હોમપેજદેશદેશભરમાં મેડિકલ સ્ટોર કેમ બંધ રહ્યા, કેમિસ્ટો કેમ ઉતર્યા હડતાળ પર?– વાંચો...

દેશભરમાં મેડિકલ સ્ટોર કેમ બંધ રહ્યા, કેમિસ્ટો કેમ ઉતર્યા હડતાળ પર?– વાંચો શું છે તેમની માંગણીઓ

હડતાળ પાછળનું મુખ્ય કારણ ભારતમાં ઝડપથી વધી રહેલું ઓનલાઇન દવાઓનું બજાર અને તેના દ્વારા અપાતું ડિસ્કાઉન્ટ છે. પરંપરાગત મેડિકલ સ્ટોરના સંચાલકોનો આરોપ છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ કોઈ પણ કડક નિયમો વિના ધમધમી રહ્યા છે.

- Advertisement -

દેશભરમાં દવાઓનો વ્યવસાય કરતા નાના-મોટા વેપારીઓના સૌથી મોટા સંગઠન ‘ઑલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ’ (AIOCD) દ્વારા 20 મેના રોજ એક દિવસીય દેશવ્યાપી હડતાળ પાળવામાં આવી હતી. આ હડતાળમાં દેશના અંદાજે 12.4 લાખથી વધુ ફાર્માસિસ્ટ, જથ્થાબંધ ડિસ્ટ્રિબ્યુટર્સ અને છૂટક કેમિસ્ટ જોડાયા હોવાથી દિવસભર આરોગ્ય સેવાઓ પર તેની વ્યાપક અસર જોવા મળી. ખાસ કરીને જે દર્દીઓ રોજિંદી દવાઓ પર જીવી રહ્યા છે તેમને થોડી મુશ્કેલી પડી હતી. જોકે બંધમાં તમામ મેડિકલ સ્ટોર સંચાલકો જોડાયા ન હતા, ઉપરાંત હોસ્પિટલ સંલગ્ન અને ઇમરજન્સી દવાઓ પૂરા પાડતા સ્ટોર ચાલુ જ રહ્યા હતા.

હડતાળ પાછળનું મુખ્ય કારણ ભારતમાં ઝડપથી વધી રહેલું ઓનલાઇન દવાઓનું બજાર (e-pharmacies) અને તેના દ્વારા અપાતું ડિસ્કાઉન્ટ છે. પરંપરાગત મેડિકલ સ્ટોરના સંચાલકોનો આરોપ છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ કોઈ પણ કડક નિયમો વિના ધમધમી રહ્યા છે. કોર્પોરેટ કંપનીઓની આ અનિયંત્રિત આગેકૂચ ગલી-મહોલ્લાના નાના કેમિસ્ટ્સ અને પેઢીઓથી ચાલતા છૂટક વેપારીઓ માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે જેના વિરોધમાં આજે આ આક્રોશ રસ્તા પર જોવા મળ્યો છે.

કેમિસ્ટ એસોસિએશનનો મુખ્ય વિરોધ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલાં બે નોટિફિકેશન– GSR 220(E) અને GSR 817(E) સામે છે. સંગઠનનો દાવો છે કે આ નિયમોમાં રહેલી કાયદાકીય છટકબારીઓનો ફાયદો ઉઠાવીને મોટી ઓનલાઇન ફાર્મસીઓ કોઈપણ સત્તાવાર વ્યાખ્યા કે મજબૂત કાયદાકીય માળખા વગર પોતાનો વેપાર મુક્તપણે ચલાવી રહી છે, જે સામાન્ય દુકાનદારોનાં હિતોની વિરુદ્ધ છે.

- Advertisement -

વિવાદિત નિયમોમાં બીજી GSR 220(E) અધિસૂચના છે, જેને કોરોના મહામારી દરમિયાન લાગુ કરવામાં આવી હતી. તે સમયે લૉકડાઉનની સ્થિતિ હોવાથી સરકારે કટોકટીના પગલા તરીકે નોંધાયેલા કેમિસ્ટોને દર્દીઓના ઘર સુધી દવાઓ પહોંચાડવાની છૂટ આપી હતી. કેમિસ્ટોના મતે હવે મહામારી પૂરી થઈ ગઈ હોવા છતાં ઓનલાઇન કંપનીઓ આજે પણ આ જ કટોકટીના નિયમનો આશરો લઈને ગેરકાયદેસર રીતે હોમ ડિલિવરીનું નેટવર્ક ચલાવી રહી છે.

8 વર્ષ જૂનો ડ્રાફ્ટ અને કાયદાકીય ગૂંચવણ

બીજી તરફ, GSR 817(E) એ લગભગ આઠ વર્ષ પહેલાં (વર્ષ 2018માં) ઇ-ફાર્મસીના નિયમન માટે બહાર પાડવામાં આવેલો એક સરકારી ડ્રાફ્ટ હતો. આ નિયમ હેઠળ ઓનલાઇન દવા વેચનારાઓ માટે ફરજિયાત રજિસ્ટ્રેશન, પ્રિસ્ક્રિપ્શનની કડક તપાસ અને દંડની જોગવાઈઓ પ્રસ્તાવિત હતી. પરંતુ આ ખરડાને ક્યારેય સત્તાવાર રીતે કાયદાનું સ્વરૂપ આપીને લાગુ કરવામાં ન આવ્યો અને તેને સત્તાવાર રીતે પાછો પણ ન ખેંચાયો. એસોશિએશનનું કહેવું છે કે કાયદાકીય સ્પષ્ટતાના અભાવે આજે ઓનલાઇન બજાર સંપૂર્ણપણે બેલગામ બની ગયું છે.

AIOCDના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલે ગંભીર આક્ષેપ કર્યો છે કે ડિજિટલ એપ્સ અને ઇન્સ્ટન્ટ ડિલિવરી પ્લેટફોર્મ્સ પર પ્રિસ્ક્રિપ્શનની ચકાસણીની કોઈ સચોટ સિસ્ટમ નથી. આજે પણ ઘણી જગ્યાએ નકલી, એડિટ કરેલા અથવા તો રજિસ્ટર્ડ ન હોય તેવા બોગસ ડૉક્ટરોના લેટરપેડ અપલોડ કરીને એન્ટિબાયોટિક્સ, નશીલી દવાઓ કે ગર્ભપાતની દવાઓ સરળતાથી મંગાવી લેવાય છે. આ પ્રવૃત્તિ દેશમાં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ (દવાઓ બેઅસર થવી) અને નશાખોરીનું જોખમ વધારી રહી છે.

દવાઓના કુરિયર અંગે પણ ફાર્માસિસ્ટોએ ટેકનિકલ સવાલો ઉઠાવ્યા છે. ડાયાબિટીસ માટેનું ઇન્સ્યુલિન, નાના બાળકોની રસી અને કેટલીક જીવરક્ષક જૈવિક દવાઓને 2થી 8 ડિગ્રી સેલ્સિયસના નિયત તાપમાનમાં જ રાખવી અનિવાર્ય હોય છે. ઓનલાઇન કંપનીઓ સામાન્ય કુરિયર કે બાઇક ડિલિવરી બોયઝ દ્વારા આ દવાઓ મોકલે છે, જેથી ઉનાળાની ગરમીમાં આ મોંઘી દવાઓ રસ્તામાં જ બગડી જાય છે અને દર્દીના શરીરમાં તે કોઈ અસર કરતી નથી.

ડિસ્કાઉન્ટ સામે વાંધો

ઓનલાઇન પ્લેટફોર્મ્સ ગ્રાહકોને આકર્ષવા માટે 20% થી લઈને 50% સુધીનું માતબર ડિસ્કાઉન્ટ ઑફર કરે છે. અબજો રૂપિયાનું ફન્ડિંગ ધરાવતી મોટી કોર્પોરેટ કંપનીઓ માર્કેટ કબજે કરવા માટે પોતાના નફામાંથી આ નુકસાન વેઠી શકે છે, પરંતુ ગલી-મહોલ્લાના નાના કેમિસ્ટો માટે આટલું મોટું ડિસ્કાઉન્ટ આપવું આત્મઘાતી સાબિત થાય. આ અસમાન સ્પર્ધાને કારણે આજે હજારો નાના વેપારીઓ નાદાર થવાના આરે આવી ગયા છે.

આજે દેશભરમાં આ બંધની મિશ્ર અસર જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર અને આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળ સહિત અંદાજે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્થાનિક રિટેલ સંગઠનોએ જાહેર હિતમાં આ હડતાળથી અંતર જાળવ્યું હોવાથી ત્યાં ઘણી દુકાનો ખુલ્લી છે. જોકે, અન્ય રાજ્યોના આંતરિક અને ગ્રામીણ વિસ્તારોમાં ઘણા મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા.

જોકે, AIOCD એ હડતાળમાંથી ઇમરજન્સી સેવાઓને સંપૂર્ણ બાકાત રાખી હતી. દેશભરમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલ સાથે જોડાયેલા મેડિકલ સ્ટોર્સ, સરકારી સિવિલ હોસ્પિટલોના દવા કાઉન્ટર્સ, રેડક્રોસ સોસાયટીની ફાર્મસીઓ, 24 કલાક ખુલ્લાં રહેતાં ઇમરજન્સી કેન્દ્રો અને વડાપ્રધાન ‘જન ઔષધિ કેન્દ્રો’ આજે હંમેશની જેમ કાર્યરત રહ્યાં છે, જેથી ગંભીર દર્દીઓની સારવાર અટકી નથી.

જે નગરો અથવા મહાનગરોના વિસ્તારોમાં સ્થાનિક વેપારી મંડળોએ હડતાળને સંપૂર્ણ ટેકો આપ્યો ત્યાં સોસાયટીઓ અને સ્થાનિક બજારોમાં આવેલા સ્વતંત્ર મેડિકલ સ્ટોર્સ સવારથી જ બંધ જોવા મળ્યા હતા. સૌથી મોટી અસર હોલસેલ દવાના પુરવઠા પર પડી. જથ્થાબંધ બજારો બંધ રહેવાના કારણે જે છૂટક દુકાનો ખુલ્લી છે ત્યાં પણ દવાઓનો નવો સ્ટોક પહોંચી શક્યો નહતો જેના કારણે ડિલિવરીમાં વિલંબ પણ જોવા મળ્યો.

આજની આ દેશવ્યાપી હડતાળ વચ્ચે કેન્દ્રીય ડ્રગ કંટ્રોલર (CDSCO) અને આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. સરકારે વેપારી સંગઠનોને ખાતરી આપી છે કે ઓનલાઇન ફાર્મસીઓ માટે કડક નિયમો બનાવવાની પ્રક્રિયા હાલ સક્રિય વિચારણા હેઠળ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણીઓને ધ્યાનમાં રાખીને હવે સમય પાકી ગયો છે કે સરકાર આજે રસ્તા પર ઉતરેલા પરંપરાગત વેપારીઓની આજીવિકા અને ગ્રાહકોની સુરક્ષા બંને વચ્ચે સંતુલન જાળવતો એક મજબૂત રાષ્ટ્રીય કાયદો વહેલી તકે અમલમાં મૂકે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં