મુર્શિદાબાદમાં મતદાનની આગલી રાત્રે ક્રૂડ બૉમ્બ ફેંકાયો, TMCએ હુમાયુ કબીરની પાર્ટી પર લગાવ્યો આરોપ: બંને પાર્ટીના કાર્યકર્તાઓ બાખડ્યા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની પૂર્વસંધ્યાએ સંવેદનશીલ ગણાતા મુર્શિદાબાદમાં એક ક્રૂડ બૉમ્બ ફેંકવાની ઘટના સામે આવી હતી, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. બીજી તરફ ઘટના બાદ તૃણમૂલ કોંગ્રેસ અને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવેલા હુમાયુ કબીરની પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ પણ થઈ ગઈ હતી.

ક્રૂડ બૉમ્બની ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની ગંભીરતા જોતાં સુરક્ષા દળોના કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. જોકે, મુર્શિદાબાદના એએસપી (ASP) મજિદ ખાને પત્રકારોને જણાવ્યું હતું કે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં અને શાંતિપૂર્ણ છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસાની આ પરંપરાગત ઘટના બાદ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે.

ઇજાગ્રસ્ત વ્યક્તિએ જણાવ્યું હતું કે તેઓ લગભગ રાત્રે આઠ વાગ્યે નમાજ અદા કરવા માટે નીકળ્યા હતા. ત્યારે બે છોકરાઓ આવ્યા અને બૉમ્બ ફેંકી ગયા હતા. તેમણે હુમાયુ કબીરની પાર્ટીના માણસો આમાં સંડોવાયેલા હોવાનો આરોપ લગાવ્યો. ઘટના એક પ્રાથમિક શાળાની નજીક બની હતી, જ્યાં મતદાન મથક પણ છે. જોકે મતદાન રાબેતા મુજબ ચાલી રહ્યું છે અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

ઘટના બાદ TMC સાંસદ અબુ તાહિર ખાને હુમાયુની પાર્ટી આમજનતા ઉન્નયન પાર્ટી પર આરોપ લગાવ્યો હતો.

બીજા દિવસે જ્યારે મતદાન શરૂ થયું તો હુમાયુ કબીરે બ્લાસ્ટના સ્થળની મુલાકાત લીધી હતી. અહીં હુમાયુની પાર્ટી અને TMCના કાર્યકર્તાઓ એકબીજા સાથે બાખડ્યા હતા અને નારાબાજી કરી હતી. જોકે પછીથી CRPF કર્મચારીઓએ હસ્તક્ષેપ કરીને મામલો થાળે પાડ્યો હતો. કબીરે પાર્ટી વિરુદ્ધના આરોપો ફગાવી દીધા છે.