
અલ્હાબાદ હાઇકોર્ટે બરેલીમાં થયેલી સાંપ્રદાયિક હિંસાના મુખ્ય આરોપી અને કાવતરાખોર મૌલાના તૌકીર રઝા ખાનને મોટો ઝટકો આપતાં તેની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કેસની ગંભીરતા, ઉપલબ્ધ પુરાવા અને આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને તેને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
જસ્ટિસ અરુણ કુમાર સિંઘ દેશવાલની એકલ બેન્ચે 5 જૂન, 2026ના રોજ આદેશ આપતાં નોંધ્યું હતું કે આરોપીને જેલમાંથી મુક્ત કરવામાં આવે તો સમાજની શાંતિ અને સૌહાર્દ માટે જોખમ ઊભું થઈ શકે છે.
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે કેસના તથ્યો અને સંજોગો પરથી પ્રાથમિક દૃષ્ટિએ સ્પષ્ટ થાય છે કે મૌલાના તૌકીર રઝા ખાને એક જાહેર સભામાં મુસ્લિમ સમુદાયના મોટી સંખ્યામાં યુવાનોને બરેલીના ઇસ્લામિયા ઇન્ટર કોલેજ ખાતે એકત્ર થવા માટે ઉશ્કેર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે સાક્ષીઓના નિવેદનો અને ઉપલબ્ધ વિડીયો ક્લિપ્સ પરથી પણ એવું જણાય છે કે તેમના ભડકાઉ ભાષણ બાદ જ ભીડ એકત્ર થઈ હતી.
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે ભીડ દ્વારા કરવામાં આવેલા ગુનાઓ માટે મુખ્ય કાવતરાખોર તરીકે તૌકીર રઝા ખાન જવાબદાર ગણાય છે, કારણ કે તેના ઉશ્કેરણીભર્યા ભાષણ પછી જ ભીડે કાયદો પોતાના હાથમાં લીધો હતો.
સુનાવણી દરમિયાન કોર્ટે એ બાબત પણ નોંધેલી કે ઘટનાના સમયે વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની (BNS) કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશ અમલમાં હતો. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને રસ્તા પર ઉતર્યા હતા.
અદાલતે ઘટનાક્રમ દરમિયાન લગાવવામાં આવેલા ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા, સર તન સે જુદા’ જેવા નારાઓ અંગે પણ કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આવા નારા દેશના કાયદાના શાસન, ભારતની સાર્વભૌમતા અને અખંડિતતા માટે સીધો પડકાર સમાન છે.
આદેશમાં કોર્ટે નોંધ્યું હતું કે આવી નારેબાજી માત્ર ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 હેઠળ ગંભીર ગુનો જ નથી, પરંતુ તે ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતો અને શિક્ષણોની પણ વિરુદ્ધ છે. કોર્ટે કહ્યું હતું કે આવી હિંસક અને ઉશ્કેરણીજનક નારેબાજી સશસ્ત્ર બળવા માટેની અપીલ સમાન ગણાઈ શકે છે.
જામીન અરજી ફગાવવાનું એક મુખ્ય કારણ તૌકીર રઝાનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ રહ્યો હતો. કોર્ટે નોંધ્યું કે સમાન પ્રકારના કેસોમાં આરોપીનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે. આવી સ્થિતિમાં જો તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ફરીથી એક વિશિષ્ટ સમુદાયને ઉશ્કેરી શકે છે અને સમાજની શાંતિ તથા સૌહાર્દને નુકસાન પહોંચાડી શકે છે.
આ સમગ્ર કેસ 26 સપ્ટેમ્બર, 2025ના રોજ નોંધાયેલી પોલીસ FIR સાથે સંબંધિત છે. આરોપ છે કે તૌકીર રઝા ખાને વહીવટી પ્રતિબંધોને અવગણીને મુસ્લિમોને બરેલીના ઇસ્લામિયા ઇન્ટર કોલેજ ખાતે ભેગા થવાનું આહ્વાન કર્યું હતું. FIR મુજબ ત્યારબાદ આશરે 200થી 250 લોકોની ભીડ હાથમાં ભડકાઉ બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને મૌલાના આઝાદ ઇન્ટર કોલેજથી શ્યામગંજ ચોક તરફ આગળ વધી હતી.
પોલીસે ભીડને રોકવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિસ્થિતિ હિંસક બની ગઈ હતી. આરોપ છે કે ભીડે પોલીસકર્મીઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો અને તેમની ઉપર પેટ્રોલ બૉમ્બ તેમજ એસિડની બોટલો પણ ફેંકવામાં આવી હતી. અહેવાલો અનુસાર હિંસા દરમિયાન અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. પોલીસકર્મીઓના કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા અને હુમલામાં બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સરકારી સંપત્તિને પણ મોટાપાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
હાઇકોર્ટે પોતાના આદેશમાં આ તમામ પરિસ્થિતિઓને અત્યંત ગંભીર ગણાવી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે આવા કેસમાં આરોપીને જામીન આપવા યોગ્ય નથી. પરિણામે મૌલાના તૌકીર રઝા ખાનની અરજી ફગાવી દેવામાં આવી છે.

