
મૂળ તેલંગાણાના અને અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહીને પાર્ટ ટાઇમ પિઝા ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા એક 28 વર્ષીય યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. તેને પિઝા ડિલિવરી માટે બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
યુવકની ઓળખ અંશુલ કુંચા તરીકે થઈ છે. તે અમેરિકાની એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો અને વિકએન્ડના દિવસોમાં એક્સ્ટ્રા ઇન્કમ માટે પિઝા ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કરતો હતો.
ઘટના શુક્રવારે (5 જૂન) રાત્રે લગભગ 12:30 આસપાસ બની. અંશુલ નોર્થ ફિલાડેલ્ફિયાના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં પિઝાની ડિલિવરી કરવા માટે ગયો હતો. ત્યાં ડિલિવરી કર્યા બાદ પરત ફરતી વખતે તેને ગોળી મારી દેવામાં આવી. કોમ્પ્લેક્સના ફૂટેજમાં બે માણસો અંશુલનો પીછો કરતા પણ જોવા મળ્યા હતા.
જોકે પોલીસનું કહેવું છે કે જ્યાંથી ઑર્ડર આપવામાં આવ્યો હતો એ યુનિટ ખાલી છે. હાલ જે મોબાઇલ પરથી ઑર્ડર અપાયો હતો તેની પોલીસ તપાસ કરી રહી છે. બોક્સ પરથી પિઝા શોપની પણ ઓળખ કરી લેવામાં આવી અને ત્યાં પણ તપાસ-પૂછપરછ ચાલી રહી છે. જોકે આ પ્રકાશિત થયાની ક્ષણ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
અંશુલના પરિવારને આશંકા છે કે પિઝાનો ઑર્ડર એ જાળ માત્ર હતી. જોકે પરિવાર પણ જાણતો નથી કે હત્યા પાછળનો આશય શું હોય શકે. મૃતકની બહેને કહ્યું કે, “અંશુલને એક અવાવરુ જગ્યાએ પિઝા ડિલીવર કરવા માટે કહ્યું હતું પણ પછીથી જાણવા મળ્યું એ માત્ર જાળ હતી. ત્યાં કોઈ ન હતું અને માત્ર હત્યા કરવા માટે જાળ પાથરવામાં આવી હતી. અમને ખબર નથી કે તેમના (હત્યારા) ઇરાદા શું હશે.”
યુવકની બહેને મીડિયા સાથે વાતચીત દરમ્યાન એમ પણ કહ્યું કે જે ભારતીયો તેમનાં સંતાનોને અમેરિકા મોકલે છે તેમના માટે આ ઘટના એક સંદેશ છે અને તેમણે બાળકોને અમેરિકા મોકલવાં ન જોઈએ.
પરિવાર અનુસાર તેમને સોમવારે મૃતદેહ સોંપવા માટે જણાવ્યું છે. વિનંતી કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે પરિવારને મૃતદેહ સોંપવામાં આવે જેથી અંતિમક્રિયા થઈ શકે. પરિવારને કોઈની સંડોવણી વિશે આશંકા નથી પરંતુ અપીલ કરી છે કે જે કોઈ જવાબદાર હોય તેમને કડક સજા કરવામાં આવે.

