગ કરી છે.