ટ્રમ્પનો વધુ એક આદેશ અમેરિકાની કોર્ટે પલટાવ્યો: H-1B વિઝા પર 1 લાખ ડૉલરની ફી લગાવવાનો નિર્ણય ગેરકાયદેસર ઠેરવીને રદ કરાયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને H-1B વિઝા નીતિ મામલે મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. અમેરિકાની ફેડરલ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા નવા H-1B વિઝા પર લાદવામાં આવેલી 100,000 ડૉલરની (આશરે ₹85 લાખથી વધુ) ફીને ગેરકાયદેસર ગણાવીને રદ કરી દીધી છે. કોર્ટે કહ્યું છે કે આ ફી વાસ્તવમાં એક ટેક્સ છે અને કોંગ્રેસની સ્પષ્ટ મંજૂરી વિના રાષ્ટ્રપતિ તેને લાદી શકતા નથી.

બોસ્ટનમાં અમેરિકી જિલ્લા ન્યાયાધીશ લિયો સોરોકિને સોમવારે (8 જૂન) આ ચુકાદો આપ્યો હતો. આ મામલો 20 ડેમોક્રેટિક રાજ્યઓના એટર્ની જનરલ્સ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસના આધારે કોર્ટ સમક્ષ આવ્યો હતો. તેમણે સપ્ટેમ્બર 2025માં ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા H-1B વિઝા ફી વધારાને પડકાર્યો હતો.

ટ્રમ્પ પ્રશાસને ગયા વર્ષે H-1B વિઝા માટે $100,000 નવી ફી જાહેર કરી હતી. તે પહેલાં વિદેશી કર્મચારી માટે H-1B વિઝા મેળવવા અમેરિકી કંપનીઓ સામાન્ય રીતે વિવિધ ફી મળીને આશરે $2,000થી $5,000 સુધી ખર્ચ કરતી હતી. નવી ફી લાગુ થતાં H-1B વિઝાની કિંમતમાં અસાધારણ વધારો થયો હતો.

કોર્ટમાં ટ્રમ્પ પ્રશાસને દલીલ કરી હતી કે આ ફી નહીં પરંતુ એક પ્રકારની નાણાકીય દંડાત્મક જોગવાઈ છે. પ્રશાસનનું કહેવું હતું કે અમેરિકી ઇમિગ્રેશન કાયદા હેઠળ રાષ્ટ્રપતિને એવા વિદેશી નાગરિકોના પ્રવેશ પર નિયંત્રણ મૂકવાની સત્તા છે, જેમનો પ્રવેશ અમેરિકાના હિતો માટે હાનિકારક માનવામાં આવે.

પરંતુ ન્યાયાધીશ સોરોકિને આ દલીલ સ્વીકારી નહોતી. તેમણે પોતાના ચુકાદામાં જણાવ્યું કે $100,000ની ચુકવણીની રચના અને તેનો અમલ દર્શાવે છે કે તે હકીકતમાં ટેક્સ છે, પછી તેને ગમે તે નામ આપવામાં આવ્યું હોય. તેમણે સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસે રાષ્ટ્રપતિને આવો ટેક્સ લાદવાની સત્તા આપી નથી, તેથી અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) આ ફી અમલમાં મૂકી શકતા નથી.

ચુકાદામાં ન્યાયાધીશે આ વર્ષની શરૂઆતમાં અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના વ્યાપક ટેરિફ સંબંધિત નિર્ણય સામે આપેલા ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જેમ સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિની સત્તાઓની મર્યાદા અંગે સ્પષ્ટતા કરી હતી, તેવી જ કાનૂની દલીલ H-1B ફી મામલે પણ લાગુ પડે છે.

ચુકાદા બાદ વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે તે આ નિર્ણય સામે અપીલ કરશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા ટેલર રોજર્સે જણાવ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસનને વિશ્વાસ છે કે અપીલમાં આ નિર્ણય પલટાઈ જશે. તેમના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ પાસે અમેરિકાના હિતમાં ન હોય એવા વિદેશી નાગરિકોના વર્ગોના પ્રવેશને મર્યાદિત કરવાની સ્પષ્ટ કાનૂની સત્તા છે.

H-1B વિઝા અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ સ્કિલ્ડ વર્કર વિઝા યોજનાઓમાંની એક ગણાય છે. આ યોજના હેઠળ દર વર્ષે 65,000 વિઝા આપવામાં આવે છે. ઉપરાંત ઉચ્ચ ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે વધારાના 20,000 વિઝાની જોગવાઈ છે. આ વિઝા સામાન્ય રીતે ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે અને તેને છ વર્ષ સુધી લંબાવી શકાય છે.

ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, સંશોધન અને અન્ય વિશેષ કુશળતા ધરાવતા ક્ષેત્રોમાં અમેરિકી કંપનીઓ H-1B વિઝાનો વ્યાપક ઉપયોગ કરે છે. ભારતીય વ્યાવસાયિકો H-1B વિઝા મેળવનારાઓમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે અને દર વર્ષે મંજૂર થનારા વિઝામાં ભારતીયોની ભાગીદારી 70 ટકા કરતાં વધુ રહે છે.

ટ્રમ્પે $100,000ની ફી જાહેર કરતી વખતે દાવો કર્યો હતો કે H-1B પ્રોગ્રામનો ઉપયોગ અમેરિકી કર્મચારીઓની પૂરક જરૂરિયાત પૂરી કરવા માટે નહીં પરંતુ તેમના સ્થાને સસ્તા વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવા માટે થઈ રહ્યો છે. પ્રશાસનનું કહેવું હતું કે આ પગલું અમેરિકી નાગરિકોની રોજગારીનું રક્ષણ કરવા માટે જરૂરી છે.

જોકે આ ફી લાગુ થયા બાદ તેનો ઉપયોગ ખૂબ મર્યાદિત રહ્યો હતો. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર 15 ફેબ્રુઆરી 2026 સુધી USCISને માત્ર 85 વખત જ $100,000ની ફી ચૂકવવામાં આવી હતી. આ આંકડો દર્શાવે છે કે ભારે ફી વધારાએ કંપનીઓને H-1B વિઝા પ્રક્રિયાથી દૂર રાખી હતી.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પ્રશાસન H-1B વિઝા સિસ્ટમમાં અન્ય ફેરફારો પણ આગળ ધપાવી રહ્યું છે. તેમાં અરજદારોની વધુ કડક ચકાસણી અને વધુ કુશળ તેમજ વધુ વેતન ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપતી નવી પસંદગી પ્રક્રિયાનો સમાવેશ થાય છે.

$100,000ની ફી વિરુદ્ધ અનેક કાનૂની પડકારો ઉભા થયા હતા. યુએસ ચેમ્બર ઑફ કોમર્સ સહિત વિવિધ પક્ષોએ પણ તેના વિરુદ્ધ અલગ-અલગ કેસ દાખલ કર્યા હતા. જોકે હાલના ચુકાદામાં બોસ્ટનની ફેડરલ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસની મંજૂરી વિના આ પ્રકારની વસૂલી કાયદેસર ગણાવી શકાય નહીં.

આથી હાલ માટે H-1B વિઝા પર ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલી $100,000ની ફી અમાન્ય ઠરી છે, જોકે મામલો હવે અપીલ કોર્ટ સુધી પહોંચે તેવી શક્યતા છે.